SURAT

ગુજરાતનો સૌથી મોટો સુરત ST બસ ડેપો કાદવમાં ફેરવાયો

સુરત : ગુજરાતનો (Gujarat) સૌથી મોટા બસ ડેપો (Bus Depot) સુરતમાં (Surat) આવેલ છે. આ ST ડેપો હાલ સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે કીચડમાં ખદબદી રહ્યો છે. સુરત સ્ટેશન પાસે આવેલા આ એસટી બસ ડેપો નજીક મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. મેટ્રોના કામકાજને લઈ માટીના ઢગલા કરવામાં આવ્યા હતા. આ ઢગલા છેલ્લા ચાર દિવસમાં સુરતમાં પડેલા ભારે વરસાદ કારણે કીચડમાં ફેરવાયા હતા. જેના કારણે એસટી ડેપો કીચડમાં ફેરવાઈ ગયો હતો. આ સાથે ડેપોમાં કેટલીક બસો પણ કીચડમાં ફસાઈ ગઈ હતી. જે બસોને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી રહી છે.

સુરત એસટી બસ ડેપો હાલ કીચડમાં ફેરવાઈ જતા ત્યાં 10 જેટલી બસો ફસાઈ ગઈ હતી. આ બસોને ક્રેઈનથી બહાર કાઢવામાં અવી રહી છે. જેમાં 10 બસો પૈકી કુલ 5 બસોને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જો વાત કરીએ તો આ બસ ડેપો 150થી 200 બસોની પાર્કિંગ ક્ષમતા ધરાવે છે. જેની રોજની આવક લગભગ 25 લાખની છે.

બસ ડેપોમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું હતું કે હાલમાં સુરત 1 અને 2 ડેપો કીચડમાં ફેરવાય ગયા છે. તેમણે જણાવ્યું હતું કે બસ ડેપોમાં 1 ફૂટ જેટલું કીચડ જામી ગયું છે. જેમાંથી તેમને પસાર થવુ પડે છે. તે કર્મચારીએ જણાવ્યું કે સુરતના આ બસ ડેપોમાં તમામ બસોનું મેન્ટેનન્સ અને રીપેરીંગ કામ થાય છે. પરંતુ બસ ડેપોની આવી દશાના કારણે બસોનું મેન્ટેનન્સ અને રીપેરીંગ કામ પણ હાલ ખોરવાય ગયું છે. મેન્ટેનન્સ રેમમાં પણ કીચડનો ભરાવો થઈ ગયો હતો.

બસ ડેપોમાં કામ કરતા કર્મચારીએ મેટ્રોના લીધે થયેલી સમસ્યા વીશે વાત કરતા કહ્યું હતું કે બસ ડેપોની નજીકમાં ચાલી રહેલા મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન માટીના ઢગલા કરી દેવામાં આવ્યા હતા. આ માટીના ઢગલાને વરસાદની સીઝન પહેલા હટાવવા માટે વારંવાર કોન્ટ્રાકટરને લેખીતમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ તેણે કોઈ ધ્યાન ન દેતા મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓને પણ આ વાતની લેખિતમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ તે લોકોએ આંખ આડા કાન કરી લીધા હતા. જેના પરીણામે સુરતમાં ચાર દિવસ પડેલા ભારે વરસાદ બાદ આવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.

Most Popular

To Top