Feature Stories

હવે આફ્ટર રિટાયરમેન્ટ ફોટોશૂટ

સુરતમાં હવે 56 – 60 વર્ષથી વધુ ઉંમરના કપલ્સમાં આફ્ટર રિટાયરમેન્ટ વેડિંગનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. આ ઉંમરના દાદા – દાદી અને નાના – નાની બની ચૂકેલા અને જીવનની બીજી ઇનિંગ્સને એન્જોય કરી રહેલા કપલ્સ એમના લાઈફ ટાઈમ પાર્ટનર સાથે રોમાંચક પળોને માણવા માટે પોસ્ટ રિટાયરમેન્ટ શૂટ તરફ વળી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક સમયથી પ્રી – વેડિંગ ફોટોશૂટનો ક્રેઝ રહ્યો છે. પ્રી – વેડિંગની સાથે જ હવે રિટાયરમેન્ટની ઉંમરે પહોચેલા કે રિટાયર્ડ લાઈફ માણી રહેલા કપલ્સમાં પોસ્ટ રિટાયરમેન્ટ આઉટ ડોર ફોટો શૂટનું ચલણ પણ વધી રહ્યું છે. સ્ટાઈલિશ કપડાં અને ખૂબસુરત લોકેશન પર આ પોસ્ટ રિટાયરમેન્ટ ફોટો શૂટ થાય છે. ચાલો અમે સુરતના એવા કપલ્સ વિશે તમને અહીં તેમના જ શબ્દોમાં જણાવીશું કે તેમને આ આઈડિયા કઈ રીતે આવ્યો. તેમને ફોટો શૂટ વખતે કેવું ફિલ થયેલું

દીકરા – દીકરીના મેરેજ સમયે મેં અને વાઈફે આઉટડોર શૂટ કરાવેલું : સતીષભાઈ ડોલી
અલથાણ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન 56 વર્ષના સતીષભાઈ ડોલીએ તેમના ફોટો શૂટ વિશે જણાવ્યું કે મારા દીકરા હિરેન અને દીકરી હેનાલીના મેરેજ હતા, ત્યારે તેમના પ્રી – વેડિંગ ફોટો શૂટ થયેલા ત્યારે દીકરા – દીકરી બંનેએ કીધું કે પપ્પા તમે અને મમ્મી પણ ફોટો શૂટ કરાવી દો. એટલે મેં અને મારી વાઈફ બીનાએ આઉટ ડોર વિડિયો શૂટ કરાવેલું. ત્યારે ફોટો શૂટ કરાવતી વખતે એક ઉત્સાહ આવી ગયેલો. અમે પતિ – પત્નીને આ ઉંમરે ફોટો-શૂટ માટે થોડો સંકોચ થતો હતો પણ પછી ખૂબ મજા આવી હતી. વિડિયો શૂટ પલસાણા અને સુવાલી બીચ પર કાર અને જીપમાં બેસીને કરવામાં આવ્યું હતું. 1991માં જ્યારે મારા મેરેજ થયા હતા, ત્યારે મારી પાસે પૈસા નહીં હતા. એ જમાનામાં પ્રી – વેડિંગ ફોટો શૂટની કલ્પના પણ નહીં હતી. ભલે તે સમયમાં પ્રી – વેડિંગ શૂટનો જમાનો નહીં હતો પણ મેં અને મારી વાઈફ બીનાએ હવે અમારી ઈચ્છા પૂરી કરી છે. સમાજે પણ આ નવા ટ્રેન્ડ તરફ સકારાત્મક ભાવ બતાવેલો. મારા દીકરાને એક બેબી છે અને દીકરીને એક બાબો છે. અમારી લાઈફમાં હું અને મારી પત્ની નાની – નાની સુખદ ક્ષણોને માણી લઈએ છીએ.

સુરતમાં આફ્ટર રિટાયરમેન્ટ ફોટો શૂટ ખૂબ ઓછા લોકોએ કરાવ્યું છે. : નિશાંત મશરૂવાલા
આફ્ટર રિટાયરમેન્ટના કપલ્સના આઉટ ડોર ફોટો શૂટ કરતા ફોટોગ્રાફર નિશાંત મશરૂવાલાએ જણાવ્યું કે આ નવો ટ્રેન્ડ છે જે 3 – 4 વર્ષ પહેલા જ શરૂ થયો છે. દીકરા – દીકરીના પ્રી – વેડિંગ ફોટો શૂટ જોવા આવતા માતાપિતાને પણ આવા ફોટો શૂટ કરાવવાની ઈચ્છા થાય છે પણ સુરતમાં આફ્ટર રિટાયરમેન્ટ ફોટો શૂટ ખૂબ ઓછા લોકોએ કરાવ્યું છે. તેમના માટે આ એક ફન મોમેન્ટ હોય છે. વ્યસ્ત શિડયુલમાંથી આવી ક્ષણો માટે ટાઈમ કાઢવાનો મોકો મળે છે અને જીવનભરની યાદગાર ક્ષણો બની જાય છે.

ફિલ્મના અભિનેતા – અભિનેત્રી જેવી ફીલિંગ આવી હતી : રજનીકાંત ઘારીવાલા
શહેરના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા 58 વર્ષની ઉંમરના અને બિઝનેસમેન સાથે જોડાયેલા રજનીકાંતભાઈ ઘારીવાલાએ જણાવ્યું કે 2 વર્ષ પહેલા તેમના દીકરા અભિષેકના મેરેજ થયા હતા. ત્યારે દીકરાએ કહ્યું કે પપ્પા મારા મેરેજની સાથે તમે પણ મમ્મી સાથે ફોટો શૂટ કરાવો. મારી તો આની ઈચ્છા તો હતી જ. તેમાં દીકરાએ આઉટ ડોર ફોટો શૂટનું કહ્યું તો મને તો દીકરાની પ્રસ્તાવના ગમી ગઈ. મારી વાઈફ ભાવનાએ પણ તેમાં સહર્ષ સહમતી આપી. બાકી સમાજ શું કહેશે એનો વિચાર કરવાની મારે કોઈ જરૂર નહીં હતી. ફોટોશૂટ નવસારીના સાતેમ ગામ અને ઉભરાટના દરિયા કિનારે થયું હતું. હું મોટરસાઇકલ ચલાવતો હતો અને મારી વાઈફ પાછળની સીટ પર મને વળગીને બેઠી હતી. ગીત હતું ‘‘જનમ – જનમ કા સાથ હો હમારા તુમ્હારા’’ આ ગીતને લઈને અમારું ફોટો શૂટ થતું હતું, ત્યારે મને ફિલ્મના હીરો જેવી અને વાઈફને ફિલ્મી અભિનેત્રી જેવી ફીલિંગ આવી હતી. ફોટોગ્રાફર અમને થોડું ઘણુ ગાઈડન્સ આપતા હતા કે કઈ રીતે એક્ટ કરવાનું છે. મારા અને ભાવનાના લગ્ન 1989માં થયા હતા. ત્યારે મારી આર્થિક સ્થિતિ કોઈ ખાસ સારી નહીં હતી અને વિડિયો અને ફોટોનું ચલણ પણ ઓછું હતું. વાઈફનું કહેવું પણ હતું કે ચાલોને હવે આ ઇચ્છા પૂરી કરેઅે. દીકરાના મેરેજ ચાલતા હતા ત્યારે સ્ક્રીન પર અમારું ફોટો શૂટ પણ બતાવેલું અને મહેમાનોએ તેને નિહાળીને કહ્યું હતું કે આ નવું અનોખું પણ સરસ થયું છે.

Most Popular

To Top