Gujarat

36મી નેશનલ ગેઇમ્સમાં રાજ્યના છ મહાનગરોમાં 36 રમતો યોજાશે

ગાંધીનગર:ગુજરાતમાં (Gujarat) આગામી તા.ર૯મી સપ્ટેમ્બરથી (September) યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેઇમ્સના સફળ આયોજન માટે ઓર્ગેનાઇઝિંગ કમિટિની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. ૭ વર્ષના અંતરાલ બાદ યોજાઇ રહેલી આ ૩૬મી નેશનલ ગેઇમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે ત્યારે મુખ્યમંત્રીએ દેશભરના ખેલાડીઓ માટે આ ગેઇમ્સ એક યાદગાર સંભારણું બની રહે તેવું સુદ્રઢ આયોજન સુનિશ્ચિત કરવા આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજે ૮ હજાર ઉપરાંત ખેલાડીઓ આ નેશનલ ગેઇમ્સની વિવિધ ૩૬ રમતોમાં પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાના છે. ગુજરાતના ૬ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં આ રમતોત્સવની વિવિધ સ્પર્ધાઓ યોજાશે.આ મહાનગરોમાં કુલ મળીને ૧૭ જેટલા સ્થળોએ વિવિધ ૩૬ રમતોનું આયોજન સુચારૂ રીતે પાર પડે તે માટે મુખ્ય સચિવ પંકજકુમારના નેતૃત્વમાં નેશનલ ગેઇમ્સ એક્ઝિકયુટીવ કમિટિની રચના કરવામાં આવેલી છે.

આ ઉપરાંત ૬ મહાનગરોમાં પણ સિટી કમિટિની જવાબદારી સચિવ કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. જેમાં અમદાવાદ માટે શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, સુરત માટે જી.આઇ.ડી.સી.ના એમ.ડી થેન્નારસન, ભાવનગર માટે એસ.ટી. નિગમના એમ.ડી. ગાંધી, રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, વડોદરા માટે જી.યુ.વી.એન.એલ ના એમ.ડી જયપ્રકાશ શિવહરે અને ગાંધીનગર માટે કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડ્મીનીસ્ટ્રેશન રાજકુમાર બેનિવાલ જવાબદારી સંભાળશે. અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. ર૭મી સપ્ટેમ્બરે આ નેશનલ ગેઇમ્સનો ભવ્ય ઉદઘાટન સમારોહ દોઢ લાખ જેટલા રમતપ્રેમીઓ, ખ્યાતનામ ખેલાડીઓની ઉપસ્થિતીમાં યોજાવાનો છે તેના તલસ્પર્શી આયોજનની પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. રમતોત્સવનું સમાપન સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં તા. ૧રમી ઓક્ટોબરે કરાશે.

રમત-ગમત અગ્ર સચિવ અશ્વિનીકુમારે બેઠકમાં જણાવ્યું હતું કે, નેશનલ ગેઇમ્સ માટે રાજ્યભરમાં ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ વધુ ઊજાગર કરવાનું પણ સુગ્રથિત આયોજન કરવામાં આવેલું છે. તદઅનુસાર, તા.૧ર થી ૧૬ સપ્ટેમ્બર દરમ્યાન શાળા-કોલેજોમાં એક્ટિવેશન, ૬ શહેરોમાં તા. ૧પ થી રપ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલ તેમજ તા. રર થી ર૯ સપ્ટેમ્બર દરમ્યાન મેસ્કોટ રેલી યોજવામાં આવશે. આ નેશનલ ગેઇમ્સ સાથોસાથ આદ્યશક્તિની આરાધનાનું પર્વ અને ગુજરાતની વૈશ્વિક ઓળખ નવરાત્રિ પણ આવી રહિ છે તે સુભગ સમન્વય છે. દેશના રાજ્યોના ખેલાડીઓ ગુજરાતની ગરબા-રાસની આ ભાતીગળ સંસ્કૃતિ પણ રમતોત્સવ સાથે માણી શકે તેવા આયોજન અંગે પણ બેઠકમાં વિચાર-વિમર્શ કરાયો હતો. આ નેશનલ ગેઇમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે રિયલ ટાઇમ કોમ્યુનિકેશન, આવાસ-ભોજન, વાહન વ્યવહારની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ અપડેટ અને પરિણામોના રિયલ ટાઇમ અપડેટ માટે ગેઇમ્સ મેનેજમેન્ટ સિસ્ટમ અન્વયે વેબસાઇટ અને એપ લોંચ કરવામાં આવેલા છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું.

Most Popular

To Top