Editorial

જો કોંગ્રેસમાં પ્રવેશ મળશે તો શંકરસિંહે ધીરજ રાખતા પણ શીખવું પડશે

ભાજપ, રાજપા, કોંગ્રેસ અને બાદમાં એનસીપી પછી હવે ફરી માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આત્મા કોંગ્રેસમાં જવા માટે સળવળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યું કે જો સોનિયા ગાંધી મને કહેશે તો હું કોંગ્રેસમાં જોડાઈશ. એક સમયે ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા મોટું માથું મનાતા હતાં.

1970થી રાજકારણમાં સક્રિય થયેલા શંકરસિંહ વાઘેલા પહેલા આરએસએસ, બાદમાં જનસંઘ અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતાં. આરએસએસથી શરૂ કરીને ભાજપ સુધીમાં તેઓ 27 વર્ષ જોડાયેલા રહ્યાં. ભાજપમાં કેશુભાઈ પટેલ સાથેના મતભેદમાં શંકરસિંહ વાઘેલા 1997માં ભાજપથી છૂટા પડ્યા અને કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં પણ શંકરસિંહ વાઘેલા 19 વર્ષ સુધી રહ્યાં. કોંગ્રેસમાં 2017માં જ્યારે રાજ્યસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે શંકરસિંહ વાઘેલાએ ધારાસભ્યો સાથે બળવો કર્યો. શંકરસિંહના બળવા છતાં પણ કોંગ્રેસના અહેમદ પટેલ જીતી ગયા.

શંકરસિંહને બળવો ભારે પડ્યો. જે ભાજપના ભરોસે તેમણે કોંગ્રેસ છોડી તે ભાજપે તેમને સંઘર્યા નહીં અને બાપુ એકલા પડી ગયા. શંકરસિંહે બાદમાં પોતાની પાર્ટી બનાવી વિધાનસભાની ચૂંટણી લડી. એક પણ બેઠક નહીં મળતાં બાપુ બાદમાં ફરી એનસીપીમાં ગયા અને એનસીપી છોડીને હાલમાં ફરી તેમણે નવી પાર્ટી બનાવી, પરંતુ તેમાં ફાવ્યાં નહીં.

શંકરસિંહ રાજકારણના અઠંગ ખેલાડી છે. ભાજપને બેઠું કરવામાં શંકરસિંહે મોટો ભાગ ભજવ્યો હતો. કોંગ્રેસને પણ શંકરસિંહથી મોટો ફાયદો થયો હતો. જો શંકરસિંહ વાઘેલાએ 2017ની ચૂંટણી પહેલા બળવો કર્યો નહીં હોત તો કદાચ કોંગ્રેસ ગુજરાતમાં સરકારમાં હોત. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખુદ ઓછું અંતર રહ્યું હતું. શંકરસિંહ વાઘેલાની રાજકીય કાબેલિયતના મામલે કોઈ મતભેદ નથી પરંતુ તેમનો ઉતાવળિયો સ્વભાવ દર વખતે તેમની કારકિર્દીને મોટું નુકસાન કરી રહ્યો છે.

જો શંકરસિંહે 1997માં ભાજપમાં બળવો કર્યો નહીં હોત તો કદાચ કેશુભાઈ પટેલ બાદ તે પોતે જ મુખ્યમંત્રી હોત અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી કે વડાપ્રધાન બની શક્યા નહીં હોત. આજ રીતે કોંગ્રેસમાં પણ બળવો કરવાની શંકરસિંહે ઉતાવળ કરી નહીં હોત તો કોંગ્રેસની સરકાર હોત. શંકરસિંહ વાઘેલાને ઝડપથી બધું જોઈતું હતું અને તેમાં ને તેમાં તેઓ 80 વર્ષના થઈ જવા છતાં પણ એવું મોટું રાજકીય ફલક મેળવી શક્યા નહીં.

ગુજરાતમાં રાજકારણમાં રહેલા તમામ પક્ષોમાં આંટો મારીને હવે રાજ્યમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાવા માટે તૈયાર થયા છે. જ્યાં સુધી અહેમદ પટેલ જીવતા હતાં ત્યાં સુધી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી શક્ય નહોતી. અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે જ શંકરસિંહે કરેલો બળવો તેમને નડી રહ્યો હતો.

પરંતુ હવે શંકરસિંહ વાઘેલાને ભરતસિંહ સોલંકી ફરી કોંગ્રેસમાં લઈ આવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. કોંગ્રેસમાં મજબુત રાજપુત ધરી ફરી શંકરસિંહને કોંગ્રેસમાં લાવવા માટે થનગની રહી છે અને સમય જ નક્કી કરશે કે કોંગ્રેસમાં ફરી શંકરસિંહ આવશે કે કેમ? આમ તો ગુજરાતમાં હાલમાં કોંગ્રેસની એટલી સારી સ્થિતિ નથી.

પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં હાલના તબક્કે કોંગ્રેસ જીતી અને સત્તા મેળવે તેવી ઓછી શક્યતા જણાઈ રહી છે. આ સંજોગોમાં શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસમાં પ્રવેશ તેમની સંગઠન શક્તિ થકી કોંગ્રેસને ફાયદો જ કરાવશે. પરંતુ સાથે સાથે શંકરસિંહનો બળવાનો સ્વભાવ શંકરસિંહને નડશે. શંકરસિંહ માટે હવે માત્ર 5 જ વર્ષ છે. શારીરિક રીતે શંકરસિંહ તંદુરસ્ત છે પરંતુ રાજકીય રીતે તેમની તબિયત હાલમાં સારી નથી.

કોંગ્રેસને પકડીને શંકરસિંહ વાઘેલા ફરી ગુજરાતના રાજકારણમાં મહત્વનું સ્થાન મેળવવા ઈચ્છી રહ્યાં છે. કોંગ્રેસ શંકરસિંહને ફરી પક્ષમાં લે કે કેમ? તે હાઈકમાન્ડ નક્કી કરશે, પરંતુ જો શંકરસિંહ હવે કોંગ્રેસમાં જઈ તેને સમર્પિત રહેશે તો શંકરસિંહ અને કોંગ્રેસ બંને ફાયદામાં રહેશે તે નક્કી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top