Columns

લ્યુક મોન્ટેગ્નિયરનો દાવો સાચો હોય તો સરકારે રસીકરણ અટકાવી દેવું જોઈએ

કોરોનાની રસી લીધા પછી ભારતના વિવિધ ભાગોમાંથી લોહીમાં ગાંઠો થવાના હેવાલો આવી રહ્યા છે ત્યારે નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેન્ચ વિજ્ઞાની લ્યુક મોન્ટેગ્નિયરે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે વર્તમાનમાં કોરોના વાયરસમાં જે મ્યુટેશન (પરિવર્તન)જોવા મળી રહ્યું છે, તેના માટે કોરોનાની વેક્સિન જવાબદાર છે. મોન્ટેગ્નિયરના દાવાને કારણે ભારત સરકાર હચમચી ગઈ છે અને વેક્સિનની યોજનામાં આગળ વધવા બાબતમાં વિચારી રહી છે. ભારતની ૧૪૦ કરોડની વસતિ પૈકી સરકાર હજુ સુધી માંડ ૨૦ કરોડ લોકોને રસીનો પહેલો ડોઝ આપી શકી છે. બીજો ડોઝ તો બે કરોડ જેટલા લોકોને જ આપી શકાયો છે. જો આ ઝડપે સમગ્ર દેશની વસતિને કોરોનાની રસી આપવી હોય તો ત્રણ વર્ષ જેટલો સમય લાગશે. જો તે દરમિયાન મોન્ટેગ્નિયરના દાવા મુજબ વાયરસ નવું સ્વરૂપ ધારણ કરી લેવાનો હોય તો રસી નકામી બની જશે. જો રસીકરણને કારણે વાયરસમાં પરિવર્તન આવે છે, તેવું સાબિત થઈ જાય તો સરકારે રસીકરણ અટકાવી દેવું પડે તેવું બની શકે છે.

ફ્રાન્સના વિજ્ઞાની લ્યુક મોન્ટેગ્નિયરને ૨૦૦૮માં વાયરસ બાબતના સંશોધન માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. તેમણે હોલ્ડ અપ મીડિયા માટે પિયરે બર્નેરિયાસને આપેલા ઇન્ટવ્યૂમાં કહ્યું હતું કે રસી દ્વારા પેદા થતી એન્ટિબોડીથી બચવા માટે કોરોના વાયરસને પોતાનું સ્વરૂપ બદલવાની ફરજ પડે છે. મૂળ ઇન્ટરવ્યૂ ફ્રેન્ચ ભાષામાં લેવામાં આવ્યો હતો, પણ અમેરિકાના રેર ફાઉન્ડેશન દ્વારા તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યૂ મેઇનસ્ટ્રિમ મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયામાં બહુ વાયરસ થતાં વેક્સિનનું ઉત્પાદન કરતી લોબી ચિંતામાં મૂકાઈ ગઈ છે. તેણે ફેસબુકના સંચાલકો પર દબાણ કરીને તેને ડિલિટ કરવાની ફરજ પાડી હતી. ગયા વર્ષના એપ્રિલમાં મોન્ટેગ્નિયરે દાવો કર્યો હતો કે કોરોના વાયરસ કુદરતીનથી પણ વુહાનની લેબમાં બનાવવામાં આવ્યો છે. આ દાવાને કારણે પણ દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો.

વીડિયોમાં મોન્ટેગ્નિયરને સવાલ પૂછવામાં આવે છે કે ‘‘જાન્યુઆરીમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું તે પછી ખાસ કરીને યુવાનોમાં નવા કેસો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે, તે બાબતમાં આપને શું કહેવું છે?’’ તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘‘આ એક એવી વૈજ્ઞાનિક ભૂલ છે, જેનો સ્વીકાર કરવામાં આવતો નથી. ઇતિહાસમાં દેખાડવામાં આવશે કે રસીને કારણે જ કોરોનાના નવા પ્રકારો પેદા થાય છે. રસી આપવાને કારણે શરીરમાં એન્ટિબોડી પેદા થાય છે. તેને કારણે વાયરસ સમક્ષ બે વિકલ્પ પેદા થાય છે. ક્યાં મરી જવું અને ક્યાં બદલાઈ જવું. વાયરસ જીવતા રહેવા માટે બીજો વિકલ્પ પસંદ કરે છે, જેને કારણે તેનું બદલાયેલું સ્વરૂપ જોવા મળે છે.’’

ડો. લ્યુક મોન્ટેગ્નિયરના કહેવા મુજબ દરેક દેશમાં રસીકરણને પગલે નવાં વાયરસ પેદા થયા છે. જેમ રસીકરણની ઝડપ વધતી જાય છે તેમ કોરોનાનો ગ્રાફ પણ ઊંચો ચડતો જોવા મળે છે.  તેઓ વિવિધ દેશોમાં રસીકરણનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે. જે લોકો કોરોનાની રસી લીધા પછી સંક્રમણનો ભોગ બન્યા છે, તેમના પર પ્રયોગો કરીને મોન્ટેગ્નિયર એવાં તારણ પર આવ્યા છે કે જગતમાં કોરોનાની જેટલી પણ રસી બનાવવામાં આવી છે તે વાયરસના નવા પ્રકાર પર બહુ અસર કરતી નથી. જો આ વાત સાચી હોય તો રસીકરણથી કોઈ ફાયદો થવાનો નથી. જો વિજ્ઞાની ઓ નવી રસી બનાવી કાઢશે તો તે પણ નવા વાયરસ સામે નકામી પુરવાર થઈ જશે.

