Gujarat

ગુજરાતમાં ચૂંટણીની ઉત્તેજના વચ્ચે ATS અને GST દ્વારા 150 ઠેકાણે દરોડાથી ખળભળાટ

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) ATS અને GST વિભાગે મોટા ઓપરેશનમાં રાજ્યભરમાં 150 સ્થળોએ દરોડા (Raid) પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બંને વિભાગો દ્વારા સંયુક્તપણે અમદાવાદ, ભરૂચ, સુરત, ભાવનગર અને જામનગરમાં દરોડા પાડી તપાસ કરવામાં આવી રહી છે.  બોગસ બિલોના (Fake Bills) નામે કરોડો રૂપિયાના વ્યવહારોના સંદર્ભમાં એજન્સીઓએ આ દરોડા પાડ્યા હોવાની વિગતો જાણવા મળી છે. થોડા દિવસો પહેલા સુરત પોલીસે પણ 500 કરોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

એક દિવસ પહેલા જ આવકવેરા વિભાગે (Income Tax) ગુજરાતના અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે રાજકોટ, ભુજ અને ગાંધીધામમાં કેટલાય મોટા ઉદ્યોગગૃહો સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના આ દરોડામાં રિયલ એસ્ટેટ અને ફાયનાન્સ બ્રોકરોના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં સરકારી એજન્સીઓના આ દરોડા એવા સમયે પડી રહ્યા છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જોકે, આ દરોડામાં કેટલી કરચોરી ઝડપાઈ હતી તે બહાર આવ્યું નથી.

વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) કાળાં નાણાંનો (Black Money) મોટાપાયે ઉપયોગ થવાની શક્યતા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં નાણાના ગેરકાયદે ઉપયોગની શક્યતાને રોકવા માટે ચૂંટણી પહેલા આવા દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના પરિણામો હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) ચૂંટણીના પરિણામો સાથે 8 ડિસેમ્બરે જાહેર થવાના છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે. આ વખતે તેમની સામે કોંગ્રેસની (Congress) સાથે આમ આદમી પાર્ટીનો (AAP) પડકાર છે.

શુક્રવારે આવકવેરા વિભાગે રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા
ગુજરાતમાં મોટા શહેરોમાં મીઠાઈ, રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપના ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે આજે સવારમાં જ ત્રાટક્યું હતું અને ઉપરોક્ત દરેક ફર્મના વેપારીઓ ઉપર કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગના દરોડાથી સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. તેની સાથે જ ફાઈનાન્સ બ્રોકરોમાં પણ ખાસ્સો ભયનો માહોલ વ્યાપી ગયો છે . કુલ 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા કાર્યવાહી કરાઈ હતી.

Most Popular

To Top