Charchapatra

હિંદુ, હિંદુત્વ, હિંદુધર્મ અને હિંદુ સંસ્કૃતિ

ભારતમાં આજે હિંદુ કોણ છે? એ છે કે ભારતમાં આજે જે સિંધુ સંસ્કૃતિના વારસદારો વસે છે તે બધાં જ હિંદુઓ છે. છેલ્લું નૃવંશશાસ્ત્રીય વૈજ્ઞાનિક સંશોધન એમ કહે છે કે ભારતની આજની બધી જ પ્રજાઓ સિંધુ સંસ્કૃતિમાં વસનારાં અનાર્ય લોકો યાને કોલ (મુંડા), દ્રવિડ અને નાગ પ્રજાઓની વારસદાર છે. મુસલમાન, ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌધ્ધ લોકો પણ આ સિંધુ સંસ્કૃતિની પ્રજાઓમાંથી જ ધર્માંતરિત થયેલાં છે, તેથી બધાં જ ભારતીયો હિંદુ છે. બધાં જ ભારતીયો અનાર્ય છે, ભારતમાં આજે આર્ય કોઇ નથી. હિંદુ શબ્દ સિંધુ ઉપરથી જ ઉતરી આવ્યો હોય એ બિલકુલ બનવાજોગ છે. હિંદુત્વ એ હિંદુ હોવાપણું છે. અર્થાત્ ભારતીય સિંધુ સંસ્કૃતિના વારસદાર હોવું તે હિંદુત્વ છે.

બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે હિંદુધર્મ એટલે શું? તેના પ્રત્યુત્તરમાં એમ કહી શકાય કે  સિંધુ સંસ્કૃતિમાં વસનારાં આપણાં પૂર્વજોનો જે ધર્મ હતો તે હિંદુધર્મ, પરંતુ એની સામે સવાલ એ ઊભો થાય છે કે સિંધુ સંસ્કૃતિમાં વસનારાં આપણાં પૂર્વજોમાં આજના પ્રચલિત ધર્મોમાંનો એક પણ ધર્મ નહોતો. અર્થાત્ આજની દૃષ્ટિએ આપણા એ પૂર્વજો ધર્મનિરપેક્ષ હતાં. સિંધુ સંસ્કૃતિના ધર્મને જ જો આપણે હિંદુ ધર્મ માનીએ તો એમ કહી શકાય કે ધર્મ નિરપેક્ષતા એ જ હિંદુ ધર્મ છે. કારણ કે તે સિંધુ ધર્મ છે. અહીં એ ઘટના યાદ આવે છે કે અટલ બિહારી બાજપાઇજીએ તેઓ વડા પ્રધાન હતા ત્યારે કહેલું કે ‘ધર્મનિરપેક્ષતા એ જ હિંદુ ધર્મ છે’ ત્યારે તે વખતના કહેવાતા હિંદુત્વવાદીઓએ તેમના ઉપર માછલાં ધોયેલાં. કારણ હિંદુત્વવાદીઓ સત્ય સ્વીકારી નહોતાં શકયાં. સિંધુ સંસ્કૃતિમાં વસનારાં આપણા પૂર્વજોની જે જીવનપ્રણાલી હતી તેથી તે જ તેમનું જીવનદર્શન અથવા સંસ્કૃતિ હતી. તાત્પર્ય એ છે કે સિંધુ સંસ્કૃતિ એ જ સાચી હિંદુ સંસ્કૃતિ છે. આજે આપણા ઘણા વિદ્વાનો હિંદુ સંસ્કૃતિ અને હિંદુધર્મને બહાને ભારતની પ્રજાને વિદેશી આર્ય સંસ્કૃતિ અને આર્યધર્મમાં (વર્ણવ્યવસ્થામાં) ફસાવી રહ્યાં છે તે ગલત અને છેતરપિંડીયુકત છે.
કડોદ     – એન.વી. ચાવડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top