Gujarat

ઠંડીએ ભુક્કા કાઢી નાંખ્યા!, હજુ આટલા દિવસ રહેશે ગુજરાતમાં ઠંડીનું જોર

ગાંધીનગર: રહી રહીને ગુજરાતમાં (Gujarat) શિયાળો (Winter) જામ્યો છે. ઉત્તરાયણના (Uttrayan) દિવસથી જ રાજ્યમાં જોરદાર ઠંડી પડી રહી છે. વીતેલા બે દિવસમાં રાજ્યના 9 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે. નલિયામાં સૌથી નીચું 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલી બધી ઠંડી પડી રહી છે કે, ઉત્તર ગુજરાત, કચ્છના લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. દરેકની જીભ પર એક જ સવાલ છે કે ભુક્કા કાઢી નાંખનારી ઠંડી ક્યાં સુધી પડશે? તો ચાલો જાણીએ ઠંડીનો જોર હજુ કેટલાં દિવસ રહેશે…

રાજકોટ, બનાસકાંઠામાં બરફ જામ્યો: કચ્છમાં કોલ્ડવેવની આગાહી
આ વર્ષે ટુકડે ટુકડે પણ જોરદાર ઠંડી પડી રહી છે. નલિયા, ડીસા, કંડલામાં તો એવી ઠંડી પડી રહી છે કે લોકોએ ઉત્તરાયણમાં પતંગ ચગાવવા જવાનું પણ ટાળ્યું હતું. રાજકોટના આસપાસના વિસ્તારમાં આવેલા ખેતરોમાં બરફ જામવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. રાજકોટ અને ભૂજમાં 9 ડીગ્રી તાપમાન સાથે ડીસામાં 8.2 ડીગ્રી તાપમાન તો વડોદરામાં 12 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે કચ્છના નલિયામાં સૌથી નીચું તાપમાન 1.4 ડિગ્રી રહ્યું છે. તથા 9 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું છે. તેમજ અમદાવાદમાં તાપમાનનો પારો 8.6 ડીગ્રી છે. ડીસા, પાટણ અને મહેસાણા શહેરમાં ઠંડી 9 ડીગ્રીથી નીચે અને હિંમતનગર તથા મોડાસાનું તાપમાન 11 ડીગ્રીથી નીચે રહેતાં ઉત્તર ગુજરાત થથરી ઊઠ્યું છે. આગામી 24 કલાક દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કોલ્ડ વેવની વકી છે.

માઉન્ટ આબુમાં ઠંડીએ 30 વર્ષને રેકોર્ડ તોડ્યો
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્‍થાનમાં આ વર્ષે જોરદાર ઠંડી પડી છે. માઉન્‍ટ આબુમાં ઠંડીએ છેલ્લાં 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અહીં લઘુત્તમ તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો છે. અહીંની સૌથી ઊંચી પહાડી ટેકરી ગુરૂ શિખર પર બરફ જામેલું જોવા મળી રહ્યું છે. માઉન્‍ટ આબુમાં આ પહેલાં 12 ડિસેમ્‍બર 1994નાં રોજ પારો માઈનસ 7.4 ડિગ્રી થયું હતું.

હજુ આટલા દિવસ ઠંડીનું જોર રહેશે
હજુ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. હજુ બુધવાર સુધી કોલ્ડવેવ રહેશે અને ગુરુવારથી ઠંડીનો પારો ડબલ ડિજિટમાં પહોંચે એવી સંભાવના છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂકો ઠંડો પવન ફૂંકાતાં ઠંડી અને ઠાર બન્ને જોવા મળ્યાં હતાં અને જનજીવન પ્રભાવિત બન્યું હતું.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ 19 તારીખ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે.

Most Popular

To Top