Science & Technology

જો ચલા ગયા ઉસે ભૂલ જા…. ટેકનોલોજીને લીધે શહેરમાં અનેક વસ્તુઓ દેખાતી બંધ થઇ ગઇ

જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ તેમ ટેકનોલોજીમાં પણ ફેરફાર આવે છે. માનવીએ સહજતાથી તેનો સ્વિકારી કરી લેવો જોઇએ. જે જૂનું છે તેને ભૂલી જવું જોઇએ અને નવાને અપનાવી લેવું જોઇએ. ટેકનોલોજીમાં થયેલા બદલાવના કારણે શહેરમાં સંખ્યાબંધ એવી ચીજવસ્તુઓ છે જે રોજે રોજ જોવા મળતી હતી અને ઘણી ઉપયોગી હતી, પરંતુ હવે તે વિસરાઇ ગઇ છે. અહીં આવી જ કેટલીક વસ્તુની વાત છે જેના વગર પહેલા ચાલતું જ ન હતું અને હવે તે ભૂતકાળ બની ગઇ છે.

TV અને ડીશ એન્ટેના
પહેલાના સમયમાં TV પર કોઇ કાર્યક્રમ જોવો હોય તો છત પર લાગેલું એન્ટેના એડજસ્ટ કરવું પડતું હતું તો વિઝન બરાબર આવતું અને પરિવાર ટીવી જોઇ શકતો. સમય બદલાતા એની જગ્યા કેબલ અને ડીશ એન્ટેનાએ લીધી પરંતુ હવે તો ડીશ એન્ટેનાનો પણ જમાનો ગયો અને ટેકનોલોજી અપગ્રેડ થતા હવે લોકો સ્માર્ટ TV પર OTTના માધ્યમથી જ પ્રોગ્રામ જોઇ શકે છે. ટેકનોલોજીના કારણે પહેલા એન્ટેના બાદ છત પર ડીશ એન્ટેના જોવા મળતી અને હવે તો તેનું સ્થાન OTT એજ લઇ લીધું.

STD અને કોઇન બોક્સ ટેલીફોન
અસલનાં સમયમાં બહારગામ રહેતા સંબંધી કે પરિવારજન સાથે વાત કરવા STD-PCO બૂથ જોવા મળતા જેમાં દિવસ અને રાત્રિનાં કોલના ચાર્જીસ પણ અલગ લાગતા હતા. ઠેર ઠેર શહેરમાં પીળા રંગના બુથનો દબદબો હતો. એજ રીતે લોકલ કોલ્સ કરવા માટે લાલ રંગના કોઇન બોક્સ ટેલીફોનનો પણ એક જમાનો હતો. આવા ટેલિફોન્સ કરિયાણાની દુકાને કે પ્રોવિઝન સ્ટોર પર જોવા મળતા. જેમાં 1 રૂા.નો સિક્કો નાખી 3 મિનિટ લોકલ કોલ પર વાત થઇ શકતી. હવે ટેકનોલોજી બદલાતા મોબાઇલનો જમાનો આવવાથી આવા બુથ્સ અને ટેલિફોન્સ સદંતર દેખાતા બંધ થઇ ગયા.

વીડિયો કેસેટ લાયબ્રેરી
1985ના દાયકામાં કોઇના ઘરે VCR હોવો એ ધનાઢ્ય પરિવારની નિશાની ગણવામાં આવતી હતી. સામાન્ય રીતે મૂવી જોવી હોય તો થિયેટરમાં જ જવું પડતું હતું અને ઘરે બેસીને જો મૂવી જોવી હોય તો વીડિયો તેનો એક માત્ર વિકલ્પ હતો. હવે કોઇ મૂવીની એક વીડિયો કેસેટની કિંમત તો 300 રૂપિયા હતી એટલે પુસ્તક પછી જો કોઇ લાયબ્રેરી ખૂલી હોય તો તે વીડિયો કેસેટ લાયબ્રેરી હતી. જેમાં મેમ્બર થવું પણ ગૌરવની વાત હતી. આવી લાયબ્રેરીમાં મેમ્બર હોય તેની પાસેથી કોઇ એક મૂવીના 24 કલાક માટેના10 રૂપિયા વસૂલવામાં આવતા હતાં તો મેમ્બર નહીં હોય તેમના માટે 20 રૂપિયા ભાડું હતું. જો કે. VCRની જગ્યા ડિસ્ક પ્લયરે લીધી એટલે આવી લાયબ્રેરી બંધ થવા લાગી અને MP3 પ્લેયર્સ, CD પ્લેયર્સ આવ્યા પછી તેનું અસ્તિત્વ જ મટી ગયું. જો કે હવે કેબલની પણ જગ્યા ઓટીટીએ લઇ લીધી છે.

રસ્તાની સફાઇમાં પણ હવે ટેકનોલોજી
પહેલા રસ્તા ઉપર નીકળીયે તો સફાઇ કામદારોના હાથમાં ઝાડુ અને ટોપલો જોવા મળતો હતો. જો કે હવે આ પદ્ધતિમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મુખ્યમાર્ગ ઉપર તો હવે સ્વીપર મશીન દ્વારા જ સફાઇ કરવામાં આવી રહી છે. જેનાથી મેન્યુઅલ કામ નહીંવત થઇ ગયું છે. મશીન જ રસ્તાની સફાઇ કરી નાંખે છે.

Most Popular

To Top