National

ભારતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાવાનું શરૂ જોકે ઓક્ટોબરની આ તારીખ સુધી વરસાદ રહેશે

નવી દિલ્હી: (New Delahi) ભારતના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાંથી ચોમાસું (Monsoon) પાછું ખેંચવાનું શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગે સોમવારે આ જાણકારી આપી. એવું કહેવામાં આવ્યું છે કે આ વખતે ચોમાસું પાછું સામાન્ય કરતા આઠ દિવસ મોડું છે. અગાઉ તેની કટઓફ તારીખ 17મી સપ્ટેમ્બર માનવામાં આવતી હતી અને 15મી ઓક્ટોબર સુધીમાં તે સંપૂર્ણપણે ભારતથી પરત ફરતું હતું. હવામાન વિભાગ (Meteorology department) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ ગઈ છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારમાંથી ચોમાસું પાછું ખેંચાય છે.

  • ભારતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાનું શરૂ
  • ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં એક નવી ચક્રવાત સિસ્ટમ બની રહી છે
  • નવી સિસ્ટમને કારણે સપ્ટેમ્બરના અંતમાં અને ઓક્ટોબરના પ્રારંભમાં પૂર્વ કિનારા પર થશે ભારે વરસાદ

સોમવારથી ચોમાસું પાછું ખેંચવાનું શરૂ થયું છે. દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં હવામાન ખુશનુમા છે. સવારના સમયે ગુલાબી ઠંડકનો અહેસાસ થાય છે. દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. જો કે ઉત્તર-પૂર્વ સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ રહેશે. ચાર મહિનાની ચોમાસાની મોસમ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે પરંતુ પાછી ખેંચવાની પ્રવૃત્તિ સામાન્ય રીતે 15 ઓક્ટોબર સુધી ચાલુ રહે છે. ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં એક નવી ચક્રવાત સિસ્ટમ બની રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આ સિસ્ટમ સપ્ટેમ્બરના અંતમાં અને ઓક્ટોબરના પ્રારંભમાં પૂર્વ કિનારા પર ભારે વરસાદ લાવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 સપ્ટેમ્બરે આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન થવાની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ 30 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની નજીકના પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે. IMD એ જણાવ્યું હતું કે ત્યાર બાદ તે ક્રમશ: તીવ્ર બનવાની શક્યતા સાથે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

આ તરફ આગામી 24 કલાક દરમિયાન બિહાર, ઝારખંડ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ તેની તીવ્રતામાં ઘટાડો થશે. આ જ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને તેની નજીકના કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

Most Popular

To Top