Madhya Gujarat

નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે બાેગસ આધારકાર્ડ બનાવી જમીન કાૈભાંડ આચર્યું

નડિયાદ: નડિયાદમાં બહુચર્ચીત ચકલાસીની સર્વે નં.542 વાળી જમીનમાં પાલિકાના પૂર્વ પ્રમુખ સંજય દેસાઇએ બોગસ દસ્તાવેજો ઉભા કરી સમગ્ર જમીન પચાવી પાડવા ષડયંત્ર રચ્યું હોવાનું કલેક્ટરની તપાસમાં ખુલ્યું હતું. આ અંગે અધિક કલેક્ટરે પોલીસ ફરિયાદ કરવા આદેશ કર્યો છે. જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ જમીનના માલીકનો પાંચ દાયકાથી કોઇ અત્તોપત્તો નથી. આમ છતાં રાતોરાત તેના માલીકો ફુટી નિકળ્યાં હતાં અને પાવર ઓફ એટર્ની કરી આપી હતી. જેના કારણે આસપાસના જમીન માલીકોમાં શંકાઓ ઉઠી હતી.

નડિયાદ તાલુકાના ચકલાસી ગામની સીમમાં સર્વે નં 542, ખાતા નં 2517 વાળી ખેતીલાયક જમીન આવેલી છે. આ જમીનના મુળ માલિક હરમાનભાઈ ત્રીકમભાઈ, ડાહ્યાભાઈ ત્રીકમભાઈ અને છોટાભાઈ ત્રીકમભાઈનો છેલ્લાં પચાસેક વર્ષથી કોઈ અત્તોપત્તો જ નથી. આસપાસના ખેતરોવાળાં પણ તેઓને જાણતાં નથી. તેમછતાં ગત તા.15મી જૂન, 2023ના રોજ આ જમીનનું વેચાણ થતાં આસપાસના ખેતરમાલિકો ઉપરાંત કેટલાક જાગૃત નાગરીકોના મનમાં શંકા ઉપજી હતી. જે પૈકી એક જાગૃત નાગરીક શ્વેતલ નિતીનભાઈ પટેલ (રહે.ઉત્તરસંડા, તા.નડિયાદ) એ આ જમીનના વેચાણ થવા બાબતે તપાસ હાથ ધરી હતી.

જેમાં આ જમીન નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ભાસ્કરભાઈ દેસાઈ (રહે.ઉત્કર્ષ સોસાયટી, નાના કુંભનાથ રોડ, નડિયાદ) એ સલુણ ગામના ત્રણ બોગસ વ્યક્તિઓના ફોટા તેમજ આધારકાર્ડ ઉભા કરી, 7/12 માં ચાલતાં નામોનું પાવર ઓફ એટર્ની વર્ષ 2020 માં તૈયાર કરી, આ પાવરના આધારે જમીન ખરીદી હોવાનું ચોંકાવનારી માહિતી ધ્યાને આવી હતી. જેથી શ્વેતલ પટેલે આ મામલે નડિયાદ ગ્રામ્ય મામલતદારમાં વાંધા અરજી દાખલ કરી, વેચાણ દસ્તાવેજ નં 6613 નો ફેરફાર નોંધ નં 37741 રદ્દ કરવા તેમજ આ જમીનના વેચાણ દરમિયાન રજુ કરાયેલાં દસ્તાવેજો અને જમીનના મૂળ માલિકોની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે.

આ રજુઆત જિલ્લા જમીન તકેદારી સમિતિમાં લેવામાં આવી હતી. આ અંગે 31મી જુલાઇના રોજ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 15મી જૂન,2023 અન્વયે રજુ થયેલા વેચાણ દસ્તાવેજમાં પાવર ઓફ એટર્ની હરમાનભાઈ ત્રિકમભાઈ, ડાહ્યાભાઈ ત્રિકમભાઈ, છોટાભાઈ ત્રિકમભાઈએ 12મી જૂન,2020ના રોજ સવાલવાળી જમીન અંગેનો પાવર સંજયભાઈ ભાસ્કરભાઈ દેસાઈને કરી આપ્યો છે. આ પાવર ઓફ એટર્ની નોટરી રૂબરૂનો છે.

વધુમાં વેચાણ દસ્તાવેજ સાથે રજુ થયેલો પાવર ઓફ એટર્ની અને ડેકલેરેશન સાથે રજૂ થયેલા આધારકાર્ડ ઓનલાઇન ચકાસતા ઇનવેલીડ હોવાનું ધ્યાને આવ્યું છે. વળી, આ પાવર ઓફ એટર્ની દ્વારા સંજયભાઈ ભાસ્કરભાઈ દેસાઇએ પોતાના જ નામે વેચાણ દસ્તાવેજ કરાવ્યો છે. આમ, બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા વેચાણ દસ્તાવેજ થયેલો હોવાનું જણાયું છે. આથી, આ સમગ્ર પ્રકરણમાં પોલીસ કેસ કરવા માટે શ્વેતલભાઈ પટેલને અધિક કલેક્ટરે પત્ર લખી જાણ કરતાં ચકચાર મચી ગઇ હતી.

Most Popular

To Top