Gujarat

દારૂ પીને એસટી બસ ચલાવતા ડ્રાઈવર અને કંડક્ટરને મુસાફરોએ બરોબર ફટકાર્યા

સુરત: (Surat) ગાંધીના ગુજરાતમાં (Gujarat) સરકારી કર્મચારીઓ દારૂ પીને ફરજ બજાવતા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એસટી (ST) બસના (Bus) ડ્રાઈવર (Driver) અને કંડક્ટર (Conductor) દારૂ પીને (Drunk) બસ હંકારતા હોવાનું ધ્યાને આવતા બસમાં બેઠેલાં મુસાફરોએ (Passengers) તે બંનેને બસમાં જ બરોબર ફટકાર્યા હતા. આ સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ થયા બાદ બંનેને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સસ્પેન્ડ(Suspend) કરી દેતો હૂકમ કરાયો છે.

  • ગોધરા વિભાગના ઝાલોદ ડેપોના ડ્રાઈવર આર.એસ. રાઠોડ અને કંડક્ટર એમ.એ. ખાટા સસ્પેન્ડ
  • ગઈ તા. 19મી માર્ચે નશો કરી બસ હંકારતા હોય મુસાફરોએ માર મારી પોલીસને જાણ કરી હતી
  • બંને જણા ફરાઈ થઈ ગયા, પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા વિભાગના ઝાલોદ ડેપો ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા આર.એસ. રાઠડ (બેજ નં. 2581) અને કંડક્ટર એમ.એ. ખાટા (બેજ નં. 606) ને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરતો હૂકમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. સસ્પેન્શન દરમિયાન બંને કર્મચારીઓએ હાલોલ તથા દાહોદ ડેપો ખાતે ડેપો મેનેજર એસટી સમક્ષ સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી હાજરી પુરાવવાની પણ સજા આપવામાં આવી છે. બંને જણા હાલોલ એસટી મેનેજરની મંજૂરી વિના હેડક્વાર્ટર છોડી શકશે નહીં.

આ સમગ્ર મામલાની વિગત એવી છે કે ગોધરા વિભાગના ઝાલોદ ડેપો ખાતેની તા. 19 માર્ચ 2022ના રોજ એસટી બસ જીજે-18-ઝેડ-3163 ઝાલોદ-દાહોદ-મોરબી-ટંકારા રૂટની ડ્રાઈવર અને કંડકટર તરીકેની ઉપરોક્ત બંને જણા ફરજ બજાવી રહ્યાં હતાં ત્યારે મુસાફરોએ તે બંનેને નશાની હાલતમાં પકડી માર માર્યો હતો. બસના મુસાફરો દ્વારા પોલીસને જાણ કરાતા વાસણા પોલીસે તેમની સામે તપાસ કરી હતી, ત્યારે આ બંને જણા પોતાનો મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયા હતા. બસની તપાસ કરતા પોલીસને તેમાંથી 6 નંગ કેફીપીણાંની બોટલ મળી આવી હતી. ત્યાર બાદ પોલીસે હાજર થવા ફરમાન કરવા છતાં બંને જણા હાજર થયા નહોતા, તેથી પોલીસે તે બંને જણા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

નશો કરી ફરજ પર ગંભીર લાપરવાહી દાખવવી તથા એસટી નિગમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના અતિગંભીર પ્રકારના ગુના બદલ બંને કર્મચારીને ફરજ મોકૂફ કરાયા છે. દારૂ પીને ફરજ પર ઝડપાયેલા બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા એસટી નિગમના કર્મચારીઓમાં સોંપો પડી ગયો છે.

Most Popular

To Top