Gujarat

કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનું વિવાદાસ્પદ નિવેદન: રામમંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરે છે..

ગુજરાત: આજરોજ ધોળકાના વટામણમાં કોંગ્રેસનું (Congress) ઓબીસી (OBC) સંમેલન યોજાયુ હતુ. જેમા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ (Leaders) ભાજપ (BJP) સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. પરંતુ OBC સંમેલનમાં ભરતસિંહ સોલંકીના સૌથી વિવાદિત નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ રામ મંદિરને લઈને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા રામ મંદિર અને ધાર્મિક આસ્થાના નામે સત્તાનો વેપાર કરીને રામના નામે લોકોને છેતરવાનું કામ કર્યું છે. ભાજપે ભૂતકાળમાં રામશીલાની વાતો કરી. લોકોની આસ્થા અને શ્રદ્ધા હતી કે આ રામશીલા અયોધ્યા જશે અને ભવ્ય મંદિરના નિર્માણમાં તેનો ઉપયોગ થશે, પરંતુ એવું કાંઈ થયું નહીં. રામમંદિરની રામશીલા ઉપર કૂતરાઓ પેશાબ કરતા હતા.

ભાજપ પર નિશાન સાધતા સોલંકીએ કહ્યું કે, ભાજપે રામના નામે કરોડો રૂપિયા ભેગા કર્યા છે. ભાજપે રામના નામે એકઠા થયેલા પૈસાનો કોઈ હિસાબ આપ્યો નથી. જ્યારે સરકારે બજેટમાં પૈસાની દરખાસ્ત કરી અને ભાજપે લોકોને રામ મંદિરના નિર્માણ માટે પૈસાનું દાન આપવા કહ્યું હતું. ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે જે રામશીલાને આ દેશની જનતાએ ખૂબ જ શ્રધ્ધા પૂર્વક પૂજન કર્યું, લોકોએ ગામો ગામથી અયોધ્યા મોકલાવી તેના પર તમે જોયું જ હશે કે કૂતરાઓ પેશાબ કરતા હતા.

સોલંકીએ વધુમાં કહ્યું હતું કે રામનામનો રાજકારણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. રામશીલાનો ઉપયોગ પ્રજાના ધર્મ અને પ્રજાના કલ્યાણ માટે નહીં, પણ રાજકારણ માટે થતો. નિવેદન બાદ ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે તેમનું આ નિવેદન રામ વિરુદ્ધ નથી કે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનું નથી. તેઓએ જણાવ્યું કે મારું નામ ભરત છે અને ભરતે રામનું મંદિર બનાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે મારો ઉદ્દેશ્ય રામના નામ પર સત્તામાં આવેલા લોકોની વિચારસરણીને લોકો સમક્ષ લાવવાનો છે. મારા નિવેદનથી ઘણા લોકો નારાજ થશે અને તેના પર ઘણું રાજકારણ થશે.

બીજી તરફ ભરત સિંહના આ નિવેદન પર ભાજપે વળતો જવાબ આપ્યો હતો. ભાજપે કહ્યું કે કોંગ્રેસ હંમેશા હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે. ત્યારે હાર્દિક પટેલ પણ આ વિવાદમાં કૂદી પડ્યા હતા. સોલંકીના આ નિવેદન ઉપર નિશાન સાધતા હાર્દિકે કહ્યું હતું કે ‘મેં અગાઉ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે, હંમેશા હિન્દુ ધર્મની આસ્થા સાથે રમત રમે છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું છે કે રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરે છે. હિન્દુઓ માટે આટલી બધી નફરત કેમ છે? સદીઓ પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર પણ બની રહ્યું છે, તેમ છતાં કોંગ્રેસના નેતાઓ ભગવાન શ્રી રામ વિરુદ્ધ વાહિયાત નિવેદનો આપતા રહે છે’

વધુમાં પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે, તેની હું રોજ પૂજા કરું છું. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે આશા રાખું છું કે, મંદિર ભારત અને ગુજરાતમાં રામ રાજ્ય લાવશે. તેમણે મંદિર નિર્માણ માટે 21 હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું.

Most Popular

To Top