Gujarat

કચ્છ, રાજકોટ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

ગાંધીનગર: આજે વહેલી સવારથી જ રાજ્યના (Gujarat) ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Rain) ખાબક્યો હતો. દરમિયાન કચ્છ, ખંભાળિયા, રાજકોટ, વલસાડ અને ઉત્તર ગુજરાત સહિતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતો (Farmers) ચિંતા વધારી છે. ખાસ કરીને દ્વારકા જિલ્લામાં સૌથી વધુ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ખંભાળિયા તેમજ દ્વારકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે આજે 2 માર્ચની વહેલી સવારથી જ રાજ્યના ઘણાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરે 12 વાગ્યા આસપાસ અચાનક ઠંડો પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તેમજ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ સાથે જ વરસાદી ઝાપટું વરસતા પાકને નુકસાન થવાની શક્યતા વધી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવાઇ રહ્યો છે. જણાવી દઇયે કે અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે ગુજરાતમાં માવઠું વરસી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આ સાથે જ બનાસકાંઠામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને ધાનેરા, ડીસા, પાલનપુર, ભીલડી, દિયાદર, ભાભર, કાંકરેજ, થરાદ, સૂઇગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ સાથે જ કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઊંઝામાં વહેલી સવારથી વરસાદી છાંટા વરસતા ખેતીમાં નુકશાનની સંભાવના વધી છે. 

વરસાદની આગાહી વચ્ચે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી ઘનઘોર વાદળો વચ્ચે વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં પાકને નુકશાન જવાની ચિંતા વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારથી જ ધ્રોલ, કાલાવડ, જોડીયા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ પોરબંદર, અરવલ્લી, સૌરાષ્ટ્રમાં વરસાદી વાદળો વરસ્યા હતા.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં પાટણના સાંતલપુર, રાધનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. તેમજ કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા. જેમાં વારાહી, સાદપુરા, પીપળી, ગોતરકા, નવાગામ, અબીયાણા સહીતના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદને પગલે ખેતરમાં ઉભા જીરું, ઈસબગુલ, અજમો, સુવા સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.

Most Popular

To Top