SURAT

સુરતમાં ગુજરાતી શાળાઓને તાળાં લાગવા માંડ્યા

સુરત: ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ગુજરાત સરકારની સાથે સાથે વાંચે ગુજરાત, માતૃભાષા વંદના અને કેળવણીકારો લાખો પ્રયાસ કરી રહ્યાં છે, અનેક કાર્યક્રમો યોજી રહ્યાં છે પરંતુ અંગ્રેજી ભાષા તરફ ગાડરિયો પ્રવાહ જોવા મળ્યો છે. શિક્ષણ પર અંગ્રેજીરાજ હાવી છે. છેલ્લા પાંચ વર્ષમાં નવી શાળા માટે જે 174 અરજીઓ આવી હતી તેમાંથી 71% અરજી અંગ્રેજી માધ્યમની હતી. જ્યારે ગુજરાતી માધ્યમની 14% અરજી હતી. તે સાથે હિન્દી માધ્યમની 12% અને ઉડીયા માધ્યમની અરજી 3% હતી. આમ, આંકડાને જોતા શહેરમાં કક્કાનો ક ભણવાનો ઓછો થઈ રહ્યો છે અને એબીસીડીને ટ્રેન્ડ વધી રહ્યો છે.

  • ગુજરાતીને જીવંત રાખવા ગુજરાત સરકારના લાખો પ્રયાસ, અંતે શિક્ષણ પર અંગ્રેજીરાજ જોવા મળ્યું
  • છેલ્લા 5 વર્ષમાં 174 નવી શાળાની અરજી મળી, જેમાં 71% અરજી અંગ્રેજી, 14% ગુજરાતી, 12% હિન્દી અને 3% ઉડીયા માધ્યમની મળી
  • છેલ્લા 5 વર્ષમાં 50 શાળાઓ બંધ થઈ, જેમાં 80% ગુજરાતી માધ્યમની હતી, વિદ્યાર્થીઓ પ્રવેશ જ નહોતા લેતા

હાલના સમયમાં અંગ્રેજી ભાષાથી જ માન મળતું હોય તેવી માન્યતા વાલીઓમાં જોવા મળી છે. જેને કારણે શહેરમાં ગુજરાતી શાળાઓને તાળા લાગી રહ્યાં છે અને અંગ્રેજી શાળાઓ શરૂ કરવા માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. આ સ્થિતિથી ગુજરાતમાં હવે ગુજરાતી ભાષા પતન તરફ આગળી વધી રહી હોવાનું જણાય છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળકોના અભ્યાસ માટે સ્થાનિક ભાષાને મહત્વ આપતા જોવા મળ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી પ્રાપ્ત આંકડા શિક્ષણજગતની ઊંધી પરિસ્થિતિ બતાવી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં અંગ્રેજી માધ્યમની શાળાનું પ્રભુત્વ વધવા સાથે ગુજરાતી માધ્યમની શાળાનું ઘટી રહ્યું છે. હાલના યુગમાં બાળકને અંગ્રેજીનું જ્ઞાન આપવું આવશ્યક છે પરંતુ માતૃભાષા ગુજરાતીના મહત્વને ઓછું આંકવું યોગ્ય નથી. છેલ્લા પાંચ વર્ષમાં નવી શાળા માટે 174 અરજી આવી હતી. જેમાં અંગ્રેજી માધ્યમની અધધ 124 અરજી છે. જ્યારે ગુજરાતી માધ્યમની શાળાની માત્ર 25 જ છે. ઉપરાંત હિન્દી માધ્યમની 20 અને ઉડીયા માધ્યમની 5 નવી શાળાની અરજી મળી છે.

ચોંકવનારી બાબત એવી છે કે, છેલ્લા 5 વર્ષમાં 50 શાળાઓ બંધ થઈ છે. જેમાં 80% શાળાઓ ગુજરાતી માધ્યમની હતી. જો કે, બંધ થવા પાછળનું મુખ્ય કારણ ગુજરાતી માધ્યમની શાળાઓને બાળકો જ મળી રહ્યા ના હતા એટલે કે વિદ્યાર્થીઓ પ્રવેશ જ નહોતા લઈ રહ્યાં. નવા શૈક્ષણિક સત્રથી જીવન ભારતી સ્કૂલ સહિતની શહેરની જૂની અને જાણીતી સ્કૂલો પણ અંગ્રેજી માધ્યમ તરફ વળી છે.

