Columns

અદાણી ગ્રુપ એનડીટીવી ખરીદી લેશે તો સૌથી મોટો ભોગ દર્શકો બનશે

મીડિયાને લોકશાહીની ચોથી જાગીર ગણવામાં આવી છે. નિર્ભીક અને નિષ્પક્ષ મીડિયા લોકશાહીની તંદુરસ્તી માટે જરૂરી માનવામાં આવે છે. જો મીડિયા વોચડોગની ભૂમિકા ભજવે તો સરકારી તંત્ર સજાગ રહે છે અને ખોટું કામ કરતાં પહેલાં લાખ વાર વિચારે છે. જો મીડિયામાં રાજકીય પક્ષો, સરકાર, ઉદ્યોગપતિઓ કે સમાજકંટકો વિરુદ્ધ વિસ્ફોટક હેવાલો છાપવામાં આવે તો સમાજમાં હડકંપ મચી જાય છે. સ્થાપિત હિતો દ્વારા મીડિયાનું મોંઢું બંધ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે. તે માટે ધાકધમકીથી માંડીને પ્રલોભનો અને કોર્ટના કેસોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સ્થાપિત હિતો સામે ઝુંબેશ ચલાવનારા તટસ્થ પત્રકારોની હત્યાના કિસ્સાઓ પણ સાંભળવા મળે છે. કટોકટીના કાળમાં રામનાથ ગોયેન્કાની માલિકી હેઠળ ઇન્ડિયન એક્સપ્રેસ જૂથે ચલાવેલી ઝુંબેશને આજે પણ યાદ કરવામાં આવે છે.

આજના કાળમાં કોઈ પણ અખબાર કે ટી.વી. ચેનલ માટે સતત સરકારવિરોધી હેવાલો પ્રકાશિત કરીને ટકી રહેવું મુશ્કેલ ગણાય છે. ભારતમાં જે ગણીગાંઠી ચેનલો સરકારવિરુદ્ધ હોવાની છાપ ધરાવે છે તેમાં પ્રણય રોયના એન.ડી.ટી.વી. જૂથનું નામ મોખરે છે. ૨૦૧૪ માં કેન્દ્રમાં મોદી સરકાર આવી તે પછી સરકારની વાહવાહ કરતી ચેનલોથી એનડીટીવીની ચેનલો અળગી રહી હતી. તેના રવીશ કુમાર જેવા પત્રકારોએ ખણખોદ કરતાં રહીને સરકારવિરુદ્ધ હેવાલો પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું હતું. સરકારનો વિરોધ કરવા બદલ તેણે ખૂબ સહન કરવું પડ્યું હતું. તેની સામે મની લોન્ડરિંગ સહિતના આક્ષેપો કરીને દરોડાઓ પાડવામાં આવ્યા હતા અને મોટી રકમની ઉઘરાણી કરવામાં આવી હતી. હવે માર્કેટમાં જોરદાર અફવા છે કે અદાણી ગ્રુપ એનડીટીવી ખરીદી લેવાનું છે. તેને કારણે એનડીટીવીના શેરોના ભાવો અચાનક વધવા લાગ્યા છે.

અંબાણી અને અદાણી ભારતના બે સૌથી મોટા ઉદ્યોગ ગૃહો ગણાય છે. મોદી સરકાર પર વારંવાર આક્ષેપો કરવામાં આવે છે કે તેની સરકાર આ બે ઉદ્યોગગૃહોના લાભાર્થે જ પોતાની નીતિઓ ઘડે છે. તાજેતરમાં સરકાર દ્વારા જે ત્રણ કૃષિ કાનૂનો ઘડવામાં આવ્યા તે અદાણી જૂથના ઇશારા પર ઘડવામાં આવ્યા હતા, તેવો કિસાન નેતાઓનો આક્ષેપ છે. આ કાયદાઓ ઘડવામાં આવ્યા તે પહેલાં અદાણી ગ્રુપે હરિયાણામાં વિશાળ ગોડાઉનો ઊભાં કર્યાં હતાં. રિલાયન્સ જૂથ નેટવર્ક ૧૮ નામના મીડિયા ગ્રુપમાં ભાગીદાર છે, જે ભારતમાં ચાર ડઝન જેટલી ચેનલોની માલિકી ધરાવે છે.

હવે અદાણી ગ્રુપ પણ મીડિયા મોગલ બનવા માગે છે. મીડિયાની માલિકી કરવા માટે તેની પાસે અઢળક રૂપિયા છે. અદાણી ગ્રુપનો મીડિયામાં અવાજ નથી તેને કારણે તેણે બહુ સહન કરવું પડે છે. તાજેતરમાં અદાણી જૂથની કંપનીઓ પર દરોડા પડ્યા તેને કારણે બજારમાં જાતજાતની અફવાઓ ફાટી નીકળી હતી, જેને કારણે અદાણીના શેરોના ભાવો ગગડી ગયા હતા. આવું ફરી ન બને તે માટે અદાણી ગ્રુપે મીડિયાના વ્યવસાયમાં ઝંપલાવી દેવાનો નિર્ણય કર્યો છે. કોવિડ-૧૯ ને કારણે મીડિયાનો વ્યવસાય ખોટનો સોદો બની ગયો છે. તેમ છતાં મીડિયા પર નિયંત્રણ હોવાના ચિક્કાર લાભો હોવાથી અદાણી જૂથ મીડિયામાં ઝંપલાવી ખોટનો સોદો કરવા તૈયાર થયું છે.

