Columns

હસ્તમૈથુનથી વ્યક્તિ નામર્દ થઈ જાય છે?

# સમસ્યા: મારી ઉંમર 25 વર્ષની છે અને હું MBAમાં અભ્યાસ કરું છું. મારી સમસ્યાથી ખૂબ જ પરેશાન છું. મારી સમસ્યા એ છે કે મારું લિંગ નાનું છે. જેની લંબાઇ 10-11 Cmની આસપાસ છે. મારી ખોટી આદતને લીધે લિંગ નાનું થઇ ગયેલ છે.  મને આ કુટેવ નાનપણથી જ પડી ગયેલ છે અને હજી પણ છે. ઉપર મારી લિંગની જે લંબાઇ લખી છે એ ઉત્તેજીત અવસ્થા વખતની છે. નહીંતર એની લંબાઇ એનાથી પણ નાની છે. મેં એક ચોપડીમાં વાંચ્યું હતું કે ઓછામાં ઓછી લંબાઇ 14 Cmની હોવી જોઇએ. મિત્રો કહે છે કે હસ્તમૈથુનથી વ્યક્તિ નામર્દ થઇ જાય છે. નપુંસકતા આવી જાય છે અને તે વ્યક્તિના શુક્રાણુ નષ્ટ થઇ જાય છે. મારા લગ્ન ટૂંક સમયમાં છે. મને માનસિક રીતે આ જ સવાલો ઉદભવતા હોય છે કે શું હું મારી પત્નીને શારીરિક સુખ આપી શકીશ? આ ચિંતાના લીધે મારું શરીર પણ સુકાઇ ગયું છે. 2-4 સેક્સોલોજીસ્ટને બતાવી ચૂક્યો છું. તે મને દવાનો ખર્ચ 6000 થી 10000 સુધી બતાવે છે. હું આટલા પૈસા ખર્ચી શકું તેમ નથી. તમે યોગ્ય દવા બતાવશો.

# ઉકેલ: સૌ પ્રથમ તો જાણી લો કે હસ્તમૈથુન એક આદત છે. બીમારી નથી. જિંદગીમાં મોટાભાગના પુરુષો અને ઘણી બધી સ્ત્રીઓએ ક્યારેક ને ક્યારેક તો હસ્તમૈથુન કરેલ જ હોય છે. જો હસ્તમૈથુનથી નપુંસકતા આવતી હોય કે શુક્રાણુ નષ્ટ થતા હોય તો ભારત દેશની વસ્તી આટલી વધી જ ના હોત. હસ્તમૈથુન યોગ્ય રીતે થાય તો તે હંમેશાં ફાયદાકારક જ હોય છે. પુરુષની ઇન્દ્રિયની લંબાઇ ઉત્તેજીત અવસ્થામાં 5 Cm.ની હોય તો તે સ્ત્રીના જાતીય સંતોષ માટે પૂરતી છે કારણ કે સ્ત્રીના યોનિમાર્ગની લંબાઇ 15 Cm. છે પણ તેમાં જિંદગી એટલે કે સેન્સેશન બહારના ભાગમાં અને આગળના 5 Cm.માં જ છે. બિનઉત્તેજીત અવસ્થામાં ઇન્દ્રિયનું કામ માત્ર પેશાબ કરવાનું જ છે માટે તે સમયે તેની લંબાઇ 1 Cm. હોય તો પણ કોઇ જ ફરક પડતો નથી. જે રીતે નાક લાંબું કરવાથી બીજાથી વધારે ઓક્સિજન લઈ શકાતો નથી, કાન લાંબો કરવાથી વધારે સાંભળી શકાતું નથી તે જ રીતે જો ઇન્દ્રિયની લંબાઇ ઉત્તેજીત અવસ્થામાં 5 Cm.ની હોય તો લંબાઇ વધારવાથી સ્ત્રીના જાતીય સંતોષમાં કોઇ જ ફરક પડતો નથી. આ ઉપરાંત આ દુનિયામાં કોઇ દવા કે તેલથી ઇન્દ્રિયની લંબાઇ વધી શકતી નથી. માત્ર ઓપરેશન દ્વારા જ ફાયદો થઇ શકે માટે આપે જે ડૉક્ટરને બતાવેલ છે તે મને લેભાગુ લાગે છે. તમે  કોઇ જ ચિંતા વગર લગ્ન કરી લો. લગ્નજીવનની શરૂઆત પ્રેમ અને વિશ્વાસથી થાય છે. નહીં કે ઇન્દ્રિયની લંબાઇના આધારે.

