Gujarat

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 24 કલાકમાં 14નાં મોત

ગાંધીનગર : ગુજરાત (Gujarat) હાલમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે , જેના પગલે આખુ દક્ષિણ ગુજરાત (South Gujarat) તથા પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત કાંઠા વિસ્તારના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે થી અત ભરે વરસાદની (Monsoon) ચેતવણી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

બીજી તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય-કેશડોલ આપવા વહિવટી તંત્રને આદેશ કર્યા છે. આ ઉપરાંત ભોજનની વ્યવસ્થા કરવા જણાવ્યુ છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યાં છે ત્યારે, રાજ્યના ૨૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાઈ ગયા છે. તે ઉપરાંત ૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૭ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા અને ૭૭ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના જળાશયો કુલ સંગ્રહ શક્તિના ૪૬.૨૫ ટકા ભરાયા છે અને સરદાર સરોવર કુલ સંગ્રહ શક્તિના ૪૮ ટકા ભરાયા છે.

આજે ગાંધીનગરમાં પૂરની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચાતમાં કહ્યું હતું કે રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૮ એનડીઆરએફની પ્લાટુન અને ૨૧ એસડીઆરએફની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની 2 ટીમો અને એસડીઆરએફની 5 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં ૫૭૫ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પૂરની સ્થિતિના કારણે ૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧,૦૯૪ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે ૯,૮૪૮ લોકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.

પૂરની સ્થિતિના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૩ માનવ મૃત્યું નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ માનવ મૃત્યું થયા છે, જેમાં બેના ઝાડ પડવાથી, બેના વીજળી પડવાથી અને ૯ના પાણીના વહેણમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી.
રાજ્યના ગામોમાં કાર્યરત ૧૪,૬૧૦ એસટી બસના રૂટમાંથી માત્ર ૧૩૮ ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે તેમાં પણ ૧૪ રૂટ પૂર્વવત થઈ ગયા છે જ્યારે ૧૨૪ રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. તેવી જ રીતે ૧૮ હજારથી વધુ ગામો પૈકી માત્ર ૭૬૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. તે તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.

અતિવૃષ્ટિના કારણે રાજ્યમાં થયેલા વરસાદના કારણે ૫૧ સ્ટેટ હાઈવે અને અન્ય માર્ગો, ૪૮૩ પંચાયત મળી કુલ ૫૩૭ માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે જ્યારે કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૧, નવસારી નેશનલ હાઈવે-૬૪ અને ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરાયો છે તે ખુબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે. મહેસુલ મંત્રીએ કહયું હતું કે રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં.

Most Popular

To Top