Gujarat

ચોમાસુ થંભી જતાં ચિંતાના વાદળો: ઉત્તર, મધ્યપૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ!

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) અલ નીનોની અસર જોવા મળી છે. જેના પગલે ઓગસ્ટ (August) મહિનામાં ઓછો વરસાદ (Rain) થયો છે. ખાસ કરીને સમગ્ર ચોમાસાની મોસમનો રાજ્યમાં 81 ટકા જેટલો વરસાદ થયો છે. જ્યારે રાજયમાં હાલમાં ભારે વરસાદ (heavy rain) લાવે તેવી કોઈ લો પ્રેશર સિસ્ટમ સેટેલાઈની મદદ વડે પણ જોવા મળતી નથી. ઓગસ્ટ સાવ કોરો પસાર થઈ રહ્યો છે, ચોમાસુ સિસ્ટમને બ્રેક લાગી ગઈ છે.

  • અલ નીનોની અસર વર્તાઈ, જુલાઈમાં 448.73 મિ.મી. સામે ઓગસ્ટમાં માત્ર 25.29 મિ.મી. વરસાદ
  • રાજ્યમાં સરેરાશ 81.79 ટકા જેટલો વરસાદ થયો: વરસાદ લાવે એવી નવી કોઈ સિસ્ટમ નહીં જણાતાં ચિંતા

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ 81.79 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 136.19 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.96 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 66.17 ટકા તથા સૌરાષ્ટ્રમાં 110.10 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 73.59 ટકા જેટલો વરસાદ થયો છે. એકલા ઓગસ્ટ માસની અંદર માત્ર 25.29 મીમી જેટલો વરાસદ થયો છે. જુલાઈમાં 448.73 મીમી જેટલો વરસાદ થયો હતો. ચોમાસાની મોસમમાં રાજ્યમાં 1993 થી 2022 સુધી સરેરાશ 877 મીમી એટલે કે સરેરાશ 35 ઈંચ જેટલો વરસાદ થાય છે. જેની સામે હાલમાં રાજ્યમાં 716.98 મીમી જેટલો ( 28 ઈંચ અને 81.79 ટકા ) વરસાદ થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ભારે વરસાદ લાવે તેવી કોઈ મોટી લો પ્રેશર સિસ્ટમ જોવા મળતી નથી. ઉત્તર ગુજરાત, મધ્ય – પૂર્વ ગુજરાતમાં તથા દક્ષિણ ગુજરાતમાં આમ વરસાદની ઘટ જોવા મળી રહી છે.

વાવેતર સરેરાશ કરતાં વધુ થયું, પરંતુ વરસાદ ખેંચાતાં પાક સુકાવા લાગ્યો, બળી જાય એવી ભીતિ
રાજ્યમાં ઓગસ્ટમાં વરસાદ સાવ ગાયબ થઈ ગયો છે. જેના પગલે હવે વરસાદ ખેંચાયો છે અને સ્થિતિ એવી આવી છે કે વાવેલો પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર તો ગત વર્ષ કરતાં પણ વધુ છે, પરંતુ જરૂરી એ છે કે પાકને જ્યારે પિયતની જરૂર છે ત્યારે પિયતનું પાણી ઉપલબ્ધ નથી. જેના કારણે એક મહિના સુધી સતત વરસાદ નહીં થવાના કારણે પાકને પાણીની જરૂર છે, ત્યારે પાણી નહીં મળતા પાક સુકાવા લાગ્યો છે. પાક બળી જાય તેવી સ્થિતિ છે. રાજ્યમાં સરેરાશ 85 લાખ હેકટરમાં ખરીફ મોસમનું વાવેતર થાય છે. જ્યારે ઓગસ્ટ -2023 સુધીમાં રાજ્યમાં સરેરાશ 83.60 લાખ હેકટરની સામે સરેરાશ 97.25 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં મગફળીનું સરેરાશ 16.35 લાખ હેકટરમાં (86.30 ટકા ) તથા કપાસનું 26.79 લાક હેકટરમાં વાવેતર થઈ ચૂકયું છે. જે 113.49 ટકા જેટલું થવા જાય છે.

Most Popular

To Top