SURAT

સુરતની પાલનપુર કેનાલના આ દ્રશ્યો જોઈ ગણપતિ બાપ્પાના ભક્તોનું લોહી ઉકળી ઉઠ્યું

સુરત(Surat) : શહેરમાં વધુ એક વખત ગણેશોત્સવના (Ganesh Utsav) તહેવારની સાથે જ કહેવાતા શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીજીની પ્રતિમાનું નહેરના પાણીમાં વિસર્જન કરવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. નહેરના છીછરા પાણીમાં ગણેશજીની પ્રતિમાઓને રઝળતી મુકીને કહેવાતા શ્રદ્ધાળુઓ રવાના થતાં હવે આ પ્રતિમાઓની પુનઃ વિસર્જનની કામગીરી કરવી પડી હતી. શહેરના પાલનપોર ખાતે આવેલ કેનાલમાં અસંખ્ય પ્રતિમાઓ મળી આવતાં ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો પણ દોડતા થઈ ગયા હતા.

સુરત શહેર – જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ તહેવાર દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીજીની પ્રતિમાના વિસર્જન દરમિયાન ધરાર લાપરવાહી દાખવવામાં આવતી હોય છે. જેને પગલે લોકોમાં આ પ્રકારની ઘટનાઓને કારણે ભારે રોષ ફાટી નીકળતો હોય છે. ગત વર્ષે ખરવાસા નહેરમાં પણ સેંકડો પ્રતિમાઓ રઝળતી હાલતમાં મળી આવી હતી ત્યારે આ વર્ષે પાલનપુર ખાતે આવેલ કેનાલમાં પણ લોકો દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું.

જેને પગલે ત્યાંથી પસાર થનારાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. એક તરફ વહીવટી તંત્ર દ્વારા નદી અને નહેરમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે આ પ્રકારની ઘટનાને કારણે દુંદાળા દેવની પાંચ – દસ દિવસ સુધી ભારે પૂજા અર્ચના બાદ આ રીતે વિસર્જન કરનારાઓ વિરૂદ્ધ હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી પણ માંગણી ઉઠવા પામી છે.

ગણેશ ઉત્સવ સમિતિએ પુન:વિસર્જન કરાવ્યું
ગણેશ ઉત્સવ સમિતિના અનિલ બિસ્કીટવાલાએ કહ્યું કે, પાલનપુર ક્રોસ કેનાલ રોડ સંકલ્પ સોસાયટી પાસે આવેલી નહેરમાં શ્રીજીની પ્રતિમાનું અર્ધ વિસર્જન કરાયું હતું. આ અંગે જાણ થતાં જ અમે દોડી ગયાં હતાં. ભક્તોની લાગણી દુભાઈ તે રીતે ગણપતિની પ્રતિમાઓ રઝળતી હાલતમાં અહીં જોવા મળી હતી. જેથી ડેપ્યુટી ક્લેક્ટરને જાણ કરતાં તેમણે ટીમ મોકલીને પ્રતિમાઓને નહેરમાંથી કાઢી યોગ્ય જગ્યાએ વિસર્જિત કરાવી હતી.

ગમે ત્યાં પ્રતિમાનું વિસર્જન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
અનિલ બિસ્કીટવાલાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, તંત્ર દ્વારા કેનાલ કે તળાવ સહિતના જાહેર જગ્યાએ વિસર્જન ન કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. તેમ છતાં લોકો પોતાની અણસમજ દર્શાવતા હોય તે રીતે ભગવાનની પ્રતિમાનું આ રીતે વિસર્જન કરે તે યોગ્ય નથી. આ પ્રકારે વિસર્જન કરવાથી જે ભગવાનને ઘરે રાખ્યા તેની હાલત આવી જાતે કરવી યોગ્ય નથી. હજુ લોકો નહીં સમજે તો આગામી દિવસોમાં કડક પગલાં લેવામાં આવશે.

Most Popular

To Top