Comments

આજના પત્રકારો માટે મશાલરૂપ હોર્નિમન

૧૯૯૫ માં બોમ્બેનું નામ બદલી મુંબઇ રાખવામાં આવ્યું અને તેને પગલે ઇમારતો, શેરીઓ, બગીચાઓ, રેલવે સ્ટેશનોનાં નામ બદલવાનો શહેરમાં પવન ફૂંકાયો. આમ છતાં કેટલાક સદ્‌ગત વિદેશીઓને ઇતિહાસની કચરા પેટીમાં જવામાંથી મુકિત મળી. તેમાં એનીબેસંટ અને બી.જી. હોર્નિમનનો ખાસ સમાવેશ થાય છે. મને શંકા છે કે મુંબઇ જ નહીં, મોટા ભાગના ભારતમાં હોર્નિમેન કરતાં એની બેસંટનો દબદબો વધુ છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના માલવિયા, હોમરૂલની ચળવળના સ્થાપક તરીકે બાલ ગંગાધર ટિળક અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે એનીબેસંટનું નામ  પાઠયપુસ્તકો અને સામાન્ય જ્ઞાનની કસોટીમાં આજે પણ ઝળકે છે.

મુંબઇના હોર્નિમન સર્કલના હોર્નિમન ઓછા જાણીતા છે. ભલે તેમના કાર્યનો વારસો આજે કદાચ વધુ સંબધ્ધ છે. ૧૯૧૩ માં ભારતના ઉદારમતવાદીઓએ એક અખબાર સ્થાપ્યું હતું જેનું નામ ‘બોમ્બે કોનિકલ’ હતું. તેમણે સંસ્થા તરફી ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ‘બોમ્બે ક્રોનિકલ’ સ્થાપ્યું હતું. હોર્નિમન તે સમયે ‘ધ સ્ટેટ્‌સમેન’ અખબારના મદદનીશ તંત્રી હતા અને ‘બોમ્બે ક્રોનિકલ’ના પ્રથમ તંત્રી બન્યા. વંશીય વાણી સરળતાથી નાબૂદ કરવા બદલ તેમની પ્રતિષ્ઠા બંધાઇ. બંગભંગ સામેની ચળવળમાં તેઓ આંદોલનકારીઓ સાથે રહ્યા અને સાચા દેશભકતની જેમ સફેદ ધોતિયું, કુર્તા અને ચદ્દર ધારણ કરી તેમણે શોકાતુર બંગાળીઓ પ્રત્યે કલકત્તાની શેરીઓમાં ઉઘાડે પગે ફરી હમદર્દી બતાવી હતી.

‘બોમ્બે ક્રોનિકલ’નો અખત્યાર સંભાળ્યા પછી હોર્નિમને બ્રિટીશ શાસકોની તાનાશાહી સામે ભારતીય પત્રકારત્વની રક્ષા માટે પ્રેસ એસોસીએશન ઓફ ઇંડિયા’ ના નો કાર્યરત પત્રકારોનો સંઘ રચ્યો હતો. તેનો આશયક પત્રકારોને માલિકોની જોહુકમી સામે રક્ષણ આપવાનો હતો. પત્રકારોના પ્રથમ કામદાર સંઘના પ્રમુખ તરીકે હોર્નિમને સરકાર દ્વારા પ્રેસ એકટ અને તેની સાથે ફીડેન્સ ઓફ ઇંડિયા એકટના દુરુપયોગ સામે વાઇસરોય અને ગવર્નરને જોરદાર પત્રો લખી ઉગ્ર લડાઇ આપી હતી.

બ્રિટીશરાજ પ્રથમ વિશ્વ યુદ્ધ ઓઠા હેઠળ રાજકીય વિરોધીઓને જેલના સળિયા પાછળ મોકલી દેતી હતી. તેને પગલે હોર્નિમને લખ્યું સરકાર તંત્ર એ તબકકે પહોંચી ગયું છે, જેમાં તેણે ખટલો બતાવ્યા વગર વિરોધીઓને કેદમાં પૂરવા પડે અને વાણી અને લેખન સ્વાતંત્ર્યનું દમન કરવું પડે અને તે દેવાળિયા સ્તરે પહોંચી ગઇ છે અને ધરખમ સુધારાની જરૂર છે. આ અખબારમાં લખાણ અંગ્રેજીમાં પ્રસિધ્ધ થતા પણ પક્ષ એ લોકોનો લેવામાં આવતો, જેઓ અંગ્રેજી ભાષા જાણતા નહતા. બોલતા ન હતા, લખતા ન હતા.

જાણીતા ઇતિહાસકાર સંદીપ હઝારીસિંહે લખ્યું છે કે હોર્નિમનનું અખબાર કામદારો અને શહેરી ગરીબોનો સમાવેશ કરી શકાય તે રીતે શહેરના સત્તાવાર સમાજશાસ્ત્રને સુધારી હતી. તેમાં મિલકામદારો, મજૂરો, રેલવે કામદારો તેમજ સરકાર, નગર પાલિકાઓ અને ખાનગી સંસ્થાઓમાં ઓછા પગારમાં કામ કરતાં સંખ્યાબધ્ધ કામદારોની દુ:ખદ સ્થિતિ, મોંઘવારીમાં તેમની હાલત, યુદ્ધ દરમ્યાનની અછત વગેરેની યાતનાઓનું ભારપૂર્વક રજૂઆત કરતા. પોતાના તંત્રી લેખમાં હોર્નિમન લોકોની હાલતનો વિચાર કર્યા વગર બેફામ નફાખોરી પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવા માટે જ બ્રિટનથી ભારતમાં અને મુંબઇમાં આવીને વસેલા બ્રિટીશ દુકાનદારો પર આકરા પ્રહાર કરતા હતા. તેમણે ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહને ટેકો આપી વેસ્ટ ઇંડિઝ અને ફિજીમાં બગીચાઓ અને ખેતરોમાં કામ કરવા માટે ગુલામ તરીકે મજૂરોને મોકલવા સામે પણ આકરા પ્રહાર કર્યા હતા.

