National

હિમાચલમાં બરફવર્ષાને કારણે 700થી વધુ રસ્તાઓ બંધ, કાશ્મીરના ગુલમર્ગમાં માઇનસ 12 ડીગ્રી તાપમાન

શિમલા: (Shimla) હિમાચલ પ્રદેશના આ શહેરના લોકો આજે સવારે ઉઠ્યા ત્યારે શહેરમાં બરફની (Snow) ચાદર છવાયેલી હતી અને રસ્તાઓ પર બરફની છીણના કારણે વાહન વ્યવહારને અસર થઇ હતી અને ઓફિસે જનારાઓએ સખત સમયનો સામનો કરવો પડ્યો હતો.

  • બરફવર્ષા અને વરસાદ વચ્ચે સખત ઠંડીમાં ધ્રુજતું હિમાચલ
  • રાજ્યના ૭૨૦ જેટલા રસ્તાઓ બરફને કારણે બંધ
  • આજથી બે દિવસ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી

હિમાલચ પ્રદેશમાં ચાર ધોરીમાર્ગો સહિત ૭૨૦ જેટલા રસ્તાઓ બરફ પડવાને કારણે અવરોધાઇ ગયા હતા જ્યારે ૨૨૪૩ ટ્રાન્સફોર્મરોની કામગીરી ખોરવાઇ હતી. શિમલા જિલ્લામાં જ મહત્તમ ૨૫૦ રસ્તાઓ બંધ હતા, જેના પછી ચામ્બામાં ૧૬૩ અને લાહોલ તથા સ્પીટીમાં ૧૩૯ માર્ગો બંધ હતા. અપર શિમલાના ઘણા વિસ્તારોમાં વાહન વ્યવહાર અટકી ગયો હતો. બરફ વર્ષા અને વ્યાપક વરસાદને કારણે લઘુતમ તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ઉંચાઇવાળા વિસ્તારો સખત ઠંડીના મોજાની સ્થિતિમાં ધ્રુજી રહ્યા હતા. અનેક સ્થળે તાપમાન ઠારબિંદુથી ૧૪થી ૧૮ ડીગ્રી જેટલું નીચે જતું રહ્યું હતું. બરફ પડેલા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાંથી બરફ સાફ કરવા માટેના યંત્રો મોકલવામાં આવ્યા હતા. રસ્તાઓ પરનો બરફ દૂર કરવા માટે કેલ્શ્યમ ક્લોરાઇડનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

રાજ્યના પાટનગર શિમલામાં પ સેમી જેટલો બરફ પડ્યો હતો અને લઘુતમ તાપમાન માઇનસ ૦.૬ ડીગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું. જ્યારે રાજ્યના મધ્ય અને નીચાણના ટેકરી વિસ્તારો અને નાગ્રોતા સુરિયાન વરસાદથી ધમરોળાયા હતા. આવતીકાલથી બે દિવસ માટે કેટલાક વિસ્તારો માટે સ્થાનિક હવામાન મથકે ગાજવીજ સાથે વરસાદી તોફાનની પણ આગાહી કરી છે.

કાશ્મીરમાં તાપમાન ગગડ્યું, ગુલમર્ગમાં માઇનસ ૧૨ ડીગ્રી તાપમાન
શ્રીનગર: કાશ્મીરમાં ગુરુવારે રાત્રે ઘણા સ્થળોએ તાપમાન મોં-ભેર નીચું ગયું હતું જેમાં કેટલાક સ્થળોએ તો છેલ્લા ૧૬ વર્ષની સૌથી ઠંડી રાત્રિ નોંધાઇ હતી એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગ સ્કીઇંગ રિસોર્ટમાં તાપમાને માઇનસ ૧૨ ડીગ્રી સેલ્સિયસ જેટલું નીચું નોંધાયું હતું, જે અગાઉની રાત્રિના માઇનસ ૭.૬ ડીગ્રી સેલ્સિયસ તાપમાનની સરખામણીમાં ચાર ડીગ્રી નીચું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું. દક્ષિણ કાશ્મીરનું પહેલગામ ટુરિસ્ટ રિસોર્ટ, કે જે વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પનું કામ કરે છે તો અગાઉની રાત્રીના તાપમાન કરતા ૭.૮ ડીગ્રી જેટલું તાપમાન ગગડી ગયું હતું અને માઇનસ ૧૧.૯ ડીગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું. દક્ષિણ કાશ્મીરના કોકરનાગ અને કાઝીગંડ ટાઉનોમાં – બંને જગ્યાએ તાપમાન માઇનસ ૯.૪ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરનું શિયાળુ પાટનગર એવા શ્રીનગરમાં માઇનસ ૦.૩ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં સખત ઠંડીનો ૪૦ દિવસનો સમયગાળો ચિલ્લા-એ-કલાન આ સપ્તાહે જ પુરો થયો છે. હવે ત્યાં ૨૦ દિવસનો ચિલ્લાએ ખુર્દ(નાની ઠંડી)નો સમયગાળો ચાલી રહ્યો છે, જેના પછી ત્યાં ચિલ્લાએ બચ્ચા સમયગાળો આવશે જે દસ દિવસનો રહે છે. દરમ્યાન, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે ઘણા સ્થળોએ જમીન ધસી પડવાના બનાવોને કારણે આજે સતત બીજા દિવસે બંધ રહ્યો હતો જેના પર વિવિધ સ્થળે ૪૦૦ જેટલા વાહનો ફસાયેલા છે. સત્તાવાળાઓ રસ્તા પરથી કાટમાળ ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Most Popular

To Top