આઈ એમ ધ બેસ્ટ

એક અંગ્રેજી લેખક નામ સિમોન્સ;સરસ લખાણ લખે અને સામાયિક,વર્તમાનપત્રમાં કોલમ લખે,વાર્તા અને નિબંધો પણ લખે.અને તેનું બધું લખાણ વખણાય. વાચકો તેના લખાણને વાંચવા ઉત્સુક રહે.લેખક સિમોન્સની એક ખાસિયત હતી, તેઓ પોતાના ખિસ્સામાં એક નાનકડી ડાયરી રાખે અને બેગમાં એક મોટી ડાયરી, સ્ટડી ટેબલ પર પણ એક ડાયરી અને બેડની બાજુના ટેબલના ખાનામાં પણ ડાયરી રાખે.અને સતત જે ઘડીએ જ્યાં હોય ત્યાં જે સૂઝે તે તરત જ ડાયરીમાં લખી લે.તેઓ સતત ડાયરીમાં કંઇક લખતા જ દેખાય.

આ ડાયરીમાં પાના પાના પર દર ત્રણ ચાર વાક્ય પછી તેમને તેમની પોતાની આવડત, પોતાની ખાસિયત અને પોતાની શક્તિઓની વાત કરી હતી. ‘હું સારા લખાણ લખું છું.’… ‘હું શબ્દોનો શિલ્પી છું.’…. ‘મારામાં અખૂટ શક્તિ ભરેલી છે.’… ‘મારા શબ્દો મને સહેલાઈથી સૂઝે છે.’…  ‘મારા શબ્દો અને વિચારો મારા મિત્રો છે.’ … ‘મારામાં અનન્ય કલ્પનાશક્તિ છે.’….વગેરે વગેરે. આવા અનેક પોતાની આપબડાઈ અને ‘આઈ એમ ધ બેસ્ટ’ સાબિત કરતાં વાક્યોથી તેમની બધી ડાયરીનાં પાનાં ઉભરાતાં હતાં.

લેખકના લગ્ન થયા બાદ લેખકનાં પત્નીને તેમની આ ડાયરીઓ રાખવાની અને સતત તેમાં લખતા રહેવાની ખાસિયત વિષે વધુ  જિજ્ઞાસા થઇ અને તેમણે પોતાના લેખક પતિ પાસે રજા માંગી અને પરવાનગી મેળવ્યા બાદ એક પછી એક ડાયરીઓ વાંચવા લાગી.લેખક બોલ્યા, ‘શું લાગે છે આ ડાયરીઓ વાંચીને?’ લેખક પત્નીએ કહ્યું, ‘ખાસ કંઈ સમજાતું નથી…અમુક વિચારો અને કલ્પનાઓ છે અને દર થોડા થોડા વાક્યે તમે તમારી આવડત અને ખાસિયત વિષે લખ્યું છે.’

લેખક હસ્યા અને બોલ્યા, ‘આ ડાયરીઓ વાંચીને તને એમ લાગે છે ને કે મારા પતિ તો અભિમાનનું પૂતળું છે.’લેખક પત્ની હસ્યાં અને બોલ્યાં, ‘હું તમને જાણું છું એટલે એમ ન લાગ્યું, પણ ડાયરીમાં દર ત્રીજા ચોથા વાક્યે ‘હું’ ને ‘મારું’ ને ‘મારા’ જેવા શબ્દોના વધારે પડતા પ્રયોગથી વાંચનારને કંટાળો ન આવે?’

લેખક બોલ્યા, ‘હા, વાંચનાર અન્ય કોઈ હોય તો ચોક્કસ કંટાળો જ આવે પણ આ ડાયરી મેં મારા માટે લખી છે, અન્ય કોઈ માટે નહિ. આ તો તેં વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે  મેં તને વાંચવા દીધી.’ પત્નીએ પૂછ્યું, ‘મને પ્રશ્ન થાય છે કે તમે આ ડાયરીઓમાં સતત ‘આઈ એમ ધ બેસ્ટ’ સાબિત કરતાં આટલાં બધાં વાક્યો શું કામ લખતા રહો છો?’ લેખકે કહ્યું, ‘આ મારું સ્વસ્થ આત્મમૂલ્યાંકન છે.

જે એકદમ સાચું છે.મારું પોતાનું અને પોતાની આવડતનું સતત પૃથકકરણ હું કરું છું અને મને જે સાચું લાગે તે લખું છું.આ વાક્યો મને આનંદ અને શક્તિ આપે છે. જાતને છાપરે ચઢાવતો નથી અને પોતાને તુચ્છ અને નકામો ગણી ઉતારી પાડતો પણ નથી.આ સ્વસ્થ મૂલ્યાંકનથી મને પ્રેરણા મળે છે.’ લેખક પત્નીએ કહ્યું, ‘યુ આર ધ બેસ્ટ.’

          લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts