Gujarat Main

સોખડામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે ઝપાઝપી, એક સંતે બીજા સંતનો કાંઠલો પકડી લીધો


વડોદરા: (Vadodara) વડોદરા શહેરની નજીક આવેલા સોખડા (Sokhda) હરિધામના (Haridham) સંતોનો આંતરિક ઝઘડો ફરી એકવાર સપાટી પર આવ્યો છે. અહીં એક સંતે મંદિરના પરિસરમાં જ અડધી રાત્રે બીજા સંતનું ગળું પકડી ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ થયા છે. વાત એટલી વણસી છે કે કેટલાંક હરિભક્તો સંત સાથેના ગેરવર્તનના મામલે વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપનાર હરિભક્તોએ કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માગ કરી છે. હરિભક્તોનો આક્ષેપ છે કે ગઈકાલે સોમવારે રાત્રે સોખડા હરિધામના સંત પ્રબોધસ્વામી સાથે ગેરવર્તન થયું છે. સરલસ્વામી દ્વારા પ્રબોધસ્વામીને ધક્કો મારી ગળું દબાવવામાં આવ્યું છે. સરલસ્વામીએ પહેલીવાર આવું નથી કર્યું, તેઓ આ પહેલાં પણ ગાળો બોલી ધમકી આપી ચૂક્યા છે, જેનો વીડિયો પુરાવારૂપે હોવાનો હરિભક્તોએ દાવો કર્યો છે. આ સાથે જ હરિભક્તો દ્વારા વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર સોંપી ન્યાયની માંગણી કરાઈ છે. હરિધામ સોખડાના કોઠારી પદે હાલ પ્રેમસ્વરૂપ સ્વામી છે તેઓને ખસેડવા માંગ કરાઈ છે. હરિભક્તોનો આક્ષેપ છે કે પ્રેમસ્વામી સોખડા હરિધામની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યાં છે.
હરિભક્તોએ વડોદરા ઉપરાંત દરેક જિલ્લામાં કલેક્ટર અને તાલુકા સ્તરે રજૂઆતો કરવાનું નક્કી કર્યું છે. શાંતિથી ભજન અને અસહકારનું આંદોલનનો કાર્યક્રમ વ્યથિત હરિભક્તો દ્વારા ઘડવામાં આવ્યો છે.

હરિભક્તોએ વધુમાં કહ્યું હતું કે, પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી સાથે મળીને વહીવટ સંભાળે તેવું નક્કી થયું હતું પરંતુ હવે અમારે તેમ કરવું નથી. માત્ર પ્રબોધસ્વામી જ વહીવટ ચલાવે તેવી અમારી ઈચ્છા છે.

શું થયું હતું રાત્રે?
એક અંબરીશ દીક્ષાર્થીએ કહ્યું કે, ગઈકાલે રાત્રે 12.30 કલાકની આસપાસ પ્રબોધસ્વામી અનિર્દેશ ખંડથી યોગી આશ્રમ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે માર્ગમાં સરલસ્વામીએ પ્રબોધસ્વામીને ટોકતા કહ્યું હતું કે, અમે બોલાવીએ છીએ છતાં તમારા સેવકો સેવા કરવા કેમ આવતા નથી? આવું કહી સરલસ્વામીએ પ્રબોધસ્વામીનો કાંઠલો પકડી લીધો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા કહ્યું હતું કે, મંદિરમાંથી બહાર નીકળી જાવ, અમને તમારી કોઈ જરૂર નથી. ત્યારે ત્યાગ સ્વામીએ પણ કહ્યું હતું કે, તમને જોઈ લેશું. આ ઘટના બાદ મામલો થાળે પડી ગયો હતો, પરંતુ પ્રબોધસ્વામીના નિકટના હરિભક્તો રોષે ભરાયા હતા અને આજે વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

આ અગાઉ 6 જાન્યુઆરીએ પણ ઝઘડો થયો હતો
આ અગાઉ 6 જાન્યુઆરીએ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં એક હરિભક્તને માર માર્યાનો બનાવ બન્યો હતો. મંદિર પરિસરમાં યોગી આશ્રમ તરફથી કેટલાક ભાઈઓ અને બહેનો જોરથી અવાજ કરતા હોઈ અનુજ નામનો હરિભક્ત મિત્રો સાથે જોવા માટે બહાર નીકળ્યો હતો, ત્યારે તમે કેમ બહાર નીકળ્યા તેમ કહીને તેઓને ખખડાવ્યા હતા. ત્યારબાદ પ્રભુ પ્રિય સ્વામી પાસે આવીને તે કેમ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો છે તેમ કહી મોબાઈલ ઝુંટવ્યો હતો અને ત્યારબાદ હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી અને સ્વામી સ્વરૂપ સ્વામીએ તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો અને મનહર સોખડાવાળાએ પણ માર માર્યો હતો ત્યારબાદ પ્રભુ પ્રિય સ્વામીએ તેમની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને તે જીવ બચાવીને ઓફિસમાં દોડીને જતો રહ્યો હતો. ત્યાર પછી તેમણે પોલીસને બનાવની જાણ કરી હતી.

Most Popular

To Top