Gujarat

હાર્દિક પટેલે કેસરીયો ખેસ ધારણ કર્યો, કહ્યું હું સૈનિકની ભૂમિકામાં છું

ગાંધીનગર: પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તેમણે કહ્યું કે હું ભાજપમાં (BJP) જોડાયો નથી આ મારી ઘરવાપસી છે. હાર્દિક પટેલે આજે સવારે તેમના નિવાસસ્થાને દુર્ગાપાઠ પૂજન કર્યું હતું. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો થયા બાદ તેઓ કમલમ ખાતે કેસરીયો ધારણ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે કેસરીયો ખેસ પહેર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસમાં તમામ પદ પરથી રાજીનામાં આપ્યા બાદ હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવી છે. કેસરીયો ખેસ ધારણ કર્યા બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મેં આંદોલન દરમિયાન અનેક ચઢાવ ઉતાર જોયાં, 2015માં એક આંદોલનની શરૂઆત થઈ હતી. હું કોંગ્રેસમાં જનહિતની ભાવના સાથે જોડાયો હતો. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે કેન્દ્રની ભાજપ સરકારે કલમ 370 હટાવી ત્યારે મેં સમર્થન કર્યું હતું. રાષ્ટ્રના હિતની વાત હોય ત્યારે હંમેશા રાજા નહીં સૈનિકની ભૂમિકામાં છું. હું ઘરવાપસી નથી કરતો અમે ઘરમાં જ હતા.

ઘરવાપસી બાદ ઘરનો દીકરો મા-બાપ પાસે માંગણી કરે છે
હાર્દિકે પાટીદાર અનામત આંદલોનમાં શહીદ માટે કહ્યું કે પાટીદાર આંદોલનમાં શહિદ થયેલા લોકોના પરિવારને મદદ કરીશું. તેમને નોકરી આપવા પ્રયાસ કરીશું, અમે સરકારને પણ કહીશું કે મદદ કરે. ઘરવાપસી બાદ ઘરનો દીકરો માં બાપ પાસે માંગણી કરે છે. રાજ્ય સરકાર પાસે માંગણી કરે છે. આંદોલન ભલે સરકાર સામે ચાલ્યું અને પુરૂં પણ સરકારે જ કર્યું છે.

હાર્દિકે ટ્વીટ કર્યું હતું કે રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.

18 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા તેમનું આ પગલું કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. કોંગ્રેસ છોડતા પહેલા હાર્દિકે પાર્ટી ચીફ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટીની નીતિ અંગે ઉગ્ર વાત કરી હતી.

રાજીનામા પત્રમાં કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાંધ્યો હતો
પોતાના રાજીનામાના પત્રમાં હાર્દિકે લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પુરતી જ સીમિત રહી ગઈ છે જ્યારે દેશની જનતાને વિપક્ષ નહિ પણ તેમના ભવિષ્ય વિશે વિચારતો વિકલ્પ જોઈએ અને આપણા દેશને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં આગળ લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની વાત હોય, દેશ લાંબા સમયથી તેમનો ઉકેલ ઈચ્છે છે. પરંતુ, કોંગ્રેસ આમાં માત્ર અડચણરૂપ જ કામ કરતી રહી. કોંગ્રેસનું વલણ માત્ર કેન્દ્રનો વિરોધ કરવા પુરતું જ સીમિત હતું.

Most Popular

To Top