Comments

આર્થિક યુગમાં સ્વતંત્રતા કેટલી ભ્રામક કેટલી વાસ્તવિક

અભિનંદન! સૌ દેશવાસીઓને! સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવામાં છે. કેટલાં નામી-અનામી લોકોનાં બલિદાનો પર આ સ્વતંત્રતા મળી હતી. મેઘાણીએ માટે જ લખ્યું હતું. ‘‘ હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ. કલેજાં ચીરતી, કંપાવતી અમ ભયકથાઓ.’’ અને પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂના શબ્દો યાદ કરું તો ભારતે ભાગ્ય સાથે અભિસાર યોજયો હતો. એ વચનપૂર્તિનો દિવસ એટલે સ્વતંત્રતા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની શહીદીનું પરિણામ એટલે આઝાદી! અને 76 મા વર્ષની સવારે આ લડત, આ બલિદાનો અને આ સપનાંઓ યાદ આવે ત્યારે વિચાર આવે કે આ આઝાદીના લડવૈયાનું સપનું શું હતું? શું આજનું ભારત જોઈ તેમને સંતોષ થાત? ભગતસિંહ આવું ભારત ઈચ્છતા હતા?

ગાંધીજી સ્પષ્ટપણે માનતા હતા કે રાજકીય સ્વતંત્રતા તો રસ્તામાં આવતી બાબત છે. આપણું મૂળ ધ્યેય આટલે અટકી જવાનું નથી. જાહેર જીવનમાં સ્વતંત્રતાના અલગ અલગ રંગ છે. વ્યક્તિગત નિર્ણયોની સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા, રાજકીય સ્વતંત્રતા વગેરે… આજના આર્થિક યુગમાં સામાન્ય માણસને સ્વતંત્રતાનો અનુભવ તેના રોજિંદા જીવનમાં થવો જોઈએ. આમ જુઓ તો અંગ્રેજો સામે મૂળ વિરોધ તો ત્યારથી જ શરૂ થયો, જ્યારથી તેમણે ભારતના ધંધા રોજગાર તોડ્યા, લોકો પર અસહ્ય વેરા નાખ્યા. માનસિક ગુલામીનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું!

અંગ્રેજો સામે પ્રજા એક થવા માંડી, આપણાં આગેવાનોએ પ્રજાને વચનો આપવા માંડયાં કે આઝાદી આવશે તો આપણાં જીવનમાં સુખ-શાંતિ આવશે. આપણા મનગમતા વ્યવસાય કરી શકીશું, આકરાવેરા નહીં હોય, સૌને માટે સરખો ન્યાય હશે. શિક્ષણ, આરોગ્ય, ઘર, પાણી જેવી પ્રાથમિક સુવિધા પર સૌનો અધિકાર હશે. સ્વરાજ્યની કલ્પનામાં આધ્યત્મિકતા કે અધી ભૌતિકતા ઓછી હતી. સામાન્ય માણસ માટે તો સ્વતંત્રતા એટલે બે ટંકનો રોટલો. વાજબી ભાવે શિક્ષણ ચાર માણસનું માથુ ઢંકાય એટલું ઘર.. અને સરળ-સહજ આરોગ્ય સેવાઓની પ્રાપ્તિ…

શું આમાંનું કશું છે સહજ!
આપણી સ્વતંત્રતાઓ રૂપિયાને આધીન છે. સરકારી નિયંત્રણ વગરના સામુહિક સેવાઓના ખાનગીકરણે આપણી આ રોજિંદા જીવનની સ્વતંત્રતાને મર્યાદિત કરી દીધી છે. તમે હોસ્પિટલોમાં સારવારની સ્વતંત્રતા તો જ ભોગવી શકશો જો તમે તેનાં બીલ ચૂકવવા સક્ષમ હશો. શિક્ષણ ક્ષેત્રે ભણવાની સ્વતંત્રતા તમને છે. વ્યવસાય પસંદ કરવાની સ્વતંત્રતા છે. પણ એ સ્વતંત્રતા તો તમે કેટલા રૂપિયા ખર્ચી શકો છો તેના પર છે. મેડીકલ કે એન્જિનિયરીંગ કે સી.એ. હોશિયારી, આવડત અને મહેનત માત્રથી હવે થઈ આ કશું પણ મેળવવાની સ્વતંત્રતા હવે નાગરિકોની નથી. જો તેની પાસે પૈસા નથી!

‘‘રોટી કપડાં ઔર મકાન’’ આ ફિલ્મનું નામ નથી. સ્વતંત્રતા ભારતના સામાન્ય માણસે કલ્પેલા સ્વપ્નનું નામ છે. આજે તો ભારતની ક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે પણ લાખો ખર્ચવા પડે છે. પછી મકાન તો સસ્તું ક્યાંથી મળે? સ્વચ્છ પાણી પીવાની સ્વતંત્રતા, બોટલ ખરીદવાની શક્તિને આધીન છે. સારા રસ્તા પર મુસાફરની સ્વતંત્રતા ફાસ્ટ ટેગનું બેલેન્સ નક્કી કરશે! વીસ રૂપિયાની છાસની કોથળી તો જ તમે ખરીદી શકો છો જો તમારી પાસે એક્વીસમો રૂપિયો જી.એસ.ટી. આપવા માટે છે! એકસો ચાલીસ કરોડ ભારતીયો છવ્વીસ કરોડ કુટુમ્બોમાં રહે છે. તેમાંથી પાંચ કરોડ ભારતીય ઘરો પર ઝંડા ફરકે તો એક રેકોર્ડ હશે. પણ સ્વતંત્રતાના 75 મા વર્ષની ઉજવણી માત્ર ધ્વજવંદનની પ્રતીકાત્મકતામાં પૂરી ન થવી જોઈએ.

