Columns

ગીતિકા શર્મા આપઘાત કેસમાં નિર્દોષ પુરવાર થયેલા ગોપાલ કાંડાની કરામત

ગીતિકા શર્મા આત્મહત્યા કેસમાં હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી ગોપાલ ગોયલ કાંડાને દિલ્હીની ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ૧૧ વર્ષ પછી આવેલા કોર્ટના નિર્ણયને કારણે ગોપાલ કાંડાને અત્યારે કોઈ રાજકીય સંકટ દેખાતું નથી. જો સજા થઈ હોત તો તેમની વિધાનસભા બેઠક માટે ખતરો હતો. ગોપાલ કાંડાની રાજકીય કારકીર્દિ વિશે વાત કરીએ તો તેઓ કોંગ્રેસ અને ભાજપ બંનેની નજીક રહ્યા છે. તેઓ ભૂપિન્દર સિંહ હુડ્ડાની કોંગ્રેસ સરકારમાં મંત્રી બન્યા હતા અને હાલમાં તેઓ મનોહર લાલ ખટ્ટરની સરકારને બહારથી સમર્થન આપી રહ્યા છે.

સિરસા જિલ્લાના બિલાસપુર ગામના રહેવાસી ગોપાલ કાંડાની રાજકીય વિચારધારા કોઈ એક પક્ષ સુધી મર્યાદિત નથી. તેમણે જૂતાંની ફેક્ટરી દ્વારા પોતાની વ્યાવસાયિક જિંદગીનો પ્રારંભ કર્યો હતો. રેડિયો રિપેરિંગ બિઝનેસમાં હાથ અજમાવ્યા પછી ગોપાલ કાંડાએ ૧૯૯૦ના દાયકાના અંતમાં રિયલ એસ્ટેટ બિઝનેસમાં પ્રવેશ કર્યો. આ દરમિયાન તેઓ રાજકીય પક્ષોના સંપર્કમાં આવ્યા હતા. તેમનો બિઝનેસ જ્યારે હિસારથી ગુરુગ્રામ સુધી ફેલાયો ત્યારે કાંડાનો પ્રભાવ વધુ વધ્યો. દરમિયાન વર્ષ ૨૦૦૮ માં ગોપાલ કાંડાના પરિસરમાં આવકવેરાના દરોડા પડ્યા હતા. ગોપાલ કાંડાએ તેમના પિતા મુરલીધર લેખારામના નામે MDLR એરલાઈન્સ ખોલી હતી. ૨૦૦૯માં ગોપાલ કાંડા રાજનીતિમાં પ્રવેશ્યા હતા.

જ્યારે ઇન્ડિયન નેશનલ લોકદળે ગોપાલ કાંડાને ટિકિટ ન આપી ત્યારે તેઓ સિરસા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને સાડા છ હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા. તે સમયે કોંગ્રેસને ૯૦માંથી ૪૦ બેઠકો મળી હતી. તેથી ગોપાલ કાંડા કિંગમેકર બન્યા હતા. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ ગોપાલ કાંડાને પોતાના પ્રધાનમંડળમાં લીધા હતા. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા મુખ્ય મંત્રી બન્યા અને કાંડાને હરિયાણાના ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ગોપાલ કાંડાને શહેરી વિકાસ, ઉદ્યોગ અને વાણિજ્ય જેવા વિભાગો પણ મળ્યા હતા. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના તેઓ અત્યંત વિશ્વાસુ હતા. ત્રણ વર્ષ બાદ ગોપાલ કાંડાની જિંદગીમાં પલટો આવ્યો અને તેઓ એર હોસ્ટેસ ગીતિકા શર્મા આત્મહત્યા કેસમાં ઘેરાઈ ગયા હતા. ગીતિકાએ આરોપ લગાવ્યો હતો કે તેણે ગોપાલ કાંડાના અત્યાચારથી કંટાળીને આત્મહત્યા કરી છે.

ગીતિકા ગોપાલ કાંડાની એરલાઇન્સ કંપની MDLRમાં એર હોસ્ટેસ હતી. તેણે ૫ ઓગસ્ટ, ૨૦૧૨ ના રોજ દિલ્હીના અશોક વિહારમાં તેના ઘરે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. તેની સુસાઈડ નોટમાં તેણે આત્યંતિક પગલાં માટે ગોપાલ કાંડા અને તેની MDLR કંપનીમાં વરિષ્ઠ મેનેજર અરુણા ચઢ્ઢાને જવાબદાર ઠેરવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૩ માં, ગીતિકાના મૃત્યુના લગભગ છ મહિના પછી તેની માતા અનુરાધા શર્માએ પણ કથિત રીતે આત્મહત્યા કરી હતી. ગીતિકાએ જે દિવસે આત્મહત્યા કરી તે દિવસે પોલીસે ગોપાલ કાંડા સામે કેસ નોંધ્યો હતો. આ બાબતમાં પોલીસે શરૂઆતમાં ગોપાલ કાંડા સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો હતો, પરંતુ ગીતિકાની સુસાઈડ નોટ જોયા બાદ તેની સામે જુદી જુદી કલમો લગાવવામાં આવી હતી. દિલ્હી પોલીસે ૬ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

ગોપાલ કાંડા સામે દિલ્હીના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.કે. જાંગલાની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે પોલીસની ચાર્જશીટની નોંધ લીધી અને આ મામલાની સુનાવણી માટે ૯ ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી. ગોપાલ કાંડા પર આઈપીસી કલમ ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરણી), ૫૦૬ (ગુનાહિત ધમકી), ૨૦૧ (પુરાવાઓનો નાશ કરવો), ૧૨૦-બી (ગુનાહિત કાવતરું) અને ૪૬૬ (બનાવટ) હેઠળ આરોપો મૂકવામાં આવ્યા હતા. ટ્રાયલ કોર્ટે ગોપાલ કાંડા સામે બળાત્કાર (૩૭૬) અને ૩૭૭ (અકુદરતી સેક્સ) ના આરોપો પણ ઘડ્યા હતા, પરંતુ દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ કલમો રદ કરવામાં આવી હતી.

