India

30 સપ્ટેમ્બરે દિલ્હીમાં ‘ઈન્ડિયા બ્લોક’ની મહત્વની બેઠક

ચૂંટણી પંચ, મતદાર યાદીની વિશેષ સઘન પુનઃચકાસણી (એસઆઈઆર) અને અન્ય મુદ્દાઓ પર પોતાની રણનીતિની ચર્ચા કરવા માટે વિપક્ષી ઇન્ડિયા બ્લોકના પક્ષો 30 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીમાં બેઠક યોજે તેવી સંભાવના છે. એમ સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.સૂત્રોએ સંકેત આપ્યો હતો કે, સંકલિત વિરોધ પ્રદર્શનો કરવા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.ચૂંટણી પંચમાં એસઆઈઆર પ્રક્રિયાનાં કેટલાંક પાસાંઓ અંગે મતભેદોના અહેવાલો અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની વધતી જતી માંગણીઓ વચ્ચે વિરોધ પક્ષો વચ્ચે પરસ્પર સંકલન વધ્યા બાદ આ પ્રસ્તાવિત બેઠક મળી રહી છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, વિરોધ પક્ષો આ મુદ્દે એક સંગઠિત અભિયાન ચલાવવાની રીતો પર ચર્ચા કરે તેવી સંભાવના છે.
ઇન્ડિયા બ્લોકના અનેક નેતાઓએ ચૂંટણી પ્રક્રિયા આસપાસની ચિંતાઓ સામે એક થવા માટે વિરોધ પક્ષો, નાગરિક સમાજ જૂથો અને સામાન્ય લોકોને આહ્વાન કર્યું છે.તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ વિપક્ષી અભિયાનના કેન્દ્રમાં રહેશે. ચૂંટણી કમિશનરની પસંદગી પ્રક્રિયામાં ફેરફાર અને એસઆઈઆર સામેનો વિરોધ સહિતની અન્ય માંગણીઓ પણ આગળ ધપાવવામાં આવશે.


ઓ’બ્રાયને જણાવ્યું, ”સૌપ્રથમ, જ્ઞાનેશ કુમારે જવું પડશે. અન્ય કેટલીક માંગણીઓ પણ ઉઠાવવામાં આવી છે. ચૂંટણી કમિશનરની પસંદગી કેવી રીતે થાય છે અને એસઆઈઆર કેવી રીતે એક છેતરપિંડી હતી તે સહિતની તે માંગણીઓ યથાવત છે. અમે સંયુક્તપણે, હેતુપૂર્વક અને ઝડપથી કામ કરીશું.”

Most Popular

To Top