Gujarat

ગુજરાત ATSએ કર્યો ઓન લાઇન ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, ગુજરાતનાં ખૂણે ખૂણે ફેલાયો હતો કારોબાર

અમદાવાદ: ગુજરાત ATS દ્વારા બુધવારે ઓનલાઇન ડ્રગ્સના (Online Drugs) રેકેટનો ખુલાસો થયો છે. ગુજરાતમાં (Gujarat) ઘણા સમયથી ડ્રગ્સ અને રેવ પાર્ટી (Party) થતી હતી. જેનો પર્દાફાશ કરાયો છે. ગુજરાતનાં અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં થયેલી રેવ પાર્ટીમાં ડ્રગ્સ માટે અનેક યુવતીઓને કોઈની સાથે પણ સેક્સ (Sex) કરવા મજબૂર કરવામાં આવતી હતી. દરમ્યાન ઓનલાઇન ડ્રગ્સ મંગાવનારાઓમાં ગુજરાતની એક મહિલા મામલતદારનું પણ નામ સામે આવ્યું છે. આ મહિલા મામલતદાર પણ એક રેવ પાર્ટીમાં જોડાઈ હતી. આ ડ્રગ્સની હેરાફેરી ઇ-કોમર્સ (E-Commerce) માધ્યમથી કરવામાં આવતી હતી. જેમાં મોર્ડન.મોલ.ઇન.કોમ, મોર્ડન દુકાન.ઇન.કોમ, ઇન્ડિયન સુપર ડીલ. ઇન, યુએસએ સુપર ડીલ.કોમ, ગિફ્ટઓઝા.ઇન, અમેઝોન જેવી ઇ કોમર્સ વેબસાઇટનો ડ્રગ્સ મંગાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યભરમાં 300થી વધુ ગ્રાહકોનું નેટવર્ક હોવાનું સામે આવ્યું છે જેમાં મામલતદારથી માંડીને મેડીકલના વિદ્યાર્થીઓ તેમના ગ્રાહકો હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં વર્ષ 2019થી ડ્રગ્સની દુનિયામાં પગપેસારો કરનારા આકાશ સંકળાયેલો છે. આકાશે કમ્પ્યુટર એંજિન્યિરીંગ સુધીનો અભ્યાસ કરેલો છે. પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમજ વધુ પૈસા કમાવવાની લાલચમાં તેણે સૌથી પ્રથમ ગાંજો વેચવાની શરૂઆત કરી હતી જેમાં ડબલ પ્રોફિટ મળતો હતો અને વધારે નફાની લાલચે ધીમે ધીમે ડ્રગ્સનું પણ વેચાણ શરૂ કરી દીધું હતું. આકાશે પોતાના ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ સોશિયલ મીડિયાના માધ્યથી કર્યું હતું. સમય સાથે ગ્રાહકોની માંગ વધતા ઓનલાઇન વેબસાઈટ બનાવી ઓનલાઇન ડ્રગ્સનું વેચાણ આકાશએ શરૂ કરી દીધું હતું.

એમેઝોન કંપની દ્વારા આકાશને બોક્સ અને સ્ટીકર કંપની મારફતે આપવામાં આવતા હતા
ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આકાશની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. આકાશ હાલ ગુજરાત એટીએસ સમક્ષ તમામ સચ્ચાઈ બોલી રહ્યો છે. મળતી માહિતી મુજબ આકાશે જણાવ્યું હતું કે આ આખુ ડ્રગ્સનું નેટવર્ક ઓનલાઇન એમેઝોન નામથી ચલાવામાં આવતું હતું. એમેઝોનની વેબસાઈટ પર મટિરિયલ વેચવા માટેનું રજીસ્ટર આકાશે કરાવેલું હતું અને તેના બદલામાં એમેઝોન કંપની દ્વારા આકાશને બોક્સ અને સ્ટીકર કંપની મારફતે આપવામાં આવતા હતા અને તેની આડમાં આકાશ એમેઝોન ના બોક્સમાં કુરીયર મારફતે સપ્લાય કરતો હતો. કોઈને શંકા ન જાય તે માટે તે અલગ અલગ પેકેટમાં અલગ અલગ વસ્તુઓની અંદર ડ્રગ્સ મૂકી અને સંતાડીને સપ્લાય કરતો હતો.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આકાશના બેંક એકાઉન્ટમાંથી ૨૭ લાખ રૂપિયા મળી આવ્યા છે. ત્યારે આ તમામ રૂપિયા તેણે ડ્રગ્સના વેચાણમાંથી જ કમાયા હોય તેવો અંદાજો ગુજરાત એટીએસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. મોટાભાગના તેના ગ્રાહકો મેડિકલ વ્યવસાય અને મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ, બરોડા, રાજકોટ, ભાવનગર અને જુનાગઢ આ તમામ જગ્યાઓ પર આકાશનાના ગ્રાહકો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત ATS દ્વારા માલેતુજાર પરિવારના 300થી વધુ લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ધનાઢ્ય પરિવારના 300 યુવક-યુવતીના આર્થિક લેવડ દેવડના ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા છે. જેમાં અનેક મેડીકલ પ્રોફેશનલ લોકો સંકળાયેલા છે. મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ નરોડાના નયન નામના બિલ્ડર દ્વારા રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેવ પાર્ટીની સમયસર તપાસ કરવામાં આવી હોત તો અનેક યુવક-યુવતીઓ રેકેટમાં ફસાતા બચી ગયા હોત.
ATSના એક આધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સના એક ડોઝ માટે યુવતીઓ કોઈની પણ સાથે સુવા મજબૂર થઈ જતી હતી. આ ડ્રગ્સ ડીલર પાસેથી સૌરાષ્ટ્રની એક મહિલા મામલતદાર પણ ડ્રગ્સ મેળવતી હતી એવી વિગત પણ સામે આવી છે જે દિશામાં ATS તપાસ કરી રહ્યું છે. જો કે આ કેસ સાથે સંકળાયેલા ઘણા પુરાવા મળી રહ્યા છે. ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર થયા બાદ આખી રેવ પાર્ટી સહિતનું આયોજન અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં થયું હતું.

Most Popular

To Top