આ કેસમાં ગોપાલ કાંડાને ૧૮ મહિના જેલમાં પણ રહેવું પડ્યું હતું. હાઇકોર્ટ દ્વારા સહ-આરોપી અરુણા ચઢ્ઢાને આપવામાં આવેલા જામીનના આધારે માર્ચ ૨૦૧૪માં ગોપાલ કાંડાને પણ જામીન આપવામાં આવ્યા હતા. આ પછી ગોપાલ કાંડાએ મંત્રીપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ ગોપાલ કાંડાએ ૨૦૧૪માં હરિયાણા લોકહિત પાર્ટીની રચના કરી હતી. ગોપાલ કાંડા ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.  ગોપાલ કાંડાને ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં ઝટકો લાગ્યો હતો. લોકદળના માખન સિંગલાએ કાંડાને ૨,૯૮૩ મતોના માર્જિનથી હરાવ્યા હતા. સિંગલાને ૪૬,૫૭૩ અને ગોપાલ કાંડાને ૪૩,૬૩૫ મતો મળ્યા હતા.

૨૦૧૯માં યોજાયેલી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ કાંડા તેમની હરિયાણા લોકહિત પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. તેમણે સિરસા બેઠક ૬૦૨ મતોના નાના માર્જિનથી જાળવી રાખી હતી. ગોપાલ કાંડાએ આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ગોકુલ સેટિયાને હરાવ્યા હતા. આ જીત બાદ ગોપાલ કાંડાએ હરિયાણાની રાજનીતિમાં પોતાનો દાવો મજબૂત બનાવ્યો હતો.

વિધાનસભાની ચૂંટણી બાદ જેજેપી (જનનાયક જનતા પાર્ટી) ની મદદથી મનોહર લાલ ખટ્ટર બીજી વખત મુખ્ય મંત્રી બન્યા હતા. ગોપાલ કાંડાએ ભાજપની સરકારને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસના બળવાખોરો કુલદીપ બિશ્નોઈ અને ગોપાલ કાંડાના મતો ભાજપના ઉમેદવાર કાર્તિકેય શર્માને જીતવામાં મદદ કરવા માટે નિર્ણાયક બન્યા હતા. રાજકારણમાં પવન પ્રમાણે સઢ બદલવાની કળાને કારણે ગોપાલ કાંડા તેમના ગુનાહિત ભૂતકાળ છતાં ચંડીગઢમાં જે સરકાર સત્તા પર હોય તેને ટેકો આપીને આગળ વધતા રહ્યા છે.

વર્ષો પહેલા ગોપાલ કાંડાએ સિરસામાં બાબા તારાજી ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું હતું. આ સિવાય ૧૩ એકરમાં ફેલાયેલી વિશાળ આંખની હોસ્પિટલ, ભગવાન શિવની ૧૦૮ ફૂટની મૂર્તિ, ૨.૫ એકરમાં બનેલી શાળા અને ગોપાલ કાંડાનું ભવ્ય ફાર્મ હાઉસ સિરસામાં છે. વર્ષ ૨૦૦૮માં ગોપાલ કાંડાએ ગુડગાંવમાં MDLR શરૂ કર્યું, જેમાં મોટી સંખ્યામાં યુવતીઓને નાની ઉંમરે મોટી પોસ્ટ આપવામાં આવી હતી. તેમાં દિલ્હીની ગીતિકા શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રારંભમાં તેને ટ્રેઇની કેબિન ક્રૂની પોસ્ટ પર રાખવામાં આવી હતી પણ છ મહિના પછી તે ૧૮ વર્ષની થતાં જ તેને એર હોસ્ટેસ બનાવવામાં આવી હતી. માત્ર ત્રણ વર્ષમાં તો તેને કંપનીની ડાયરેક્ટર બનાવવામાં આવી હતી.

થોડા સમય પછી તેણે ગોપાલ કાંડાથી છૂટકારો મેળવવા માટે પોતાનો દેશ છોડીને દુબઈમાં નોકરી લઈ લીધી હતી. ગોપાલ કાંડાએ ગીતિકાને દિલ્હી આવવા દબાણ કર્યું હતું. આ પછી તેણે ગોપાલ કાંડાથી છૂટકારો મેળવવા માટે જીવનનો અંત આણ્યો હતો. ગીતિકાએ પોતાની બે પાનાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે ‘‘હું મારું જીવન સમાપ્ત કરી રહી છું કારણ કે હું અંદરથી તૂટી ગઈ છું. મારી સાથે છેતરપિંડી થઈ છે, મારા મૃત્યુ માટે ગોપાલ કાંડા અને અરુણા ચઢ્ઢા જવાબદાર છે. બંનેએ મારો વિશ્વાસ તોડ્યો અને પોતાના ફાયદા માટે મારો દુરુપયોગ કર્યો. તેઓએ મારું જીવન બરબાદ કરી દીધું છે. હવે તેઓ મારા પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.’’આ સુસાઈડ નોટ હોવા છતાં ગોપાલ કાંડાને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top