Gujarat Election - 2022

વિકાસ માટે ભાજપની તરફેણમાં મતદાન થયુ છે : પાટીલ

ગાંધીનગર : રાજયમાં બે તબક્કાની 182 બેઠકો માટે આજે મતદાન (Voting) પૂર્ણ થયુ છે ત્યારે પ્રદેશ ભાજપના (BJP) અધ્યક્ષ સી.આર.પાટીલે મતદારોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાજયના મતદારોએ વિકાસ માટે મતદાન કર્યુ છે. પાટીલે કહ્યું હતું કે ભાજપની સીનીયર કેન્દ્રિય નેતાગીરીએ ચૂંટણી દરમિયાન અમને પ્રચાર તથા રણનીતિ ઘડવામાં માર્ગદર્શન આપ્યુ છે. જે અમને જીત તરફ લઈ ગયુ છે. પાટીલે સંગઠનના હોદેદારો અને કર્મઠ કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો.

પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતમાં યોજાયેલ ચૂંટણીના મતદાનમાં જે પણ મતદાન થયું છે તેમાં મતદારોએ વિકાસવાદનો અપનાવ્યો છે. વર્ષ ૨૦૧૭ કરતાં વર્ષ ૨૦૨૨માં થયેલ મતદાનની ટકાવારી ઓછી હોવા છતાં પણ વધુ મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતાઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં છે. આજે મતદાન વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે સ્ટંટ કર્યા છે તેને ભારતીય જનતા પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આવા સ્ટંટથી દરેક પક્ષે દૂર રહેવું જોઇએ. શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી સજાગ હોવાથી આટલા મતદાન સુધી પહોંચી શકાયું છે.

Most Popular

To Top