Business

માણસોને કઈ રીતે પારખવા એ અતુલભાઇ વસાણી જોડેથી શીખવું

ઘણા માણસો તેમનાં વર્ષોના અનુભવથી પાંચ મિનિટમાં માણસને પારખી શકતા હોય છે. અતુલભાઈ વસાણીનું નામ તેમાં અવ્વલ નંબરે આવે. અતુલભાઈ કોઈને મળે ત્યારે ફક્ત પાંચ મિનિટમાં નક્કી કરી લે કે આ માણસને હું વધુ સમય આપું કે મારો સમય ન બગાડું. ઘણી વ્યક્તિઓ બીજાને ઇમ્પ્રેસ કરવા માટે બહુ જ બોલતી હોય છે અને ત્યાં જ તેમની નબળાઈ છતી થાય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યાં તમે બહુ બધી તકો જોતા હો ત્યારે એ જરૂરી બને છે માણસને તુરત જ પારખી લેવું. અતુલભાઈ સામાવાળાને ઝડપથી પારખવાની શક્તિ ધરાવે છે ગળથૂથીથી બિઝનેસના સંસ્કાર મળેલા એવા અતુલભાઈએ 1989માં વૈશાલી ફાર્મા લિમિટેડની સ્થાપના કરી. હાલમાં દવા બનાવવાના અને દેશવિદેશના વેચાણમાં કંપની ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. જેમની બિઝનેસ પ્રોસેસને ઓળખવાની અને સમજવાની પૂરતી સમજ છે, તેવા અતુલભાઈએ વૈશાલી ફાર્માની લગભગ 40 જેટલા દેશોમાં બિઝનેસની પાંખો વધારી છે.

અતુલભાઈની આગેવાની હેઠળ કંપની અત્યારે 15 જેટલા એ પી આઈ મેન્યુફેક્ચરિંગ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ ધરાવે છે. કંપની જોડે પૂરતી કેપિસિટી ધરાવતું મોટું વેરહાઉસ છે. અતુલભાઇના માર્ગદર્શન હેઠળ લગભગ 50 જેટલી વ્યક્તિઓની ટીમ કાર્યરત છે. અતુલભાઈની ઓફિસમાં હંમેશાં તમને ઊર્જાવાળું વાતાવરણ જોવા મળે. માણસને પારખવાની તેમની શક્તિની વાત કરીએ તો અતુલભાઈ માણસને પારખવાના પોતાના માપદંડ ધરાવે છે. દિવસમાં રોજ નવા 10 માણસોને મળનાર અતુલભાઈની  સારી વાત છે કે તેઓ સારા શ્રોતા છે. જે લોકોની સાંભળવાની શક્તિ વધારે છે તે લોકોને સારું ઓળખી શકતા હોય છે. કંપનીમાં ઓપન કલ્ચરના હિમાયતી અતુલભાઈ ટીમ બિલ્ડીંગ અને કર્મચારીઓની એક ફેમિલી જેટલી સંભાળ રાખે છે. વૈશાલી ફાર્મામાં કામ કરતો દરેક કર્મચારી પોતે કંપનીનો ઓનર હોય તે રીતે માલિકીપણાની ભાવનાથી કામ કરે છે. પોતાના બંને સંતાનો પણ ફેમિલી બિઝનેસમાં પૂર્ણસ્વરૂપથી જોડાયેલા છે. કંપનીમાં કામ કરતા મોટા ભાગના કર્મચારી યુવાન છે અને કંઈ નવું કરવાની ધગશ ધરાવે છે.

જ્યારે અતુલભાઈને મળો ત્યારે તમને પોઝિટિવ ફીલિંગ આવે. મારા સારા કહી શકાય તેવા મિત્ર અતુલભાઈને જ્યારે પણ મળવાનું થાય ત્યારે તેમના ચહેરા પર હંમેશાં એક સ્મિત જોવા મળતું હોય છે. સદાય હસતા અતુલભાઈ એક નિખાલસ માણસ છે. જ્યારે માણસનો ચહેરો હસતો હોય ત્યારે મોટા ભાગની સમસ્યા આપોઆપ દૂર થઇ જતી હોય છે. કહેવાય છે કે તમે કંઈક આપવાની ભાવના ધરાવતા હોય તો તમને ભગવાન 10 ગણું આપે છે. આ ફિલોસોફી અતુલભાઈએ આત્મસાત કરેલી છે. સામાવાળા પહેલાં કમાય પછી આપણે કમાઈશું તેવું અતુલભાઈનું માનવું છે. તેમના આવા સ્પષ્ટ વ્યવહારને લીધે અતુલભાઈને ત્યાં કસ્ટમરની લાઈન લાગતી હોય છે. કોની જોડે બિઝનેસ કરવો તે નક્કી કરવું એ દરેક માટે બહુ મહત્ત્વનું છે અને અતુલભાઈ તે સારી રીતે જાણે છે. અતુલભાઈના કહેવા પ્રમાણે માણસોને ઓળખવું એ એક પ્રકારની કળા છે. ક્યારેય કોઈ ખોટા માણસ જોડે બિઝનેસ થઇ જાય ત્યારે કંપનીને લાંબા ગાળાનું નુકસાન થતું હોય છે.

Most Popular

To Top