Comments

‘સી.એમ.સાહેબ’ ગુજરાત ઓક્સિજન વગર મરે કે ના મરે પણ રોજગારી વિના ગુજરાતીઓ મરી જશે…!

ગુજરાતના મુખ્યમંત્રીએ એક સંબોધનમાં એવું કહ્યું કે ગુજરાતમાં ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી, એમનું આ નિવેદન એમના કહેવાતા સચોટ અધિકારીઓએ આપેલા ડેટાના આધારે હોય તો કદાચ આ મોટી ભૂલ છે, એમનું આ નિવેદન એમના રાજકીય ફીડબેકને આધારે હોય આ એમની રાજકીય કોઠાસૂઝની નિષ્ફળતા છે. આ નિવેદન જો એમણે અજાણતાં જ આપી દીધું હોય તો આ એમની મુખ્યમંત્રી તરીકે નિષ્ફ્ળતા છે, કેમકે ગુજરાતમાં ઓક્સિજનના અભાવે કોઈનાં જો મૃત્યુ ન થયાં હોય એ વાત સાચી હોય તો સાહેબ, તમારે એ.સી.કેબીનની બહાર નીકળી મીડિયાની ફ્લેશ લાઈટ વિના તપાસ કરવી પડે ત્યારે ખબર પડે કે માત્ર ઓક્સિજન નહિ, પણ ઓક્સિજન સમયસર ન મળતાં, યોગ્ય દવાઓ ન મળતાં, યોગ્ય સમયે બેડ ન મળતાં, કેટલાંય પરિવારોએ એમના પરિવારનો સહારો ગુમાવ્યો, કેટલાએ એમનાં મા બાપ, ભાઈ બહેન,પતિ, પત્ની,બાળકો ગુમાવ્યાં છે. સાહેબ, આ તપાસ કરી હોત ને તો કદાચ તમને આ નિવેદન આપતાં પહેલાં જીભ પર ફેવીકવીક ચોંટી ગઈ હોત, ચાલો એ વાત જવા દઈએ. બીજી વાત કરીએ તો ઓક્સિજન,બેડ અને હોસ્પિટલના મુદ્દા કરતાં પણ આ કોરોનામાં સરકાર સામે મહત્ત્વનો પ્રશ્ન રોજગારી વાઘના મોઢા કરતાં પણ વધારે ભયંકર મોઢું ફાડી ઊભી છે. જો સરકારને ઓક્સિજનની અછત ન દેખાતી હોય તો પછી રોજગારીનો મુદ્દો ક્યાં દેખાતો હશે?

હવે સી.એમ સાહેબે જે દાવો કર્યો કે ગુજરાતમાં શાસન વ્યવસ્થિત ચાલે છે. આ વાત કદાચ ભાજપના નેતાઓને ખાનગીમાં પૂછો કે પછી ભાજપના નેતાઓ દિલ પર હાથ મૂકીને જવાબ આપવા કહો કે શું છેલ્લાં 32 વર્ષથી ગુજરાતમાં શાસન વ્યવસ્થિત ચાલે છે? તો કદાચ એનો જવાબ એ ખોંખરીને હા નહિ પાડી શકે, કેમ કે 32 વર્ષમાં ભાજપ સરકારની ભાજપના નેતાઓની અનેક ભૂલો થઇ, પ્રજા ત્રસ્ત પણ થઇ અને આજે પણ ત્રસ્ત છે, પણ પ્રજાની વાચા બની શકે એવો વિપક્ષ ગુજરાતની પ્રજાના નસીબમાં લાગતો નથી.જ્યારથી ભાજપનું શાસન ગુજરાતમાં આવ્યું ત્યારથી કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ ક્યારેય ભાજપ સરકારની નાકામિઓને ઉજાગર કરીને સરકાર બદલી નાખશે એવી સ્થિતિ સર્જવામાં નિષ્ફ્ળ જ રહ્યા છે. હા, 2017 ની ચૂંટણીમાં એક વખત એવું લાગ્યું કે આ વખતે કદાચ સરકાર બદલાઈ જશે, પણ એમાં કોંગ્રેસના નેતાઓ જવાબદાર ન્હોતા, એ વખતના આંદોલન અને યુવા નેતાઓ જે રીતે આંદોલનો ચલાવતા એ જવાબદાર હતા.
મૂળ મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં આટલાં વર્ષોથી ભાજપનું શાસન છે તો એનું શ્રેય મારા હિસાબે ભાજપના નેતાઓને નહિ, પણ કોંગ્રેસના નેતાઓને આપવો જોઈએ,જેમને પ્રજાના પ્રશ્નો ક્યારેય સમજાયા જ નહિ, ક્યારેય કોઈ એવા મુદ્દાને લઇને ન ચાલ્યા કે ગુજરાતની પ્રજાને લાગે કે કોંગ્રેસ કે વિપક્ષ આપનો અવાજ બની રહી છે, પછી બિચારી પ્રજા જાય ક્યાં? કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદર લડવામાં અને પોતાના ધંધા કરવામાં એવા વ્યસ્તમસ્ત છે કે એમને માટે ગુજરાતની, ગુજરાતના પ્રશ્નો ગૌણ છે, કોરોનાના કારણે આખા દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી ચરમસીમા પર છે, યુવાનો, રોજગારી માટે ક્યાં જાય, કોને વાત કરે, ખબર નથી પડતી.

