Dakshin Gujarat

બલેશ્વર પાસે કન્ટેનરે ટક્કર મારતાં ટ્રેક્ટરના બે ટુકડા, એક ટુકડો વીસ ફૂટ દૂર ફંગોળાયો

સુરત: પલસાણાના બલેશ્વરે કન્ટેનરે જોરદાર ટક્કર મારતા શેરડી (Sugarcane) ભરેલા ટ્રેક્ટરના (Tractor) બે ટુકડા થઈ ગયાં હતાં. જેમાંથી એકટુકડો વીસ ફૂટ દૂર ફંગોળાયો હતો. છતાં અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચલથાણ સુગર ફેક્ટરીનું એક ટ્રેક્ટર શુક્રવારે ભૂતપોર ગામેથી શેરડી ભરી આવી રહ્યું હતું. ટ્રેક્ટર નં.(GJ 19 B 3697) નેશનલ હાઇવે નં.48 પર બલેશ્વર પાટિયા સંસ્કાર વિદ્યા સંકુલ સામેથી રસ્તો ઓળંગી રહ્યું હતું. ત્યારે કડોદરા તરફથી પૂરઝડપે આવતું એક કન્ટેનર નં.(NL 01 AE 0939) શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાતાં ટ્રેક્ટરના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા હતા, જેમાં એક ભાગ ટ્રેલર સાથે જોડાયેલો હતો. ત્યારે આ ધડાકાભેર થયેલા અક્માતમાં ટ્રેક્ટરનો બીજો ભાગ ઘટના સ્થળેથી વીસ ફૂટ જેટલો દૂર ફંગોળાયેલો જોવા મળતો હતો. આગંભીર બનેલા અકસ્માતમાં ટ્રેક્ટર ડ્રાઈવરનો અદભૂત બચાવ થયો હતો. અકસ્માત સર્જાતાં હાઈવે ઉપર પાંચ કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી ગઈ હતી. ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી ક્રેનની મદદથી અકસ્માત સ્થળે વાહનો અલગ કરી જામ થયેલા ટ્રાફિકને હળવો કરી આગળની તપાસ હાથ ધરી છે.

માંગરોળના સેલારપુર પાસે ખરાબ રસ્તાને કારણે કાર પલટી મારી ગઈ
વાંકલ: માંગરોળના વાંકલ-ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ પર સેલારપુર ગામના પાટિયા પાસે ખરાબ રસ્તાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઇ હતી, જેમાં ચાલકનો સામાન્ય ઈજા સાથે આબાદ બચાવ થયો છે. વાંકલ-ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ તદ્દન ખરાબ થઈ ગયો હોવાથી દિન પ્રતિદિન અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છેલ્લા એક માસમાં ત્રણથી વધુ અકસ્માતો થયા છે. શુક્રવારે બનેલી ઘટનામાં માંડવીના આમલી ડેમ નજીકના દેવગીરી ગામના દીના જેસીંગ વસાવાની માલિકીની કાર G.J.19.BA.1121નો ચાલક વાંકલથી ઝંખવાવ તરફ જઈ રહ્યો હતો. ત્યારે ખરાબ માર્ગને કારણે ચાલક યુવાને સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર પલટી મારી ગઇ હતી. પરંતુ સદનસીબે ચાલક યુવકને સામાન્ય ઇજા થવાથી આબાદ બચાવ થયો છે. આ ઘટના બનતાં જ સ્થાનિક લોકો અને પોલીસ પણ મદદે આવી હતી.

Most Popular

To Top