Charchapatra

તળ સુરતનો ‘ગોકુળ આઠમનો મેળો’

શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહીનામાં ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર રંગેચંગે ઉજવ્યોં સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ ના તહેવાર તરીકે ઉજવાય છે. ત્યાં શ્રાવણી લોકમેળા ભરાય છે. વર્ષો પહેલા સુરતમાં રૂવાલા ટેકરો અને હરિપુરા ત્યાર બાદ સલાબતપુરા અને રીંગરોડ કિન્નરી મેદાનમાં ગોકુળ આઠમ નો મેળો ભરાતો. બાળકો જેઠ મહિનાથી જન્માષ્ટમીના મેળાની રાહ જોતા, રમકડાંની ખરીદી મેળામાંથી જ થતી. મેળાની શરૂઆત શીતળા સાતમથી થાય જે અમાસ સુધી ચાલે.

મેળામાં સુરતીઓ મોટી સંખ્યામાં મેળે મહાલવા જાય. મેળામાં રમકડાના સ્ટોલ લાગતા. સ્ટોલમાં લાકડાના રમકડાં મળતા. દોરીવાળી મોટરગાડી ઓ, પાણીમાં ચાલે એવી આગબોટો, ફુગ્ગા, પાવા અને ટકટકીયા જેવા રમકડાં મળતા. મેળામાં બાળકો ભુલા પડેતો કંટ્રોલરૂમ થી માઇક પર એનાઉન્સમેન્ટ થાય, બાળક અને મા બાપનું નામ બોલાતું, તો સાથે બાળકના રડવાનો અવાજનું માઇક પરથી પ્રસારણ થતું. આખો દિવસ માઇક પર ફિલ્મી ગીતો પણ વગાડવામાં આવતા. મેળામાં મીઠો ઘોંઘાટ ગુંજતો, ચગડોળમાં બેસવા માટે લાઈનો લાગતી.

ચગડોળ ઉપર જાય ત્યારે આસમાન ધુમ્મસીયું દેખાતું અને સલાબતપુરા ની શેરીઓ ના મકાનોના છાપરા દેખાતા. ખાણીપીણી અને આઇસ્ક્રીમ,કોલ્ડ ડ્રિંક્સના સ્ટોલ લાગતા. ખત્રી સમાજ ની વાડીમાં મોતનો કુવો જોવા પણ લાઇન લાગતી. ચાદર ચારસા ના સ્ટોલ પર બહેનોની ભારે ભીડ રહેતી. મેળામાં બંદુકથી ફુગ્ગા ફોડતા અને, રીંગ નાંખી ઇનામો જીતવાનો પણ આનંદ કઈ અલગ હોય. એવા અરીસા નો સ્ટોલ હોય ત્યાં વ્યક્તિ જાડા, પાતળા, લાંબા, ટૂંકા દેખાય અને સાથે હાસ્યનો અવાજ સ્પીકર માં વાગે. મેળામાં આનંદ અને ઉમંગની છાંકમચોળ રેલાતી. સુરતીઓ ની દુનિયા રંગીન થઈ જતી. તે સમયનો ગોકુળ આઠમનો મેળો સદાકાળ સુરતીઓ ના સ્મરણ માં રહેશે.
સુરત     – કિરીટ મેઘાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બે નંબરી સ્માર્ટ સિટી
હાલમાં જ ભારત સરકારે મધ્યપ્રદેશના ઈંદોરને સ્માર્ટસિટી નંબર-1 અને ગુજરાતના સુરતને સ્માર્ટ સિટી નંબર-2 જાહેર કર્યું આ નંબર કઈ રીતે અપાય છે એ પ્રજા જાણતી નથી. મેં ઈંદોર જોયું નથી પરંતુ સુરત નંબર-2 જાહેર થયું એ અજાયબી લાગી! કેમકે હું સુરતી છું અને સુરતની સમસ્યાઓથી વાકેફ છું. સુરતમાં બનેલા મોટા ભાગના વોકવે ભંગાર હાલતમાં છે. મોટા ભાગના રસ્તા ઠેર ઠેર ખોદાયેલા છે. ભંગાર હાલતની સિટી બસો દોડે છે. જાહેર રસ્તાઓની વચ્ચે ગેરકાનુની ધર્મસ્થાનો ઉભા છે. ઘણી જગ્યાએ જાહેરનામાઓની ઐસી તૈસી કરીને રસ્તાઓ ઉપર ગૌસેવાના નામે ઢોર હજુ બંધાય છે. ચાર રસ્તાઓ ઉપર ઠેર-ઠેર ફ્રુટવાલા-શાકભાજીવાલા- રીક્ષા કે ટેમ્પો વાલા દબાણો કરી ઉભા છે.

નાગરિકો જીવના જોખમે વાહનો ચલાવે છે. નાગરિકો યે મોબાઈલ જોતા જોતા વાહનો દોડાવે છે. ધાર્મિક પંડાલો ધર્મના નામે દોઢ દોઢ મહિનો રસ્તા રોકી અડીંગા જમાવે છે. શ્રાવણમાં કાવડયાત્રાના નામે વ્હેલી સવારથી રસ્તાઓ ઉપર ચક્કાજામ ઉભો કરાય છે. ધર્મના નામે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઊડાવાય છે વળી સ્માર્ટસિટીમાં 21/1 હેઠળની પાંચ લાખ મિલકતો દસ્તાવેજ વગરની છે. સરકાર ખુદ દસ્તાવેજ બનાવવાના વાયદા કરી ફરી જાય છે. વિશ્વમાં ક્યાંય આવું સ્માર્ટ સિટી જોયું છે? સ્માર્ટ સિટીના વ્યાખ્યા શું?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top