Columns

માણસની ઓળખ

એક દિવસ ગુરુ ચાણક્ય પાસે આવીને શિષ્ય ચંદ્રગુપ્તે પૂછ્યું, ‘ગુરુજી મનમાં એક મુંઝવણ છે આજ્ઞા આપો તો રજુ કરું.’ ગુરુ ચાણક્યએ કહ્યું, ‘વત્સ શું મૂંઝવણ છે મને કહે,હું તારી મૂંઝવણ દુર કરીશ.’ ચંદ્રગુપ્તએ કહ્યું, ‘ગુરુજી તમે માણસ બનવા શું શું કરવું જોઈએ.બધાને એક સરખા ગણવા જોઈએ.માનવતા રાખવી જોઈએ.સાચું બોલવું જોઈએ તે બધું સમજાવ્યું. હું તેવો માણસ બનવાની સતત કોશિશ કરીશ.પણ મારા મનમાં મૂંઝવણ છે કે માણસ ક્યારે એકદમ શાંત અને સ્થાયી ભાવ વાળો બની શકે.ઘણા બધા કામ તમે કીધા છે જેનાથી માણસ, સારો માણસ બની શકે પરંતુ એથી આગળ વધીને મારે જાણવું છે કે માણસ ખરા અર્થમાં સ્થાયી ભાવ અને સમતાવાળો ક્યારે બની શકે.’

ગુરુ ચાણક્ય પોતાના શિષ્યના આટલા ઊંડા પ્રશ્નથી રાજી થયા અને તેમણે ચંદ્રગુપ્તની પીઠ થાબડતાં કહ્યું, ‘વત્સ તે ઘણું ચિંતન કરીને આ સરસ પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ તને સમજાવું છું.સ્થાયીભાવ અને મનમાં સમતા સાથે જીવવા માટે માણસે ઘણું ચિંતન મનન અને અભ્યાસ કરવો પડે.એકચિત્તે ધ્યાન કરી મન પર કાબુ મેળવવો પડે.અને મન અને મસ્તિષ્કથી ઘણા મજબુત બનવું પડે.’ ચંદ્રગુપ્તએ આગળ પૂછ્યું, ‘ગુરુજી, આ તો બહુ અઘરું છે અને આપણને કઈ રીતે ખબર પડે કે સામે વાળો માણસ કેવો છે તેના મનમાં સ્થાયી ભાવ છે કે નહિ તે ઓળખવું કઈ રીતે??’

ગુરુ ચાણક્ય હસ્યા અને બોલ્યા, ‘વત્સ, હકીકતમાં આમ તો કોઈપણ માણસને ઓળખવો તેના મનના ભાવને જાણવા બહુ અઘરા છે.પરંતુ આપને જાગૃત રહીને સામેવાળા માણસનું તેના વાણી વ્યવહાર અબે વર્તનનું બરાબર અવલોકન કરીએ તો કદાચ થોડા તેના ભાવ સમજી શકીએ.અને જે માણસ સ્થાયી ભાવ ધરાવે છે ઊંડા ચિંતન -મનન તથા અભ્યાસ દ્વારા જેને મનમાં સમતા કેળવી છે તેની ઓળખ છે કે તે કોઈપણ બાબતના નિર્ણય બરાબર વિચારી સમજીને પોતાની જાતે સ્વયં લે છે.તે કોઈના ઈશારે દોરવાઈ જતો નથી.અને તે પોતે જે નિર્ણય લે છે તેનું જે કઈ પણ પરિણામ આવે સારું કે ખરાબ તેની જવાબદારી પોતે સ્વીકારે છે.તે પોતાના લીધેલા નિર્ણયનું પરિણામ સારું આવે તો અભિમાન નથી કરતો અને જો પોતાના લીધેલા નિર્ણયનું પરિણામ ખરાબ આવે તો બીજાને દોષ નથી આપતો.તેનામાં સંપૂર્ણ સ્વીકારભાવ હોય છે.’ ગુરુ ચાણક્યએ શિષ્ય ચંદ્રગુપ્તને સ્થાયીભાવ ધરાવતા માણસની ખરી ઓળખ સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top