ખાનગીકરણ એ પૈસાદારોને વધુ તક આપવા માટે સ્વીકારવાનું હતું. ગરીબોની તક છીનવી લેવા નહીં! ભારતમાં સ્વતંત્રતાના લડવૈયા અને બંધારણના ઘડવૈયાએ ખૂબ સમજી વિચારીને મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું હતું. બજારતંત્રની સફળતા ખરીદશક્તિ ધરાવતા ગ્રાહકો આધારિત છે. બજાર માત્ર ‘માંગ’નો વિચાર કરે છે. જ્યારે સરકારે ‘‘જરૂરિયાતો’’નો વિચાર પણ કરવાનો હોય છે. માટે જે ખરીદશક્તિ નથી ધરાવતા તે નાગરિકોનો  હક્ક ઝૂંટવાઈ ન જાય તે જોવાની જવાબદારી સરકારની છે. વાત બહુ સરળ છે. કોઈ આદર્શ નથી. જે રૂપિયા ખર્ચી શકે છે તેને ઉત્તમ ભૌતિક સુવિધાવાળી ખાનગી શાળામાં ભણવાની તક મળવી જ જોઈએ. પણ સાદગીપૂર્ણ, ઉત્તમ ગુણવત્તાવાળી વાજબી ભાવની સરકારી શાળાઓ પણ હોવી જોઈએ. રૂપિયા ખર્ચે તે ભલે એકસપ્રેસ વે પર જાય, પણ સાથે સર્વિસ રોડ અને સામાન્ય પરિવહનનો વિકલ્પ પણ મળવો જ જોઈએ.

અર્થશાસ્ત્રમાં ખાનગી અને વ્યક્તિગત વપરાશની વસ્તુઓ અને સેવાઓ તથા સામુહિક વપરાશની પાયાની જરૂરિયાત એવી વસ્તુઓ અને સેવાઓ એવા બે ભાગ છે જ. ટી.વી., ફ્રીઝ, ગાડી, સુગંધી તેલ, મોંઘી મીઠાઈઓ ભલે જે કિંમત ચૂકવે તેને જ મળે! પણ પાણી, વીજળી, શિક્ષણ, સાદાં રહેઠાણ અને સહજ ન્યાય! તો સૌને મળે તે ખરી સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી છે! જરા વિચારો તો ખરા, મફત કનેકશન આવ્યા પછી ગેસના બાટલા ભરાવી શકાતા નથી. સામાન્ય ખાનગી શાળામાં બાળકને ભણાવવામાં દેવું કરવું પડે છે. એક બીમારી આખા કુટુમ્બને ગરીબી રેખાની નીચે લાવી દે છે. આમાં ક્યાં સ્વતંત્રતા દેખાય છે?

દુ:ખ થાય છે! ચચરે છે! વિચાર આવે છે કે દેશની આઝાદી માટે ફાંસીના માંચડે ચડી જનાર ભગતસિંહને કલ્પના સુધ્ધાં હશે કે આઝાદ ભારતમાં બાળકને ભણાવવા માટે મા-બાપે ડોનેશન આપવું પડશે! અંગ્રેજોની ગોળીથી પ્રાણ હોમી દેનારા મંગલ પાંડેએ વિચાર્યું હશે કે આઝાદ ભારતમાં રસ્તા પર જવા માટે પણ કિંમત ચૂકવવી પડશે.

બારડોલી સત્યાગ્રહે જેમને સરદાર બનાવ્યા અને મીઠાના સત્યાગ્રહે જેમને વિશ્વનેતા બનાવ્યા તે સરદાર અને ગાંધીને માન્ય હોત કે આપણી સરકાર દૂધ અને છાસના નાના પેકીંગ પર પણ વેરો લે! આપણે કોંગ્રેસના નેતાઓને પૂછવું છે કે શું તમારા કોંગ્રેસના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂની આ ‘‘ડીસ્કવરી’’ હતી. હાલ જે શાસનમાં છે તે ભાજપના નેતાઓ અને તેની સમર્થક ભગિની સંસ્થાઓના નેતાઓને પૂછવું છે કે ‘‘આ હિન્દુ હિત છે!’’ પંડિત દીનદયાલ ઉપાધ્યાય કે વીર સાવરકરની વિચારધારા તમારા શાસનમાં છે ક્યાંય?

સ્વતંત્રતાનો આજના સમયમાં અનુભવ ‘‘આર્થિક સ્વતંત્રતામાં જ સમાયો છે જેનો આધાર છે ‘‘ખરીદશક્તિ.’’ આ દેશમાં સામાન્ય નાગરિકને સમજાઈ ચૂક્યું છે કે ‘‘લોકશાહી અને સ્વતંત્રતાના લાભો મને એટલા જ મળશે જેટલા હું તેને ‘‘ખરીદી’’ શકીશ. આપણા એક નેતાએ સારું જ કહ્યું છે કે ‘‘ત્રિરંગો પણ ખરીદીને જ ફરકાવજો…’’ સાચી જ વાત છે. શિક્ષણ ખરીદો છો… તબીબી સારવાર ખરીદો છો… ન્યાય માટે રૂપિયા જોઈએ છે.. તો ઉજવણી મફતમાં થોડી થાય! તેના પણ ચૂકવો! રાજી થવું એ તો સૌથી મોંઘી બાબત છે. માત્ર તમે મત મફતના ભાવે આપી દો છો! અને પછી હપ્તે હપ્તે એની કિંમત ચૂકવો છો!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top