SURAT

આચારસંહિતાને પગલે સ્મીમેરમાં માફીચિઠ્ઠીવાળા દર્દીઓને મુશ્કેલી

સુરત: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Election) આચારસંહિતા લાગી જતાં સુરત મનપા (SMC) દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) મેયર સહિત અમુક પદાધિકારીઓ મારફતે માફી ચિઠ્ઠી અંતર્ગત સારવાર કરાવનાર મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિઓને હાલાકી ભોગવવી પડી રહી છે. હોસ્પિટલના તંત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકોને સુપરિન્ટેન્ડેન્ટના સહીને આધારે અમુક સારવાર મફત મળી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે.

સુરત મનપા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. જેઓ પાસે સારવાર કરાવવા માટે પૂરતા પ્રમાણમાં રૂપિયા પણ હોતા નથી. જેથી હોસ્પિટલમાં મેયર સહિત અમુક પદાધિકારીઓ મારફતે માફીચિઠ્ઠી અંતર્ગત સારવાર મળતી હોય છે. આ સેવાનો લાભ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો લેતા હોય છે.

હાલ ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગી જતાં મેયર અને અમુક પદાધિકારીઓની માફીચિઠ્ઠી હાલના સમયમાં માન્ય ગણવામાં આવતા નથી. જેના કારણે સારવાર માટે આવતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને યોગ્ય સારવાર માટે પૈસા આપવાની જરૂર પડી રહી છે. જેને ધ્યાને લઈને સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટના સહીવાળા લેટર પર જરૂરિયાતમંદ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ કે જેમને ખરેખર મફત સારવારની જરૂર છે, તેવા દર્દીઓને તંત્ર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ વ્યવસ્થા ઊભી કરાઈ હોવા છતાં પણ અમુક દર્દીઓ હાલાકીનો ભોગ બની રહ્યા છે.

આચારસંહિતા લાગી જતાં સ્મીમેરમાં માફીચિઠ્ઠીમાં સારવાર લેતા દર્દીઓને હાલાકી
સ્મીમેર હોસ્પિટલમાં વર્ષ દરમિયાન આશરે 18 હજારથી પણ વધારે દર્દીઓ મેયર અને અમુક પદાધિકારીઓના માફીચિઠ્ઠી પર સારવાર મેળવે છે. હોસ્પિટલમાં દરરોજ મધ્યમ અને ગરીબ વર્ગના 50 જેટલા દર્દીઓને 1.5 લાખ સુધીની સારવાર માફીચિઠ્ઠીમાં આપવામાં આવે છે. જ્યારે હાલ આચારસહિતા લાગી જતાં દરરોજના 15 જેટલા દર્દીઓ કે જેને ખરેખર વિનામૂલ્યે સારવારની જરૂર હોય તેવા લોકોને સુપરિન્ટેન્ડેન્ટની સહી મારફતે સારવાર આપવામાં આવે છે.

Most Popular

To Top