પેટ ઉપર સફેદ પટ્ટાઓ દેખાય એ સ્ત્રીને પહેલા ગર્ભ રહ્યાો હશે?
# સમસ્યા: હું ખરેખર ખૂબ જ મુંઝાઇ ગયો છું. શું કરવું તે ખબર પડતી નથી મારા વિવાહ 2 મહિના પહેલાં સુરતમાં જ થયા છે. મને છોકરી ખૂબ જ ગમે છે. ગયા અઠવાડિયે તે મારા ઘરે આવેલ. એ દરમ્યાન મને ખ્યાલ આવ્યો કે તેના પેટના ભાગમાં ચામડી ઉપર સફેદ પટ્ટાઓ દેખાય છે. મેં મારા મિત્રની પત્નીને આ વિશે પૂછી જોયું તો તેણે જણાવ્યું કે પ્રસૂતિ પછી આ પટ્ટા મોટાભાગની સ્ત્રીઓમાં જોવા મળે છે. તો મારી પત્નીને પહેલા ગર્ભ રહ્યો હશે? આપ જ કહો આ વાત ઘરના વડીલોને કેવી રીતે કહું? અને જો ના કહું તો આખી જિંદગી મનમાં ને મનમાં જ દુ:ખી થતો રહું. આ વાત જાણ્યા પછી મને રાતે ઊંઘ નથી આવતી કે કોઇ જ વાતમાં રસ પડતો નથી. મારી મુંઝવણનો સચોટ જવાબ આપવા વિનંતી.

# ઉકેલ: તમારા મિત્રના પત્નીએ તમને જે જણાવ્યું કે પ્રસૂતિ પછી સ્ત્રીના પેટ ઉપર સફેદ પટ્ટાઓ દેખાય એ વાત સાચી છે પરંતુ આવા પટ્ટાઓ પડવાનું આ જ માત્ર એક કારણ નથી. આજના જમાનામાં છોકરીઓ  પોતાની કમર પેન્સિલ જેટલી પાતળી હોય તેમ ઇચ્છતી હોય છે. જેથી તેઓ ડાયટિંગ કરી વજન ઉતારે છે. તેના કારણે પણ આવા પટ્ટાઓ દેખાઇ શકે છે. શક્ય છે આ નિશાનીઓ શરીરના બીજા ભાગ પર પણ દેખાય. આવા પટ્ટાઓ ડાયટિંગ કરી વજન ઉતારેલ પુરુષોમાં પણ જોવા મળે છે. કેટલીક વાર સ્ત્રી હોર્મોન્સના પ્રમાણમાં અસાધારણ વધધટ થાય તો પણ આવા પટ્ટા દેખાઇ શકે છે માટે તમારી ભાવિ વાગદત્તાના પેટ ઉપર જોયેલા પટ્ટાને શંકા અને ચિંતાનો વિષય બનાવવાની જરૂર નથી. લગ્નજીવનની શરૂઆત વિશ્વાસથી થાય તે જરૂરી છે.

લેઝર ટેક્નિક દ્વારા સુન્નતનું ઓપરેશન
# સમસ્યા: હું સુરતનો વતની છું. મારી ઉંમર 24 વર્ષની છે. મારા શિશ્નની અગ્ર ત્વચા પાછળ જતી નથી. તમે એક વખત લેખમાં જણાવેલ કે આના માટે સુન્નતનું ઓપરેશન કરાવવું પડે. જાતે બ્રાહ્મણ હોવાથી ઘરવાળા આ ઓપરેશનની ના પાડે છે. આ ઓપરેશન માટે કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે અને તેનો ખર્ચ શું? મારા લગ્ન ટૂંક સમયમાં છે તો મારે આ ઓપરેશન પછી શું સંભાળ રાખવાની જરૂર છે? 

# ઉકેલ:  સુન્નતનું ઓપરેશન બે પ્રકારે થાય છે. એક સંપૂર્ણ સુન્નત કે જેમાં ધાર્મિક કારણોસર આગળની અગ્ર ત્વચા જન્મ પછી થોડાક દિવસોમાં દૂર કરવામાં આવે છે અને ઘણી વાર અગ્ર ભાગ અને નીચેના ભાગને જોડતી ચામડી જેને મેડિકલ ભાષામાં ફેનમ કહેવામાં આવે છે. જે અમુક વ્યક્તિઓમાં ટૂંકી હોય છે. આવી વ્યક્તિઓમાં આ ચામડી પ્રથમ વાર સંભોગ વખતે તૂટી જવાની સંભાવના રહેલ છે. જો માત્ર આ ચામડી દૂર કરવામાં આવે તો તેને હિન્દુ સુન્નતનું ઓપરેશન કહેવામાં આવે છે. ડૉક્ટરી તપાસ બાદ જ નક્કી કરી શકાય કે આપના માટે ક્યું ઓપરેશન કરી શકાય. હવે તો આ સુન્નતનું ઓપરેશન બિલકુલ આધુનિક નવી લેઝર ટેક્નિકથી કરવામાં આવે છે. લેઝરથી ઓપરેશન કરવાથી કોઈ ટાંકા નથી આવતા, ડ્રેસિંગ કરવાની જરૂર નથી પડતી અને ઓપરેશન પછી શિશ્નનો દેખાવ પણ સરસ લાગે છે. આ ઓપરેશનમાં 10 મિનિટ જેટલો સમય લાગે છે અને 4 કલાકમાં તમે ઘરે જઇ શકો છો. બીજા દિવસથી નોર્મલ કામકાજ પણ કરી શકો છો. સરકારી હોસ્પિટલમાં લેસર વગરનું ટાંકાવાળું ઓપરેશન મફત થાય છે. આ ઓપરેશન બાદ આશરે  દોઢ મહિના સુધી જાતીય જીવનથી દૂર રહેવું જોઇએ. બાકી બીજી કોઇ પણ તકેદારીની જરૂર નથી. 

