Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 421
SURAT

સુરત પોલીસ એક્શન મોડમાંઃ કુખ્યાત સજ્જુ કોઠારીના ઘર પર હથોડા ઝીંકાયા

શહેરમાં માથાભારે રાહુલ એપાર્ટમેન્ટનાં ત્રણ ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવ્યા ભાદ આજે કુખ્યાત સજુ કોઠારીનાં ગેરકાયદેસર બાંધકામ પર હથોડા ઝીંકવામાં આવ્યા હતા.

સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સેન્ટ્રલ ઝોનનાં સ્ટાફ દ્વારા ગુજસીટોના આરોપી અને સમગ્ર શહેરમાં માથાભારેની છાપ ધરાવતાં સજ્જુ કોઠારીનાં ઘરના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો દૌર શરૂ થયો હતો. બીજી તરફ ટોરેન્ટ પાવર દ્વારા પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર કનેકશનો અંગેનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ ખાતે વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યમાં કાયદો -વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર પોલીસ તંત્ર પર માછલાં ધોવાયા હતા. આ સ્થિતિ વચ્ચે રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકમાં સમગ્ર રાજ્યના કુખ્યાત અસામાજીક તત્વોની યાદી તૈયાર કરીને જરૂરી પગલાં ભરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે.

ડીજીપી વિકાસ સહાયની લાલ આંખને પગલે સફાળી જાગેલી સુરત પોલીસ દ્વારા ગત રોજ હત્યા સહિત 22થી વધુ ગુનામાં સંડોવાયેલા રાહુલ પીપળે ઉર્ફે રાહુલ એપાર્ટમેન્ટનાં સરકારી આવાસની પાસે ઊભા કરવામાં આવેલ ત્રણ મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

જ્યારે આજે સવારે નાનપુરામાં જમરૂખ ગલીમાં રહેતા અને જુગાર સહિત અનેક અસામાજીક પ્રવૃત્તિમાં સંડોવાયેલ સજ્જુ કોઠારીનાં મકાનમાં ગેરકાયદેસર હિસ્સાના ડિમોલીશનની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં સેન્ટ્રલ ઝોનનાં દબાણ ખાતાનાં કર્મચારીઓ દ્વારા સજુ કોઠારીનાં ગેરકાયદેસર મકાનનાં હિસ્સાને ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીની ભરપેટ પ્રશંસા કરી હતી.

બીજી તરફ ટોરેન્ટ પાવર દ્વારા પણ ઝમરુખ ગલી અને આસપાસના વિસ્તારમાં સધન ચેકિંગ અભિયાન હાથ ધરીને ગેરકાયદેસર વીજ કનેકશનો અંગેની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top