કોઈ પણ રસી લીધા પછી મનુષ્યના શરીરમાં એન્ટિબોડી ડિપેન્ડન્ટ એન્હેન્સમેન્ટ નામની પ્રક્રિયા થાય છે, જેને ટૂંકમાં એડીઇ તરીકે ઓળખવામાં આવે છે. તેનો મુકાબલો કરવા માટે વાયરસ પોતાનું સ્વરૂપ બદલે છે. ડો. મોન્ટેગ્નિયરના કહેવા મુજબ દુનિયાના બધા મહામારી નિષ્ણાતો આ વાત જાણે છે, પણ તેનો જાહેરમાં સ્વીકાર કરતા નથી. તેઓ આ  બાબતમાં મૌન છે. ડો. મોન્ટેગ્નિયરની વાતની સાબિતી આપતા હોય તેમ યુરોપના દેશોના અનેક વૃદ્ધાશ્રમોમાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી તે પછી તેમનાં મોતનું પ્રમાણ વધી ગયું હતું. ગયા ફેબ્રુઆરી મહિનામાં યુરોપના અનેક ડોક્ટરો અને વકીલો દ્વારા યુરોપિયન મેડિસિન એજન્સીને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે કોરોનાની રસીનો યુવાનો પર જે દુષ્પ્રભાવ પડી રહ્યો છે તેનો અભ્યાસ કરવાની જરૂર છે.

તેમણે પણ રસી લેનારા વૃદ્ધોનાં થઈ રહેલાં મરણ બાબતમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ કોરોનાનો ભોગ બનનારા લોકોનું પોસ્ટ મોર્ટમ કરવામાં ન આવતું હોવાથી રસી લેનારના મરણનું કારણ જાણી શકાતું નથી.

એક બાજુ ફ્રેન્ચ વિજ્ઞાની દ્વારા પેદા કરાયેલો વિવાદ ચાલી રહ્યો છે તો બીજી બાજુ બાબા રામદેવે કોરોનાની સારવાર માટે વાપરવામાં આવતી એલોપથી પદ્ધતિ પર પ્રહારો કરીને નવો વિવાદ પેદા થયો છે. બાબા રામદેવે તેમની તા.૧૯ની શિબિરમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે કોરોનાના જેટલા દર્દીઓ હોસ્પિટલમાં બેડ ન મળવાને કારણે કે ઓક્સિજનના અભાવે મરી રહ્યા છે, તેના કરતાં વધુ દર્દીઓ એલોપથી દવાઓ અને સ્ટેરોઇડને કારણે મરી રહ્યા છે. બાબા રામદેવે કોરોનાની સારવાર માટે વપરાતી ફેબીફ્લુ, રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ જેવી દવાઓ ઉપર પણ પ્રહારો કર્યા હતા. તેમના કહેવા મુજબ આ દવાથી કોરોના મટી જતો હોવાના કોઈ પુરાવા નથી તો પણ તેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. રામદેવ બાબાના જણાવ્યા મુજબ એલોપથીનું વિજ્ઞાન ખોટું નથી; પણ કોરોનાની સારવારમાં તેનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે, તેને કારણે સમસ્યા પેદા થઈ છે.

બાબા રામદેવનાં વિધાનોને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને બહુ ગંભીરતાથી લીધાં છે. તેને લાગે છે કે બાબાનાં વિધાનોને કારણે એલોપથીના વિજ્ઞાનની બદનક્ષી થઈ છે અને લોકો ડોક્ટરોની ઠેકડી ઉડાડી રહ્યા છે. તેની દિલ્હીની બ્રાન્ચે બાબાને કાનૂની નોટિસ ફટકારી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમે જે આક્ષેપો કર્યા છે તે પુરવાર કરો, કે માફી માગો. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના કહેવા મુજબ કોરોનાની સારવાર માટે જે દવાઓ વાપરવામાં આવી રહી છે, તેને સરકારે મંજૂરી આપેલી છે. હકીકતમાં બાબા રામદેવની કોરોનિલ દવાને સરકારે મંજૂરી આપી ત્યારે પણ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને તેનો વિરોધ કર્યો હતો.

જોકે રેમડેસિવિર અને પ્લાઝમા થેરપીથી કોઈ ફાયદો નથી થતો, તેવું વિધાન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિધાન કરવામાં આવ્યું તે પછી મ્યુકર માઇકોસિસના કેસો ધ્યાનમાં આવ્યા હતા, જે માટે કોરોનાની સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર જેવા સ્ટેરોઈડ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું. બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન વચ્ચેનું યુદ્ધ હવે આયુર્વેદ અને એલોપથી વચ્ચેનું યુદ્ધ બની ગયું છે.

બાબાના દાવા મુજબ કોરોનામાં આયુર્વેદની સારવાર લઈને લાખો દર્દીઓ ઘરે રહીને સાજા થયા છે. બીજી બાજુ એલોપથી સારવાર લેનારા હજારો દર્દીઓ હોસ્પિટલમાં મરણ પામ્યા છે. જો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા બાબા રામદેવ સામે કોર્ટમાં કેસ કરવામાં આવશે તો સરકારને બધા આંકડા જાહેર કરવાની ફરજ પડશે. એલોપથી પદ્ધતિ નિષ્ફળ ગઈ છે તેનો પુરાવો એ છે કે રસી લેનારા સેંકડો ડોક્ટરો કોરોનાનો ભોગ બન્યા છે.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top