Gujarat

ડાકોર-શામળાજીમાં હોળી ઉત્સવ: ભગવાન અને ભક્ત અબીલ-ગુલાલના રંગે રંગાયા

હોળીનાં પર્વને (Holi Festival) લઈને યાત્રાધામ ડાકોરમાં (Dakor) ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ડાકોરમાં ફાગણી પૂનમનાં ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનનાં દર્શને હજારો ભક્તો (Devotees) ધજા સાથે આવી પહોંચ્યા હતા અને અબીલ ગુલાલની છોળો ઉડાડી હતી. ડાકોરના ઠાકોરની એક ઝલક માટે ભક્તોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને હોળીના રંગોથી રંગવામા આવ્યા હતા. અહીં ધૂમધામથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ચાંદીની પિચકારીથી ભગવાન શામળિયાને રંગ લગાવવામાં આવ્યો હતો, આ દરમિયાન મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ભક્તો ઉમટ્યા હતા. 

શામળાજી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યુ હતુ. હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને મંદિરમાં વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી સાજ-શણગાર કરાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે મંદિરમાં ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભરીને હોળી પણ રમાડવામાં આવી હતી. પીચકારીથી અબીલ ગુલાલની છોળો ઉડાડી રંગોત્સવ ઉજવાયો હતો. આ દરમિયાન મંદિર પરિસરમાં હજારો ભક્તો હોળી મહોત્સવમાં જોડાયા હતા.

જણાવી દઈએ કે ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં હોળી અને રંગોત્સવનું વિશેષ મહત્વ હોય છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ રંગોત્સવની ઉજવણી માટે મંદિર પરિસર ભક્તો થી ઉભરાયું હતું. હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા સાથે પરિવારના મંગલ ની કામના પણ કરી હતી. યાત્રાધામ શામળાજીમાં હોળી અને ધૂળેટીના તહેવારોને લઈ દર વર્ષે ભક્તોની મોટી ભીડ દર્શન કરવા માટે ઉમટે છે. શામળાજી મંદિરે ફાગણ સુદ પૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. અહીં ફાગણની પુનમનું વિશેષ મહત્વ હોય છે. ભક્તો મંદિર પરિસરમાં રંગોનો તહેવાર ઉજવતા હોય છે.

Most Popular

To Top