છેલ્લા 5 વર્ષમાં અંગ્રેજી શાળા માટે 124 અરજી
શૈક્ષણિક વર્ષ અંગ્રેજી ગુજરાતી હિન્દી ઉડીયા

2019-20 9 2 2 0
2020-21 52 9 9 4
2021-22 23 4 0 0
2022-23 16 6 7 1
2023-14 24 4 2 0
કુલ 124 25 20 5

અંગ્રેજી ભાષાથી સમાજમાં સન્માન મળશે તે માન્યતા ખોટી, વડાપ્રધાનથી માંડીને મોટા ઉદ્યોગપતી પણ ગુજરાતી જ છે
આજે વાલીઓ એવું વિચારી રહ્યા છે કે અંગ્રેજી ભાષાથી સમાજમાં સન્માન મળશે, જેથી તેમના બાળકોને અંગ્રેજી ભાષાની શાળામાં મૂકી રહ્યા છે. પરંતુ એવું કઇ હોતું નથી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મોટા મોટા ઉદ્યોગપતી પણ ગુજરાતી જ છે. જેઓ પણ ગુજરાતી શાળામાં જ ભણ્યા છે. અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકીને વાલીઓ પોતાનો ખર્ચ વધારે છે. પણ ઘણા વાલીઓને અંગ્રેજી આવડતું ન હોવાથી તે તેમના બાળકોને ટ્યૂશનમાં મૂકી દેતા હોય છે. –કેતન વકીલ, ટ્રસ્ટી, ભૂલકાં વિહાર સ્કૂલ

MBBS અને એન્જિન્યરિંગ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોને જોતા અંગ્રેજી માધ્યમમાં મૂકે છે, પરંતુ તે જ સ્થાનિક ભાષામાં આવી ગયા
એમબીબીએસ અને એન્જિન્યરિંગ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમો અંગ્રેજી માધ્યમાં હોવાથી વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં મૂકી રહ્યા છે. પરંતુ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારે એમબીબીએસ, એન્જિન્યરિંગ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમો સ્થાનિક ભાષામાં કર્યા છે. ઉપરાંત શાળાઓએ પણ દ્રિભાષી માધ્યમ શરૂ કર્યું છે. જેથી વાલીઓએ અંગ્રેજી કરતા દ્રિભાષી માધ્યમનો ઉપયોગ કરવો જોઇએ. – દિપીકા શુકલ, પ્રિન્સિપાલ, પ્રેસિડેન્સી સ્કૂલ

અંગ્રેજી કરતા દ્રિભાષી માધ્યમ ખૂબ જ સારૂ છે, બન્ને જ ભાષા વિદ્યાર્થીને શિખવા મળે છે
માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવા માટે ગ્લોબલ ગુજરાતી માધ્યમ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો. જેને આજે દ્રિભાષી માધ્યમ તરીકે ઓખળવામાં આવે છે. દ્રિભાષી માધ્યમમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા વિદ્યાર્થીને શિખવા મળે છે એટલે કે મુખ્ય વિષય અંગ્રેજી ભાષામાં અને અન્ય વિષયો ગુજરાતી ભાષામાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ઉપરાંત આ તૈયારી તેને જેઇઇ, નીટ જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં પણ સફળતા અપાવશે. – જગદીશ ઇટાલીયા, ટ્રસ્ટી, સંસ્કાર ભારતી વિદ્યાલય

ગુજરાતમાં ગુજરાતી વચ્ચે કામ કરવાનું છે તો પછી અંગ્રેજી શાળામાં કેમ પ્રવેશ? દ્રિભાષીમાં જવું સારૂ
ગુજરાતી માધ્યમમાંથી જ અભ્યાસ કરનારો ડોક્ટરો અને એન્જિનિયર જ સર્વશ્રેષ્ઠ બને છે. કારણ કે, તેમણે ગુજરાતમાં ગુજરાતીઓની વચ્ચે રહીને જ કામ કરવું રહેતું હોય છે. વાલીઓએ દ્રિભાષી માધ્યમનો ઉપયોગ કરવો જોઇએ. જેમાં વિદ્યાર્થીઓને બે ભાષા શિખે છે. આપણા સુરતના પૂર્વ ક્લેક્ટર ડો. ધવલ પટેલના પુત્ર ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ જ કહેતા હતા અમને કે અમે ગુજરાતી માધ્યમની શાળામાંથી અભ્યાસ કરીને કલેક્ટર બન્યા છે, તો પછી બાળકોને પણ ગુજરાતી માધ્યમાં જ ભણાવીશું. – મીનાક્ષી દેસાઇ, ટ્રસ્ટી, ભૂલકા ભવન સ્કૂલ

માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવા શહેરની 25 સ્કૂલોએ દ્વિભાષી માધ્યમ શરૂ કર્યું
માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવા માટે ગ્લોબલ ગુજરાતી માધ્યમ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો. જોકે, તેનો સૌથી પહેલા અમલ કરનાર સુરતની શાળાઓને રાજ્ય સ્તરે સફળતા મળી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને ધ્યાને રાખી શિક્ષણ વિભાગે દ્વિભાષી માધ્યમ શરૂ કરવા માટે રાજ્યની શાળાઓને મંજૂરી અપાય છે. દ્વિભાષી માધ્યમને ગ્લોબલ ગુજરાતી માધ્યમ કે પછી ગુજલીશથી ઓખળવામાં આવે છે. શહેરની 25 સ્કૂલોમાં ગ્લોબલ ગુજરાતી માધ્યમમાં 7,056 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

તક્ષશિલા અગ્નિકાંડ બાદ ડીઇઓ એક્શન મોડમાં, 5 વર્ષમાં 174માંથી 162 નવી શાળાની અરજી નામંજૂર કરી
તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બન્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓની સેફ્ટી પર ખૂબ જ ધ્યાન આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં 174 નવી શાળા શરૂ કરવા માટે અરજી મળી હતી. જેમાંથી માત્ર 12 અરજી મંજૂર કરાઈ છે, જ્યારે 162 અરજી નામંજૂર કરાઈ હતી. વિદ્યાર્થીઓની સેફ્ટીને જોતા જિલ્લા શિક્ષણાધિકારી ડો. દિપક દરજીએ નવી શાળાઓની સાત-બારની નકલ, બિલ્ડિંગ યુટિલાઇઝ સર્ટિફિકેટ, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, સિલિલ એન્જિન્યરનું સર્ટિફિકેટ, જમીન કે પછી બિલ્ડિંગના ભાડા કરાર જેવા દસ્તાવેજો કડક રીતે તપાસી રહ્યા છે. ખાસ કરી નવી સ્કૂલોની અરજીની ફાઇલમાં સંચાલકો કે ટ્રસ્ટોની પાસે ફરજિયાત માલિકીનું અથવા 15 વર્ષના ભાડા કરાર સાથેનું મેદાન અને તે પણ શાળા સાથે જોડાયેલું છે કે કેમ? તેમજ ફાયર સેફ્ટી છે કે નહીં? જેવી વિદ્યાર્થીઓની સલામતી પર ખૂબ જ ધ્યાનથી તપાસી રહ્યા છે. આમ, આવી સ્થિતિને જોતા જ જિલ્લા શિક્ષણાધિકારીએ છેલ્લા પાંચ વર્ષમાં 162 નવી શાળાની અરજી નામંજૂર કરવાની ફરજ પડી છે.

છેલ્લા 5 વર્ષમાં માત્ર 12 અરજી મંજૂર કરાઈ
શૈક્ષણિક વર્ષ અરજી મંજૂર નામંજૂર

2019-20 13 0 13
2020-21 74 3 71
2021-22 27 3 24
2022-23 30 2 28
2023-14 30 4 26
કુલ 174 12 162

નવા શૈક્ષણિક વર્ષથી 4 નવી શાળા શરૂ થશે
નવા શૈક્ષણિક વર્ષ 2023-24માં નવી શાળા શરૂ કરવા માટે 30 અરજી મળી હતી. જેમાંથી માત્ર 4 જ અરજી મંજૂર કરાઈ છે, જ્યારે 26 અરજી નામંજૂર કરવામાં આવી છે. સૂત્ર કહે છે કે નવી શાળાઓ પાસે ફાયર સેફ્ટીનો અભાવ, બિલ્ડિંગ યુટિલાઇઝ સર્ટિફિકેટનો અભાવ, સ્પોર્ટ્સના મેદાનનો અભાવ અને ટોઇલેટ યોગ્ય નહીં હોવાથી અરજી નામંજૂર કરવામાં આવી છે. અહીં વાત એવી પણ છે કે કેટલાક લોકો શિક્ષણનું વ્યાપારીકરણ કરવા માટે નિયમ નેવે મૂકી નવી શાળા માટે જાણે રાફડો ફાટ્યો હોય તેમ શિક્ષણ વિભાગમાં ઓનલાઇન અરજી કરતા હોય છે. આ સ્કૂલોમાં જીવન ભારતીની ધોરણ-1થી 8ની અંગ્રેજી માધ્યમની શાળા, પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની ધોરણ-1થી8ની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળા, ઉધના એકેડેમીમાં ધોરણ-1થી 8ની અંગ્રેજી માધ્યમની શાળા, ભાગ્યોદય સ્કૂલમાં ધોરણ-1થી 8ની ગુજરાતી માધ્યમની શાળાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top