World

શાળાએ જતી રોકવા માટે ઈરાનમાં સૈંકડો છોકરીઓને ઝેર આપી મોતને ઘાટ ઉતારાઈ

ઈરાન: ઈરાનમાં (Iran) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈરાનના એક શહેરમાં છોકરીઓને શાળાએ (Scholl) જતી રોકવા માટે સેંકડો છોકરીઓને ઝેર (Poison) આપવાનો મામલો સામે આવ્યો છે. ઈરાનના એક મંત્રીએ આ વાતનો ખુલાસો કર્યો છે. મંત્રીએ કહ્યું કે પવિત્ર શહેર ક્યુમ સહિત ઘણી જગ્યાએ કન્યા શાળાઓ બંધ કરાવવા માટે કેટલાક લોકો દ્વારા સેંકડો વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ઝેર કેમિકલ કમ્પાઉન્ડના રૂપમાં આપવામાં આવ્યું હતું અને હજુ સુધી આ મામલે કોઈ ધરપકડ કરવામાં આવી નથી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. 

રવિવારે ઈરાનના નાયબ સ્વાસ્થ્ય મંત્રી યુનુસ પનાહીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. ઈરાનના સ્થાનિક મીડિયા અનુસાર, કૌમની શાળાઓમાં ઘણી વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. કેટલાક ઇચ્છતા હતા કે તમામ શાળાઓ, ખાસ કરીને કન્યા શાળાઓ બંધ કરવામાં આવે. જો કે ઈરાનના મંત્રી પનાહીએ આ મામલે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. હાલમાં ઈરાન સરકાર આ મામલે તપાસ કરી રહી છે. 

ઈરાનના ચાર શહેરોની 14 શાળાઓમાં ભણતી વિદ્યાર્થીનીઓને નિશાન બનાવવામાં આવી હતી. તેમાં ઉત્તર-પશ્ચિમ શહેર આર્દેબિલ, રાજધાની તેહરાન, પશ્ચિમી શહેર બોરોઝાર્ડ અને ક્યુમ શહેરનો સમાવેશ થાય છે. ક્યુમ શહેરને ઈરાનનું પવિત્ર શહેર માનવામાં આવે છે અને તે ખૂબ જ રૂઢિચુસ્ત અને ધાર્મિક કટ્ટર શહેર માનવામાં આવે છે. દેશના મોટાભાગના નેતાઓ અને રાષ્ટ્રપતિઓએ તેમનું ધાર્મિક શિક્ષણ ક્યુમ શહેરમાંથી લીધું છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં કેટલાક નારાજ સંબંધીઓ શૈક્ષણિક સંસ્થાઓની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. 

જ્યારે તાજેતરમાં ઈરાનમાં હિજાબ વિરોધી હિંસક વિરોધ સમગ્ર દેશમાં ફેલાયો હતો અને સમગ્ર વિશ્વમાં તેને સમર્થન મળ્યું હતું. 22 વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થતાં વિરોધ ફાટી નીકળ્યો હતો, જે હિંસક બની હતી. આ વિરોધ પ્રદર્શનોમાં સુરક્ષા દળો દ્વારા 500 થી વધુ લોકો માર્યા ગયા હતા અને ચાર વિરોધીઓને ફાંસી આપવામાં આવી હતી. હજારો લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. 

Most Popular

To Top