SURAT

ચોકના ગાંધીબાગને હજુ કેટલો કાપવામાં આવશે? હવે પાણીની ટાંકી માટે નાનો કરાશે

સુરત (Surat): શહેરના કોટ વિસ્તારમાં ઘણા વરસોથી ઓછા પ્રેશરથી પાણીની સમસ્યા છે. જેના કારણે અમુક સાંકડી ગલીઓથી માંડીને ઉંચાણવાળા રહેણાંકમાં પાણી ઓછું મળવાનું અને અનિયમિત હોવાની બુમ અવાર-નવાર ઉઠે છે. મનપા (SMC) દ્વારા કોટ વિસ્તારમાં પાણી નેટવર્કના નવીનીકરણના પ્રોજેકટને સાકાર કરાયો છે. પરંતુ ઓછા પ્રેસરની તકલીફ યથાવત હોવાથી જુદા જુદા વિસ્તારોમાં ઓવરહેડ ટાંકીઓ ઉભી કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તરફ મનપા આગળ વધી રહી છે.

  • પાણીની ટાંકી બનાવવા માટે મનપા ઐતિહાસિક ગાંધીબાગને ચોથી વખત કાપશે!
  • કોટ વિસ્તારમાં પાણીના દબાણની સમસ્યા નીવારવા વધુ એક ઓવરહેડ ટાંકી અને લાલદરવાજા જળ વિતરણ મથકથી ગાર્ડન મિલ સુધી નેટવર્ક અપગ્રેડ કરવા આયોજન
  • અગાઉ સીટી બસ સ્ટેશન, સર્કલ અને મેટ્રોના રૂટના કારણે ગાંધીબાગમાં કાપકુપ થઇ ચુકી છે

ત્યારે અગાઉ લાલદરવાજા અને આઇપી મીશન સ્કુલ નજીક બે ટાંકીઓ બનાવ્યા બાદ હવે, ચોકબજાર ChowkBazar) વિસ્તારમાં રૂા. 4.24 કરોડના ખર્ચે બે ઓવરહેડ ટાંકી બનાવવાનું અયોજન કરાયું હોય, મંજુરી માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્તો મુકાઇ છે.

જો કે એ ઉલ્લખનીય છે કે, આ ટાંકી બનાવવા મનપાના તંત્રવાહકો દ્વારા ઐતિહાસિક ગાંધીબાગમાં (Gandhi Bagh) વધુ એક દબાણ કરી બાગની જગ્યાને સાંકડી કરી દેવાશે. અગાઉ સીટી બસ સ્ટેશન બનાવવા માટે, મેટ્રોના કારણે નવો રસ્તો બનાવવા માટે અને સર્કલ બનાવવા માટે ગાંધીબાગની કાપકુપ થઇ હતી, હવે પાણીની ટાંકી પણ જગ્યા ઓછી કરશે.

સ્થાયી સમિતિ સમક્ષ મુકાયેલી દરખાસ્તમાં ચોકબજાર સ્થિત ગાંધીબાગના એ જ એક પ્લોટમાં 16 લાખ લીટર ક્ષમતાની 22 મીટર સ્ટેજીંગ હાઇટની આરસીસી ઓવરહેડ ટાંકી બનાવવા માટે ટેન્ડરની અંદાજિત રકમ 3.83 કરોડથી 10.57 ટકા ઉંચું રૂા. 4.24 કરોડનું સિંગલ ટેન્ડર આવ્યું છે.

જ્યારે લાલદરવાજા પાસે બનાવાયેલા જળવિતરણ મથકને ગાર્ડન મિલ ખાતેની ટાંકી સાથે જોડવા માટે જરૂરી નેટવર્ક બીછાવવા માટે 2.38 કરોડના ટેન્ડરને પણ મંજૂર કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ બન્ને કામ થયા બાદ સેન્ટ્રલ ઝોનના કેટલાક વિસ્તારોમાં વર્ષોથી ઓછા પ્રેશરથી પાણીની ફરિયાદો છે, ત્યાં નવી ઓવરહેડ ટાંકી બનવાથી આ વિસ્તારોના લોકોને સીધો ફાયદો થશે.

Most Popular

To Top