Gujarat Main

રાજ્યમાં 72 કલાક માટે ઓરેન્જ-યલ્લો એલર્ટ જાહેર કરાયું

ગાંધીનગર : રાજ્યમાં ફરીથી 72 કલાક માટે ઓરેન્જ તથા યલ્લો એલર્ટ જારી કરાયુ છે. એટલે કે ઓરેન્જ એલર્ટના બે દિવસ દરમ્યાન ગરમીનો પારો 45 ડિગ્રીને ક્રોસ કરી તેવી સંભાવના છે. ખાસ કરીને બાળકો તથા વૃદ્ધોએ બે દિવસ દરમ્યાન ગરમીમાં જવાનું ટાળવુ જોઈએ તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે. બે દિવસ દરમ્યાન સતત પાણી પીતા રહેવુ, લીંબુ પાણી તથા છાશ પીતા રહેવાની ભલામણ કરાઈ છે. આજે કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોચી ગયો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં 44 તથા 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોચ્યો હતો.

  • 48 કલાકમાં ગરમીનો પારો 45ને પાર કરી જાય તેવા અતિ તીવ્ર હીટ વેવની ચેતવણી
  • બાળકો તથા વૃદ્ધોએ ગરમીમાં જવાનું ટાળવાની ચેતવણી હવામાન વિભાગે આપી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટની સાથે હીટ વેવની ચેતવણી જારી કરાઈ છે. એટલે કે અહીં તાપમાન 43 થી 45 ડિગ્રીની વચ્ચે રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા તથા સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જનાગઢ, રાજકોટ તથા અમરેલી અને કચ્છમાં યલ્લો એલર્ટ જારી કરાયુ છે. એટલે કે અહીં ગરમીનો પારો 41 થી 43ની વચ્ચે રહેશે.

અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે બનાસાકાંઠા, રાજકોટ, પોરંબદર, જુનાગઢ અને કચ્છમાં હીટવેવની અસર જોવા મળી હતી. રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 43.2 ડિ.સે., ગાંધીનગરમાં 43 ડિ.સે., ડીસામાં 43 ડિ.સે., વલ્લભવિદ્યાનગરમાં 41 ડિ.સે., વડોદરામાં 42 ડિ.સે., સુરતમાં 39 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 43 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 45 ડિ.સે., નલિયામાં 37 ડિ.સે., અમરેલીમાં 43 ડિ.સે., ભાવનગરમાં 40 ડિ.સે.,રાજકોટમાં 43 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 44 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

બે દિવસમાં જ તાપમાનમાં 9 ડિગ્રીની વધઘટ
સુરતઃ શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૪ ડિગ્રી વધતા ૩૯ ડિગ્રીને પાર પહોંચ્યું હતું. જોકે આજે ફરી તાપમાનમાં ૪ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તાપમાન ગગડવા છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં હવે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તાપમાનમાં વધારો હોય કે ઘટાડો છતાં ગરમીનો અસહ્ય તાપ લોકોને વ્યાકુળ કરી રહ્યો છે. ગઈકાલે તાપમાનનાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. પરંતુ આજે તાપમાન પરત ચાર ડિગ્રી ગગડ્યું હતું. તાપમાન આજે ચાર ડિગ્રી ગગડીને ૩૪.૮ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધીને ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ૬૨ ટકા ભેજની સાથે ૭ કિલોમીટરની ઝડપે દક્ષિણ પશ્ચિમનો પવન ફુંકાયો હતો. બપોરે ગરમ લુ વાળા પવનોને લીધે લોકોએ ઘરોમાંથી નીકળવાનું ટાળ્યું હતું.

Most Popular

To Top