Editorial

જો ફુગાવો ઘટી રહ્યો હોય તો લોનધારકોને ધ્યાને લઈ રિઝર્વ બેંકએ રેપોરેટ ઘટાડવો જ જોઈએ

વિશ્વમાં મંદીનો માહોલ અને સાથે સાથે નાણાંકીય તરલતાની સમસ્યાને કારણે વિશ્વની સાથે ભારતની રિઝર્વ બેંકએ પણ રેપોરેટમાં વધારો કર્યો હતો અને ત્યારબાદ રેપોરેટ યથાવત રાખવાના નિર્ણયો કર્યા. રિઝર્વ બેંક રેપો રેટ યથાવત રાખે અને ફુગાવાને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે તે જરૂરી છે પરંતુ સાથે સાથે રિઝર્વ બેંકએ એ ખ્યાલ પણ રાખવાનો રહે છે કે રેપોરેટ વધારવાથી કે તેને યથાવત રાખવાથી લોકોને નવી કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરૂવારે રિઝર્વ બેંકએ સતત છઠ્ઠી વખત રેપોરેટ યથાવત રાખ્યો. રિઝર્વ બેંકની મોનિટરી પોલિસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા દાવો કરવામાં આવ્યો કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે અને તે સારા સંકેત છે. જોકે, હાલની ઈકોનોમીમાં સામાન્ય વ્યક્તિની સ્થિતિ શું છે તેની પર રિઝર્વ બેંકએ નજર કરી નથી અથવા તો રિઝર્વ બેંક નજર કરવા માંગતી નથી.

છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં સામાન્ય વ્યક્તિના જીવનધોરણમાં સુધારો થયો છે. આ સુધારામાં બેંકો તેમજ અન્ય ફાયનાન્શિયલ સંસ્થાઓ દ્વારા અપાતી લોનનો હિસ્સો ખૂબ મોટો છે. ભૂતકાળમાં મળતી લોન કરતાં હાલમાં મળતી લોન વધારે છે. લોનના પ્રકાર પણ વધારે છે. લોન મળવી સરળ પણ થઈ છે અને સાથે સાથે જીવન જરૂરીયાતના તબક્કા પ્રમાણેની કેટેગરીમાં પણ લોન મળી રહી છે. જેને કારણે લાખો પરિવારો એવા છે કે જેઓ લોન લઈને તેમના જીવનનું ગાડું ચલાવે છે. લોનની સામે હપ્તા ભરે છે અને જીવન ધોરણને ઉંચે લઈ જવાનો પ્રયાસ કરે છે. જો રિઝર્વ બેંકના દાવા પ્રમાણે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે તો પછી પ્રશ્ન એ થાય છે કે રેપોરેટમાં કેમ ઘટાડો કરવામાં આવતો નથી?

અગાઉ રેપોરેટ વધવાની સાથે છેલ્લા ઘણા સમયથી રેપોરેટ યથાવત રહેવાને કારણે છેલ્લા કેટલાક સમયથી દેશના લાખો પરિવારો પર લોનનો બોજ વધી જવા પામ્યો છે. કારણ કે રેપોરેટ વધવાને કારણે લોનના દર વધ્યા અને તેને કારણે લોનનો હપ્તો વધ્યો કાં તો લોનનો સમયગાળો વધ્યો. વ્યાજ વધવા માંડ્યું અને જે મુદ્દલ જમા થતું હતું તેમાં ઘટાડો થયો. સરવાળે જેણે લોન લીધી છે તેની હાલત ખરાબ થવા પામી છે.

રિઝર્વ બેંક દ્વારા બેંકોની સ્થિતિ જોવામાં આવી પરંતુ સામે લાખો પરિવારો પર હપ્તાનો જે ભાર વધ્યો તેને જોવા માટે રિઝર્વ બેંક તૈયાર નથી. રિઝર્વ બેંક દ્વારા રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. MSF રેટ અને બેંક રેટ 6.75 ટકા પર યથાવત છે. જ્યારે SDF રેટ 6.25 ટકા પર સ્થિર રખાયો છે. રિઝર્વ બેંકએ છેલ્લે 8મી ફેબ્રુઆરી, 2023ના રોજ રેપોરેટમાં વધારો કર્યો હતો. ત્યારબાદ સતત તેને યથાવત રાખવામાં આવ્યો છે. ભલે ફુગાવામાં સુધારો થયો હોય! ખરેખર રિઝર્વ બેંકએ રેપોરેટના મામલે સમીક્ષા કરવી જરૂરી છે.

જો દેશમાં ફુગાવો ઘટ્યો હોય તો રેપોરેટ ઘટાડવાની જરૂરીયાત છે. રેપોરેટ વધવાને કારણે અનેક પરિવારો દ્વારા વધુ વ્યાજની લાલચે બેંકોમાં થાપણો મુકવામાં આવી. બેંકોમાં અબજોની થાપણો વધી ગઈ અને અનેક પરિવારોને આ થાપણ થકી વ્યાજનો ફાયદો થયો પરંતુ થાપણ મુકનાર પરિવારોની સામે લોન લેનાર પરિવારોની સંખ્યા અનેકગણી છે અને વધુ રેપોરેટને કારણે આ પરિવારોની આર્થિક હાલત બગડી ગઈ છે.

રેપોરેટ વધવાને કારણે અનેક પરિવારો ડીફોલ્ટર પણ બની રહ્યા છે. બેંકો એવું સમજી રહી છે કે લોન લેનાર નાણાં આપવા માંગતા નથી પરંતુ સામે લોન લેનાર વ્યક્તિની તમામ ગણતરીઓ રેપોરેટ વધવાને કારણે અને બાદમાં યથાવત રહેવાને કારણે બગડી ગઈ છે. તેને જોવા માટે રિઝર્વ બેંક તૈયાર નથી. રિઝર્વ બેંકએ ખરેખર આ મુદ્દે પણ ધ્યાન આપવાની જરૂરીયાત છે. ખરેખર ફુગાવો ઘટી ગયો હોય તો રિઝર્વ બેંક રેપોરેટ તાત્કાલિક ધોરણે ઘટાડે તો જ સામાન્ય પરિવારની ઈકોનોમી સુધરશે તે નક્કી છે.

Most Popular

To Top