SURAT

મોટા વરાછાની આ સોસાયટીનું ગેરકાયદે બાંધકામ સુરત મનપાએ તોડી પાડ્યું

સુરત (Surat): શહેરમાં ગેરકાયદે બાંધકામ (Illegal Construction) મોટું ન્યૂસન્સ છે. ખાસ કરીને વરાછા, કતારગામ, ઉધના અને લિંબાયત તેમજ સેન્ટ્રલ ઝોનમાં આ દૂષણ મોટા પાયે ચાલે છે. હવે નવા ઝોન વરાછા-એ (સરથાણા)ના વિસ્તારોમાં પણ ગેરકાયદે બાંધકામનો ઉદ્યોગ ફૂલીફાલી રહ્યો છે. ત્યારે આ ઝોનમાં તો ઇમાનદાર પાર્ટી હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીના સભ્યો ચુંટાયેલા હોવા છતાં અહીં ચાલતાં બેફામ ગેરકાયદે બાંધકામો સામે સૂચક રીતે મૌન સેવી રહ્યા છે. આ ઝોનમાં નવા નવા બનેલા કાર્યપાલક ઇજનેર સતીષ વસાવાએ ભાજપના કટ્ટ્રર હરીફ વિપક્ષના નેતાઓ સાથે ગઠબંધન કરી લીધું હોવાના આક્ષેપો સાથેની ચર્ચાઓ પણ ઉઠી હતી.

  • વૃંદાવન સોસાયટીનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
  • નવા ઝોનલ ઓફિસર સતિષ વસાવા આપના સભ્યોના ઈશારે ગેરકાયદે બાંધકામને બચાવી રહ્યા હોવાના આક્ષેપો થયા હતા
  • જોકે, આખરે ફરિયાદો થતાં ઝોનલ ઓફિસર સતીષ વસાવાએ આ ગેરકાયદે બાંધકામ તોડવું પડ્યું

કેમ કે, મોટા વરાછાની ટીપી સ્કીમ નં.24 (મોટા વરાછા)ના ફાઇનલ પ્લોટ નં.44-બી વૃંદાવન સોસાયટી વિભાગ-1ના સીઓપીમાં રસ્તાને નડતરરૂપ કોમર્શિયલ બાંધકામ થઇ રહ્યું હોવાની ફરિયાદ મળવા છતાં ઘણા દિવસો સુધી કોઇ કાર્યવાહી થઇ ન હતી. અને આખરે આ બાંધકામ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ બાંધકામ બાબતે ઝોનના અધિકારીઓને વિપક્ષી નેતાઓ અને કાર્યકરોની ભલામણ હોવાથી તેની સામે કોઇ કાર્યવાહી થતી ન હતી. અને ઝોનમાં ફરિયાદ કરવામાં આવી તો ઝોનના અધિકારીઓએ ફરિયાદીની વિગતો ગેરકાયદે બાંધકામ કરતા લોકોને આપી દીધી હોવાથી ઝોનના અધિકારીઓની મિલીભગત બહાર આવી હતી. અને હવે મોડે મોડે આ બાંધકામ તોડી પાડવાનું શરૂ કરાયું હતું.

બુધવારે સવારથી જ મનપાના કર્મચારીઓ હથોડા લઈને બિલ્ડિંગ પર ચઢી ગયા હતા અને હથોડા ઝીંકી સ્લેબ તોડવા માંડ્યા હતા. આ વિવાદી ગેરકાયદે બાંધકામ જાહેર રોડ પર આવેલું હોય અને તેને તોડવામાં આવતું હોય મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ભેગા થઈ ગયા હતા.

Most Popular

To Top