એપ્રિલ ૧૯૧૯ ના પહેલા સપ્તાહમાં હોર્નિમન મુંબઇમાં રોલેટ એકટ સામે ગાંધીએ યોજેલા વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા. એ જ મહિનામાં પછીથી ‘બોમ્બે ક્રોનિકલ’માં પંજાબમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડ અને દમનના દર્દનાક હેવાલ છપાયા હતા. આ વાંચી બ્રિટીશ સરકાર ક્રોધે ભરાઇ હતી અને હોર્નિમનને એક વહાણ પર ચડાવી બ્રિટને હદપાર કરી દીધા હતા. એક ગુજરાતી અખબારે ટીકા કરી હતી કે હોર્નિમનની હદપારી પાછળ વર્ગ અને વંશનાં હિતો કામ કરે છે. હોર્નિમનના નામથી અમલદારશાહી અને બ્રિટીશ – ભારતીય વેપારીઓ થરથર કાંપે છે.

ગાંધીજીએ પણ હોર્નિમનની હદપારીને ‘રાજના બદલા’ સમાન કૃત્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે હોર્નિમને આપણને આઝાદીનો મંત્ર આપી ખોટું કરનાર તમામને ખુલ્લા પાડયા છે. હોર્નિમને મુંબઇ પાછા ફરવા પાસપોર્ટ મેળવવા બહુ કોશિશ કરી અને છતાં સફળતા નહીં મળી તો એક વહાણમાં ચડી ગયા અને દક્ષિણ ભારતના કિનારે ઊતરી ગયા. જાન્યુઆરી ૧૯૨૬ માં તેઓ ભારત ભારતીયની માલિકીના અખબાર ‘બોમ્બે ક્રોનિકલના, ઇન્ડિયન નેશનલ હેરોલ્ડ’ નામના એક અલ્પજીવી અખબાર અને ‘બોમ્બે ક્રોનિકલ’ના જ સાંધ્ય અડધિયા અખબાર ‘બોમ્બે સેન્ટીનલના તંત્રી રહ્યા.

હોર્નિમને ૧૯૩૨ માં વિદ્યાર્થીઓ સમક્ષ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની આર્થિક ગણતરી વગર કામ કરે તે આદર્શ અખબાર – પશ્ચિમમાં અખબારે વિજ્ઞાપનના દાતાઓની દયા પર નભે છે. જેમને જીવનમાં ભૈાતિક સંપત્તિ જોઇએ છે તેમને માટે પત્રકારત્વનું ક્ષેત્ર નથી. પણ રાષ્ટ્રના હિતની સેવા કરવી હોય તેને માટે પત્રકારત્વની હું ભલામણ કરીશ કારણ કે જાહેર અખબાર દ્વારા જ દેશના હિતની રક્ષા થઇ શકશે. હોર્નિમનને પોતાનાં લખાણ બદલ ઘણી વાર બદનક્ષીના કે લાગણી દુભાવવાના દાવામાં અદાલતના ચકકર કાપવા પડયા હતા. તેમના વકીલે કહ્યું હતું કે હોર્નિમન ગભરાઇને ભાગી જાય કે છટકબારી રાખીને લખે તેવા નથી. પત્રકાર તરીકે તેમને ખરાબમાં ખરાબ ફોજદારી ખટલાઓનો સામનો કરવાની હિંમત છે. વકીલ મુંઝવણમાં પડી જાય પણ અસીલ નહીં.

૧૯૪૮ ના ઓકટોબરમાં તેઓ મૃત્યુ પામ્યા ત્યારે કલકત્તા, મદ્રાસ, દિલ્હી અને લખનૌ વગેરેએ તેમને દિલથી શ્રધ્ધાંજલિ આપી હતી. બોમ્બે સેન્ટીનલે લખ્યું હતું કે હવે આવો  માણસ મળવો મુશ્કેલ છે. તેને લાગે કે કંઇ ખોટું થઇ રહ્યું છે તો છેક સુધી લડી લેતા. અને તે પણ પરિણામની ચિંતા કર્યા વગર. આજે જયારે અખબારો અને ચેનલો સરકારના પડખામાં ભરાય છે અને સરકાર ખટલો ચલાવ્યા વગર સજા કરે છે. જુઠાણાં ફેલાવે છે. સાંપ્રદાયિકતા ફેલાવે છે ત્યારે ભારતીય પત્રકારોએ ગાંધીજીએ જેમને ‘ખોટું દેખાય ત્યાં નિર્ભયપણે વિરોધ કરનાર પત્રકાર’ ગણાવ્યા હતા તે હોર્નિમન પાસેથી શીખવા જેવું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top