Charchapatra

અણઘડ વહીવટ

સુરત મ્યુ. કૉર્પોરેશનના રોડ રિપેરિંગ અને ડ્રેનેજ વિભાગ અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો પૂરો પાડી રહ્યા છે. મ્યુ. કૉર્પોરેશન જે કામ હાથ પર લે તે પ્રજાહિત માટે જ હાથ પર લેતી હોય, પણ જે કામ આયોજનબદ્ધ રીતે અને તબક્કાવાર થવું જોઈએ તે બધું એકસાથે હાથ પર લે છે, પરિણામે પ્રજાને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે, એટલું જ નહીં ટ્રાફિક જામ થવાનો પ્રશ્ન ઊભો થાય છે. પ્રજાને સગવડ આપવાનાં કામો અગવડરૂપ સાબિત થાય છે. ઉદાહરણ જોવું હોય તો હમણાં જ જાણવા મળેલી સાચી હકીકત પ્રમાણે ૧. ભાગળના બુંદેલાવાડ ખાતે ડ્રેનેજ લાઇનના કામ માટે એર ઇન્ડિયા સુધીનો માર્ગ બંધ છે. ૨. ભાગળથી ચોર્યાસી ડેરીથી અંબાજી માતા મંદિર, ખપાટિયા ચકલા સુધીના માર્ગને વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નાખવા ૧૧ ફેબ્રુઆરી સુધી  બંધ જાહેર કરવામાં આવ્યો છે. ૩. સગરામપુરા તલાવડી રોડ પર ડ્રેનેજ લાઇન નાખવા  ૪૫ દિવસ માર્ગ બંધ. ૪. બેગમપુરા પતરાની ચાલ ખાતે પણ ડ્રેનેજ લાઇન નાખવા માટે રસ્તો બંધ કરાયો છે.૫. સેન્ટ્રલ ઝોનમાં મેટ્રોની કામગીરી માટે નાનપુરા રંગઉપવનથી ચોક બજાર અને મુગલીસરા ક્રાઇમ બ્રાન્ચ માર્ગ પણ બંધ હોવાથી વાહનચાલકો ટ્રાફિકજામના લીધે તોબા પોકારી ઊઠ્યા છે.   આ બધાં કામો એકસાથે નહીં, પણ તબક્કાવાર જ હાથ પર લેવાવાં જોઇએ કારણકે આ બધા  વિસ્તારો આજુબાજુમાં અને એકબીજા સાથે સંકળાયેલા છે. તેને લીધે પ્રજાએ પારાવાર હાલાકી  અને બિનજરૂરી ટ્રાફિક જામ નો સામનો કરવો પડી  રહ્યો છે અને આ બધાં કામો એક બે દિવસમાં નહીં  ખાસ્સા દોઢ બે મહિના અથવા તેના કરતાં વધુ  સમય ચાલુ રહેવાનાં છે. તંત્રો તો કોઇ રીતે સુધરે એવું લાગતું નથી એટલે પ્રજાએ હાલાકી ભોગવવા  સિવાય છૂટકો નથી અને ટ્રાફિક જામથી ટેવાઈને કિંમતી સમય બરબાદ કરવો જ પડશે એવું લાગ્યા વગર રહેતું નથી.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top