Gujarat

‘હું ગુજરાતના ડ્રગ્સ માફિયાઓ-બહેનોની છેડતી કરનારાઓ માટે ચોક્કસ ટપોરી જ છું’ : હર્ષ સંઘવી

ગાંધીનગર: ડ્રગ્સ (Drugs) માફિયાઓ સામે પગલા લેવાના મામલે વિધાનસભામાં કોંગ્રેસ (Congress) દ્વારા છેલ્લા બે દિવસથી કોંગ્રેસ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ટાર્ગેટ કરી રહી છે ત્યારે આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કરીને એવો આક્ષેપ કર્યો હતો કે ડ્રગ્સ માફિયાઓ સામે સરકારે લીધેલા પગલાના પ્રશ્નો પુછ્યા બાદ તેનો જવાબ સાંભળવા માટે પણ કોંગ્રેસ તૈયાર નથી. આ રીતે કોંગ્રેસ ડ્રગ્સ માફિયાઓને મોકળુ મેદાન આપવા માંગે છે. નવી સરકારે ડ્રગ્સની હેરફેર સામે 258 કેસ કર્યા છે. જ્યારે 1459 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. સંઘવીએ કહ્યું હતું કે મેં કયારેય કોઈ કોંગ્રેસના સભ્યો માટે અપશબ્દો કહ્યા નથી. મારા માતા-પિતા કે પાર્ટીએ એ મને એવા સંસ્કાર નથી આપ્યા કે હું કોંગ્રેસના સિનિયર સભ્યને તેમની ભાષામાં જવાબ આપતો નથી. વિરોધ પક્ષ કોંગ્રેસે ડ્રગ્સ માફિયાઓ સામેની લડાઈમાં સાથ આપવો જોઈએ.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ડ્રગ્સ કાર્ટેલરોને બક્ષવા માંગતી નથી. ગુજરાત પોલીસ પ્રો-એક્ટીવલી કામ કરી રહી છે ત્યારે પોલીસનું મોરલ તોડવાનો હિન પ્રયાસ કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં કર્યો છે તેને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. કોંગ્રેસ આ ડ્રગ્સ પેડલરને કેમ સહયોગ આપીને ગૃહમાં ચર્ચા માટે તૈયાર નથી? તે તેમની યુવાનોને ડ્રગ્સની પ્રવૃત્તિઓથી બચાવવા માટેની ડ્રગ્સ વિરોધી માનસિક્તા છતી થાય છે. ડ્રગ્સ જેવા મુદ્દાઓ ઉપર પોલીસ જે કામગીરી કરી છે અને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતના ડ્રગ્સ માફીયાઓ માટે હું ચોક્કસ ટપોરી છું…..ગુજરાતમાં બહેનોની છેડતી કરનાર લોકો માટે હું ચોક્કસ ટપોરી છું…… ડ્રગ્સની કાર્ટેલ ચલાવનારા અને આ લોકોની સાથે સાઠગાંઠ કરનાર લોકો માટે પણ હું ચોક્કસ ટપોરી છું…..પરંતુ યુવાનોને નશાખોરી તરફ લઇ જનાર ડ્રગ્સ માફીયાઓને આ રાજ્યમાં હું ફાવવા નહીં દઉ ભલે ને મારૂ જે થવું હોય એ થાય. મારી ગુજરાત પોલીસ પણ આવા તત્વોને બક્ષશે નહીં.’ ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, તાજેતરમાં મુંદ્રા અદાણી પોર્ટ ખાતે ડી.આર.આઇ. (કસ્ટમ) દ્વારા માદક પદાર્થ હેરોઇનનો અંદાજીત જથ્થો ૨૯૯૮ કિલોગ્રામ (ટેલકમ પાવડર સહીત) જેની કિંમત રૂપિયા એકવીસ હજાર કરોડ ગણી આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ડી.આર.આઇ. ખાતે ગુનો દાખલ કરાયો છે. જેની તપાસ રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને લઇને નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવી છે જેમાં ૧૧ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તે પૈકી ૪ અફઘાનિસ્તાનના નાગરિકો છે. રાજ્ય સરકાર એન.સી.બી/ કસ્ટમ વિભાગ/ડી.આર.આઇ., કોસ્ટલ ગાર્ડની સાથે સ્નિફર ડોગ જે ખાસ પ્રકારે નાર્કોટીક્સના પદાર્થોની તાલીમ પામેલા હોય છે તેનું પણ આયોજન કરી રહી છે.
ગતા તા: ૦૧/૦૯/૨૦૨૧ થી તા:૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં NDPS એક્ટ હેઠળ રાજ્યમાં ૨૫૭ કેસ દાખલ કરીને ૩૯૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમા અંદાજે ૧૬,૪૩૨.૩૭૫ કિલોગ્રામનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જેની અંદાજીત કિંમત ૧૪૫૯ કરોડ થાય છે. રાજ્યમાં ગાંજાના કેસમાં ૧૬૭ કેસ સામે ૨૨૭ આરોપીઓ, અફીણના કેસમાં ૧૨ કેસ સામે ૧૬ આરોપી, ચરસના કેસમાં ૧૬ કેસ સામે ૩૩ આરોપીઓ, હેરોઇન/બ્રાઉન સુગરના કેસમાં ૬ કેસ સામે ૨૬ આરોપીઓ, અન્ય/સેન્થેટીક ડ્રગ્સના કેસમાં ૫૭ કેસ સામે ૯૫ આરોપીઓ સામે કાર્યવાહી કરાઇ છે.

Most Popular

To Top