સ્ત્રીઓમાં સફેદ પાણી પડવાનું વધી જતું હોય છે.
# સમસ્યા: મારી ઉંમર 32 વર્ષની છે. પત્નીની ઉંમર 29 વર્ષની છે. અમારે 3 બાળકો છે. મારી પત્નીને નીચેથી સફેદ છાશ જેવો પ્રવાહી પદાર્થ નીકળે છે? શું આ ગુપ્ત રોગ થવાની નિશાની છે? શું મને પણ આ ચેપ લાગી શકે છે?  કોઇને કહી પણ શક્તો નથી. પત્નીને પણ પૂછી શક્તો નથી.
# ઉકેલ: આપના પત્નીના યોનિમાર્ગમાંથી સફેદ છાશ જેવો પ્રવાહી પદાર્થ વહે છે તે ગુપ્ત રોગની નિશાની નથી. આને ‘લ્યુકોરિયા’ અર્થાત્ શ્વેતપ્રદર કહે છે. આ એક ફંગલ ચેપ છે.  જે મોટાભાગની સ્ત્રીઓ તેમની જિંદગીમાં અનુભવતી હોય છે. ઘણી વાર ટેન્શન, ગુસ્સો, ગરમી અથવા તો ટ્રાવેલીંગના કારણે સફેદ પાણી પડવાનું વધી જતું હોય છે. સ્ત્રી-પુરુષ બેમાંથી એકને ગુપ્ત રોગ થયો હોય અને જાતીય સંબંધ નિરોધના પ્રયોગ વગર રાખે તો તેનો ચેપ બીજાને ચોક્કસ લાગી શકે છે. આના માટે આપના પત્નીને તેમના સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પાસે લઇ જાવ અને યોગ્ય તપાસ પછી એમના ગાયનેકોલોજિસ્ટ એન્ટી ફંગલ દવાઓનો કોર્સ લખી આપશે. આ ગુપ્ત રોગ નથી માટે આપને થવાની શક્યતા નથી.  ચિંતા કરવાની જરૂર નથી.

સગર્ભાવસ્થા અને સેકસ..
સમસ્યા: મારા પત્નીને પ્રથમ વાર ગર્ભ રહેલ છે. તો મારે સેકસલાઇફ વિશે જાણવું છે કે કેટલા મહિના સુધી સેકસ સંબંધ બાંધી શકાય? અને જો સંબંધ ના રખાય તો તેનાં કારણો જણાવવા વિનંતી.
# ઉકેલ: સામાન્ય રીતે જો સ્ત્રીને પાણી પડવું, સ્પોટીંગ થવું જેવી તકલીફ હોય અથવા કોઇ પણ કારણસર ડૉક્ટરે સેક્સની ના પાડેલ હોય તો સેક્સથી પૂરા નવ મહિના દૂર રહેવું જોઇએ. જે સ્ત્રીઓને પહેલાં 3-4 વાર ગર્ભપાત થયેલ હોય તેવી સ્ત્રીઓએ પણ ગર્ભાવસ્થા દરમિયાન પૂરેપૂરા 9 મહિના જાતીય જીવનથી દૂર રહેવું જોઇએ. બાકી જો કોઇ ઉપરોક્ત તકલીફો ના હોય તો છેલ્લા દિવસ સુધી તમે જાતીય જીવન માણી શકો છો. સાતમા મહિનાથી સ્ત્રીના પેટ ઉપર વજન ના આવે તે આસનોનો પ્રયોગ હિતાવહ છે. અત્રે નોંધવું જરૂરી છે કે દરેક કેસ સ્ત્રીરોગ ડૉક્ટરની સલાહ મુજબ જ અવલોકવો જોઇએ અને તેમની સલાહ બાદ જ આગળ વધવું જોઇએ. સંબંધ ન રાખવાની સલાહ માત્ર એબોર્સન-ગર્ભપાત ના થાય એટલા માટે જ આપવામાં આવે છે.

Most Popular

To Top