રોજગારીના મુદ્દા પર પાછા ફરીએ તો કેટલાકને એવું થશે અથવા તો વિચાર આવશે કે કોરોનાને કારણે તો આખા વિશ્વમાં સમસ્યા છે તો ગુજરાતમાં હોય એમાં નવાઈ શું છે? જો કે આવા તુક્કા લડાવનારાઓએ એમના વિચારોને થોડાક રિવર્સ ગેરમાં નાખવાની જરૂર છે કે ગુજરાત અને ગુજરાતના વેપારીઓ યુવાનો કોરોના કાળથી નહિ, પહેલાં નોટબંધી, પછી જી.એસ.ટી. ને કારણે ભારે નુકસાન વેઠી જ રહ્યા હતા.સેન્ટર ફૉર મૉનિટરિંગ ધ ઇન્ડિયન ઇકૉનૉમી (પ્રાઇવેટ એજન્સી)ના ડેટા અનુસાર ભારતમાં લૉકડાઉન દરમિયાન બેરોજગારીનો દર 27.1 હતો. કોરોનાને કારણે ભારતમાં અંદાજે 12.2 કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે.મીડિયા, ઍવિએશન, રિટેલ, હૉસ્પિટલિટી, ઑટોમોબાઇલ્સ સહિત ઘણાં ક્ષેત્રોમાં યુવાનો રોજ રોજગારી ગુમાવી રહ્યા છે.

ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા મુજબ રાજ્યમાં 4.58 લાખ લોકો બેરોજગાર છે. જેમાં શિક્ષિત-અર્ધશિક્ષિત બેરોજગારો પણ સામેલ છે. 2017-18 ના નેશનલ સૅમ્પલ સર્વે ઑફ ઇન્ડિયાના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં બેરોજગારીની ટકાવારી વધી હતી.વર્ષ 2011-12 માં ગુજરાતમાં બેરોજગારી 0.5 ટકા હતી જે વધીને 2017-18 માં 4.8 ટકા થઈ હતી. વર્ષ 2017-18 ના આંકડા પ્રમાણે શહેરી વિસ્તારમાં બેકારીનું પ્રમાણ 5.2 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં બેકારીનું પ્રમાણ 4.3 ટકા હતું. રિપોર્ટ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં યુવા વર્ગની બેરોજગારીની ટકાવારી 2011-12 માં 0.8 ટકા હતી જે વધીને 2017-18 માં 14.9 ટકા થઈ ગઈ હતી.જ્યારે શહેરી વિસ્તારમાં યુવા વર્ગની બેરોજગારી 2011-12 માં 2.1 ટકા હતી, જે વધીને 2017-18 માં 10.7 ટકા થઈ હતી.રિપોર્ટ મુજબ ગુજરાતમાં સ્નાતક સુધીનો અભ્યાસ ધરાવતા 9.1 ટકા, અનુસ્નાસ્તક સુધીનો અભ્યાસ ધરાવતા 12.8 ટકા લોકો બેરોજગાર હતાં. આ રિપોર્ટ પ્રમાણે દાવો કરાયો હતો કે 2017-18 માં બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષોની તુલનામાં સૌથી વધારે રહ્યો હતો.

આ આંકડાઓનો ઘણો વિવાદ થયો એની ચર્ચામાં ન પડીએ તો પણ એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે ગુજરાતમાં ન તો સત્તાપક્ષ કે વિપક્ષ આ આંકડાને સમજે છે કે ન સમજવા માંગે છે. લોકોને એવું લાગતું હોય કે બેરોજગારી કેટલાક વર્ગ પૂરતી સીમિત છે તો એ લોકો એવી ભૂલમાં ન રહે,બેરોજગારીની અસર સામાજિક અને આર્થિક બન્ને મોરચે થતી હોવાથી આ મુદ્દો ખૂબ જ ચિંતાજનક છે. ભારતના દરેક ઘરમાં લગભગ એક યુવા છે અને એમાંથી બધા પાસે જો રોજગારી નહિ હોય તો આવનાર સમયમાં રસોડાનું રાશન લાવશે કોણ? આ સી.એમ. સાહેબને સમજાય તો પણ ઘણું.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top