Gujarat Main

ગુજરાત વિધાનસભા બજેટનો શુભારંભ, શુક્રવારે રજુ થશે બજેટ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) બજેટ સત્ર આજથી એટલે કે ગુરુવારથી શરૂ થયું છે. સાથે જ આ વખતે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ (Budget) રજૂ કરશે અને આ સાથે સરકાર બજેટ સત્રમાં (Budget Session) રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે.

વિધાનસભાના પ્રારંભે વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે સત્રનો વિધિવત આરંભ થયો હતો. તેમજ તેઓએ આજે બપોરે 12 વાગે રાજ્યપાલ ગૃહના સભ્યોને ભૂપેન્દ્ર પટેલ સરકારે વિતેલા વર્ષ દરમિયાન અમૃતકાળમાં અગ્રેસર ગુજરાત બનાવવા માટે હાથ ધરાયેલી કામગીરીનો વિસ્તાર રજૂ કર્યો હતો.

ત્યારબાદ પ્રશ્નોત્તરીનું સેસન શરૂ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ આજથી એક મહિના સુધી ચાલનારા આ સત્ર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ એક મહિનાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આગામી 25 વર્ષ દરમિયાન હાથ ધરવાના કામોનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરશે
આવતીકાલે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું પૂર્ણ અંદાજપત્ર રજૂ કરશે. અંદાજે સવા ત્રણ લાખ કરોડનું બજેટનો આ બજેટ અંદાજપત્રમાં ઉલ્લેખ કરવામાં આવશે. તમામ સભ્યોના ટેબલ પર જ ટેબલેટ રહેશે તેમજ સત્ર દરમિયાન થનારી તમામ કામગીરી પેપરલેસ એટલે કે ડિજિટલ માધ્યમથી જ થશે. આ વજેટ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા ચાર જેટલા વિધેયક લાવવાનું હાલ નક્કી કરાયું છે. જેમાં મહેસૂલ વિભાગનું ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક, શહેરી વિકાસ વિભાગનું હોટલ-લોજિંગ રેન્ટ કંટ્રોલ સુધારા વિધેયક, સહકારી મંડળીઓ માટેનું સહકાર વિભાગનું અને વીજશુલ્કને લગતું નાણાં વિભાગનું વિધેયક રજૂ કરાશે.

વીજ શુલ્કને લગતા વિધેયકમાં વીજચોરી બદલ જે દંડ-સજા છે તેને હળવા કરાશે અને તેને નાણા વિભાગ હસ્તક મૂકીને અન્ય બાબતો જોડાશે. દરમિયાન સત્રમાં જે-તે વિભાગને લગતા પ્રશ્નોના જવાબ ગૃહમાં કોણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપશે તેની જવાબદારી અન્ય મંત્રીઓને સોંપવામાં આવી છે.

જેમાં મંત્રી ઋષિકેશ પટેલ સામાન્ય વહીવટ વિભાગ, વહીવટી સુધારણા, નર્મદા અને કલ્પસર, શહેરી વિકાસ-ગૃહ નિર્માણ વિભાગના ઉત્તર આપશે. મંત્રી રાઘવજી પટેલ માહિતી પ્રસારણ અને બંદર વિભાગના જવાબ આપશે. મંત્રી બળવંતસિંહ રાજપૂત મહેસૂલ, ખાણ-ખનિજ, આપત્તિ વ્યવસ્થાપનને લગતા જવાબ આપશે. મંત્રી મુળૂભાઇ બેરા યાત્રાધામ વિકાસને લગતા પ્રશ્નોના જવાબ આપશે.

સમગ્ર મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંદાજપત્ર સત્રના પહેલાં દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. તેમજ શુક્રવારે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ કરશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનો આગામી પચ્ચીસ વર્ષનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ રોડ મેપમાં તમામ વર્ગોના કલ્યાણની અનેક વિધ યોજનાઓ, યુવા, કિસાનો, ગરીબ, આદિજાતિ, દલિત અને ઓબીસીના ઉત્કર્ષ માટેની નવી યોજનાઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top