અદાણી ગ્રુપ મીડિયાના ક્ષેત્રમાં જોરશોરથી આવી રહ્યું છે, તે બાબતમાં હવે કોઈ શંકા નથી. તેણે પોતાના મીડિયા હેડ તરીકે જાણીતા પત્રકાર સંજય પુગલિયાની નિમણૂક ઊંચા પગારે કરી છે. સંજય પુગલિયા ધ ક્વિન્ટ નામના વેબપોર્ટલના સંપાદકનો હોદ્દો છોડીને અદાણી મીડિયા હાઉસમાં જોડાઇ ગયા છે. અગાઉ સીએનબીસી અવાઝ નામની બિઝનેસ ચેનલ શરૂ થઈ ત્યારે સંજય પુગલિયા તેના સંપાદક તરીકે જોડાયા હતા અને બાર વર્ષ રહ્યા હતા. આ બાર વર્ષમાં તેમણે નવી ચેનલને પગભર કરી દીધી હતી. સ્ટાર ન્યૂઝ, આજ તક અને એબીપી ન્યૂઝ જેવી ચેનલો શરૂ કરવામાં અને તેના વિકાસમાં સંજય પુગલિયાની ભૂમિકા મહત્ત્વની હતી. સંજય પુગલિયા સરકારના વિરોધી મનાય છે, પણ તેમની વ્યાવસાયિક નિપુણતાને કારણે તેમને પસંદ કરવામાં આવ્યા છે.

ભારતના મીડિયા ક્ષેત્રમાં વિદેશી મીડિયા કંપનીઓ પણ ભારે રસ લઈ રહી છે, કારણ કે તેમને વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓનાં હિતોનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હોય છે. બ્લૂમબર્ગ નામની વિદેશી કંપની હાલમાં ક્વિન્ટ સાથે ભાગીદારીમાં છે. તે નવા ભાગીદારની તલાશમાં છે. ફોક્સ ન્યૂઝ કંપની પણ ભારતમાં આવવાની તૈયારી કરી રહી છે. અદાણી ગ્રુપ જે રીતે બીજાં ક્ષેત્રોમાં વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરે છે તેમ મીડિયાના ક્ષેત્રમાં પણ વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરી શકે છે. બ્લૂમબર્ગ અને ફોક્સ ન્યૂઝ કંપનીઓ તે માટે તૈયાર છે.

બજારમાં ચાલતી હવા મુજબ અદાણી ગ્રુપે એનડીટીવીની ચેનલોનો સોદો ૧૬૦૦ કરોડ રૂપિયામાં કરી લીધો છે. જો કે આ ૧૬૦૦ કરોડ રૂપિયામાંથી પ્રણય રોયને અને રાધિકા રોયને માંડ ૧૦૦ કરોડ રૂપિયા જ મળશે. બાકીના ૧૫૦૦ કરોડ પૈકી ૭૫૦ કરોડ રૂપિયા બહુમતી શેરહોલ્ડરોને મળશે, જેમના શેરો અદાણી ગ્રુપ ખરીદી લેશે. બાકીના ૭૫૦ કરોડ રૂપિયા કદાચ ટેક્સ અને પેનલ્ટી ભરવામાં ખર્ચાઈ જશે. થોડા સમય પહેલાં ઇડી દ્વારા એનડીટીવી પર મની લોન્ડરિંગનો કેસ કરવામાં આવ્યો હતો.

આ કેસ મુજબ એનડીટીવીએ આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી ૩૭૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેમાં બેન્કને ૪૬ કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. ૨૦૦૮માં પ્રણય રોયે પોતાની જ કંપનીના શેરો ખરીદવા માટે વિદેશી બેન્કો પાસેથી કરોડો ડોલરની લોન લીધી હતી. આ લોન ભરપાઇ કરવા માટે વળી બીજી લોન લીધી હતી. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે પછી આ કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. સેબી દ્વારા કેટલીક વિગતો રોકાણકારોથી છૂપાવવા બદલ કંપનીને ૨૫ કરોડ રૂપિયાનો અને તેના દરેક પ્રમોટરને એક-એક કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

૨૦૧૯માં પ્રણય રોય અને રાધિકા રોય વિદેશ જવાની તૈયારી કરતા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. સરકારને ડર હતો કે તેઓ વિદેશ ભાગી જશે અને પાછા નહીં ફરે.આજના માહોલમાં સરકાર પાસે સીબીઆઇ, ઇડી, અને આઇટી જેવાં હથિયારો છે, જેનો ઉપયોગ કરીને તે મીડિયા કંપનીને હેરાન કરી શકે છે. થોડા વખત પહેલાં દૈનિક ભાસ્કર મીડિયા ગ્રુપ પર ઇન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ સમભાવ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

જો કોઈ મીડિયા ગ્રુપ સતત સરકારની વિરુદ્ધ લખતું હોય તો તેને સરકારની અને સરકારના માનીતા ઉદ્યોગપતિઓની જાહેરખબરો પણ મળતી બંધ થઈ જાય છે. મીડિયાનો ધંધો ભલે ખોટમાં ચાલતો હોય, પણ તેની માલિકી દ્વારા જે રાજકીય તાકાત મળે છે તેનો ઉપયોગ બધા મીડિયા ગૃહો કરતાં જ હોય છે. હવે ઉદ્યોગપતિઓ મીડિયાના માલિકો બની જશે તો તેનો સૌથી મોટો ભોગ વાચકો જ બનશે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top