Dakshin Gujarat

‘હું ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડીશ’, ગુજરાત કોંગ્રેસના નેતાની સોશિયલ મીડિયા પર જાહેરાત

ભરૂચ: લોકસભાની ચૂંટણી માથે તોળાઈ રહી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી કોંગ્રેસની હાલત થઈ ગઈ છે. એક બાદ એક નેતા, કાર્યકરો પક્ષ છોડી રહ્યાં છે તો બીજી તરફ પક્ષમાં પણ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઈન્ડિયા ગઠબંધન હેઠળ આપને કોંગ્રેસે જે બેઠકો ભેંટ ધરી છે તે મામલે કોંગ્રેસના નેતા અને કાર્યકરોમાં નારાજગી છે. ખાસ કરીને ભરૂચની બેઠક પર ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસના એક નેતાએ ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.

  • નારાજ નેતા સુલેમાન પટેલે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવવાની ચીમકી ઉચ્ચારી

ગુજરાત કોંગ્રેસમાં બધું ઠીક-ઠાક ચાલી રહ્યું નથી, વધુ એક નેતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. ભરૂચમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના નારાજ નેતા સુલેમાન પટેલે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવવાની ધમકી આપી છે.

મળતા અહેવાલ પ્રમાણે વાગરા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી બે વાર ઉમેદવારી કરી પરાજિત થયેલા સુલેમાન પટેલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિથી નારાજગી વ્યક્ત કરી હતી.

આવનાર ચૂંટણીમાં બીજી પાર્ટીનો સિમ્બોલ અથવા અપક્ષ ઉમેદવારી કરવાનો દાવા સાથે સોશિયલ મીડિયામાં 14 મિનિટનો વિડિયો પોસ્ટ કર્યો હતો.હવે ખરેખર સુલેમાન પટેલ કાર્યકર્તાઓ લાગણી માટે ચૂંટણીમાં ઝંપલાવશે કે પછી કોંગ્રેસ તેમને મનાવી લે છે.એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાંથી સંખ્યાબંધ નેતાઓ નારાજ થઈને પાર્ટીને રામ રામ કરીને અન્ય પક્ષમાં જોડાયા છે.તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ અને હાઈકમાન્ડ માટે પણ નારાજ નેતાઓને કઈ રીતે મનાવવા એ પણ એક મૂંઝવણભર્યો પ્રશ્ન છે.

ઉલ્લેખનીય એ છે કે ઓવૈસીની પાર્ટી પણ ભરૂચ લોકસભામાં પોતાનો ઉમેદવાર ઉભો રાખવા માંગે છે.જેમાં કોને મુકશે એ જોવું રહ્યું.

Most Popular

To Top