Gujarat

ગુજરાતનો મહાસંગ્રામઃ જીતવા કરતાં હરાવવાનો જુસ્સો ઝાઝો

ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી ચુકી છે. અત્યાર સુધી 1995 પછી પહેલીવાર ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે. ગુજરાતની ચૂંટણીઓ મોટેભાગે દ્વિપક્ષી રહી છે, પણ આ વખતે આમઆદમી પાર્ટીની એન્ટ્રીએ જંગને વધુ કશ્મકશવાળો બનાવી દીધો છે. આમ છતાં રાજ્યના સત્તાકારણ માટે ઘણા ખરા એવું પૂછતા જણાય છે કે ભાજપને કેટલી બેઠકો મળશે બહુ ઓછા એવું પૂછતા હોય છે કે ભાજપ તો આવશે ? જ્યારે ભાજપમાં એવો સવાલ થઇ રહ્યો છે કે ફલાણા-ઢીંકણાને ટિકિટ મળશે કે કપાશે?

ભાજપની જીત માટે એકંદરે સ્પષ્ટતા પ્રવર્તી રહી છે, સવાલ બેઠકોની સંખ્યાનો છે. મોદીને નામે વોટ મેળવવા માટે ભાજપ મુસ્તાક છે. મોદી હૈ તો હી મુમકીન હૈ એવું ભાજપમાં સૌ કોઇ સ્વીકારે છે. એટલે જ મોવડીમંડળ દ્વારા ટિકિટોની વહેંચણીમાં થનારી કાપાકાપીને સૌ કોઇ સ્વીકારી લેશે એવો સામાન્ય મત પ્રવર્તી રહ્યો છે. પરંતુ જે તે બેઠક માટે જેની ટિકિટ કપાશે એ નેતા(ઓ) જેને ટિકિટ મળી હશે તેને માટે કેવા અને કેટલા સખણા ચાલશે એનું કંઇ નક્કી નથી, એટલે જ યુદ્ધ પહેલાંની વિમાસણ ભાજપમાં પ્રવર્તી રહી છે.

મહાભારતના યુદ્ધમાં પોતાના પિતરાઇ સ્વજનોવાળી કૌરવોની સેનાને જોઇને અર્જુનને જે પ્રકારે વિષાદ જન્મ્યો હતો એવી દશા ભાજપના સંભવિત મૂરતિયાઓ માટે થઇ રહી છે. ભાજપની અંદરખાને આવી હાલક-ડોલક સ્થિતિ છે, પણ એની નેતાગીરી તો ટિકિટની વહેંચણીમાં કાપાકાપી કરવા મુસ્તાક છે. બીજી તરફ ભાજપની નેતાગીરી જંગી વિજય માટે કોન્ફિડન્ટ છે અને એટલે જ આ વખતે તો સઘળા રેકોર્ડ તોડવા છે એવો ઉઘાડો નિર્ધાર વ્યક્ત કરાઇ રહ્યો છે. બસ, એન્ટિઇન્ક્મ્બન્સીનું ફેક્ટર કેટલું ઓછું નડે છે એનું જ ધ્યાન રાખવાનું છે. ભાજપમાં જીતવાનો જુસ્સો ઝાઝો છે. જ્યારે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી માટે જીતવા કરતાં હરાવવાનો જુસ્સો ઝાઝો છે.

બીજી તરફ કોંગ્રેસ પક્ષ પોતાની પરંપરાગત વોટબેન્કને એક્ચિવેટ કરી રહ્યો છે. ગઇ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 182માંથી 78 બેઠકો મેળવી હતી. કોંગ્રેસે છેલ્લે 1985ની ચૂંટણીમાં 149 વિક્રમસર્જક બેઠકો મેળવી હતી એ પછી સૌથી વધુ બેઠકો 2017ની ચૂંટણીમાં મેળવી હતી. 1985નો 149 બેઠકોનો રેકોડ4 કદી તુટ્યો નથી. દરેક ચૂંટણીમાં ભાજપ આ રેકોર્ડ તોડવાના મનસુબા વ્યક્ત કરે છે, પણ દર વખતે ખાસ્સું છેટું પડી જાય છે.

આ વખતે એટલે જ ભાજપી નેતાગીરી દ્વારા પહેલેથી તમામ રેકોર્ડ તોડવાની દૃઢતાઓ વ્યક્ત થઇ રહી છે. કોંગ્રેસનું સીધું લક્ષ્ય 2017ના પરિણામ કરતાં એટલે કે 78 કરતાં વધુ બેઠકો જીતવાનું છે. કોંગ્રેસને મોટાભાગના લઘુમતીઓ સહિત એના કમિટેડ વોટ તો મળવાના છે, પરંતુ ભાજપવિરોધી વોટ ઓછા વહેંચાય એવો એનો વ્યૂહ છે. આમઆદમી પાર્ટીના આગમને ભાજપને દોડતો કરી દીધો છે, પણ કોંગ્રેસ પક્ષ પણ વધુ સતર્ક થયેલો છે. પાછું કોંગ્રેસે તો પોતાની ટોચની નેતાગીગી પર આધાર રાખવાને બદલે આત્મનિર્ભર બનવું પડવાનું છે. ને એમા જ એની કસોટી થવાની છે.

આમઆદમી પાર્ટી માટે તો વકરો એટલો નફો જેવી સ્થિતિ છે. પંજાબની ચૂંટણી જીત્યા પછી કેજરીવાલ ભાજપ સામે બરાબર શિંગડાં ભરાવવાના મૂડમાં છે. જે શસ્ત્રો વડે ભાજપે કોંગ્રેસને અત્યાર સુધી પાછળ પાડી છે એ જ શસ્ત્રો હવે ભાજપની સામે કેજરીવાલ દ્વારા અજમાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતના રાજકારણમાં દૂમ ધડાકાભેર આવીને મફત વીજળી, સંપન્ન શાળાઓ સહિતની જાતભાતની જાહેરાતો કરીને આમઆદમી પાર્ટીએ સૌનું ધ્યાન ખેંચ્યું. ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટોને પંપાળ્યા.

પાટીદાર અનામત આંદોલનવાળા નેતાઓને હાથ પર લીધા. પાટીદાર પરિબળને જીતવાની કોશિશ કરી. કેટલાક પાટીદાર નેતાઓ તેનાથી આકર્ષાયા પણ ખરા, પણ બાદમાં જલદી મોહભંગ પણ થઇ ગયો. શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં ભાજપનું સારું વર્ચસ્વ હોવાને લીધે આમઆદમી પાર્ટીએ ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કર્યું. એટલે જ ભાજપે એન્ટિઇન્કમ્બન્સી કરતાં આમઆદમી પાર્ટીથી થતું નુકસાન અટકાવવું પડે એમ છે.

– મયંક વ્યાસ

Most Popular

To Top