SURAT

કાપોદ્રા ચાર રસ્તા નજીક 9 ફૂટ ઊંડો ભુવો પડ્યો : ટ્રાફિક જામ

સુરત(Surat): કાપોદ્રા ચાર રસ્તા નજીક મેઈન રોડ પર જ ભુવો પડતા તંત્ર દોડતું થઈ ગયું છે. ભુવામાં કોઈ પડી નહીં જાય તે માટે તંત્ર દ્વારા તેની ફરતે બેરીકેડિંગ કરી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે વાહનચાલકોએ ત્રાફિકની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોએ કહ્યું હતું કે વિકાસના ખરાબ કામોનું પરિણામ બહાર આવી રહ્યું છે. ભુવો 9 ફૂટનો છે. આખી કાર અંદર પેસી જાય એવા ભુવા શહેરના રસ્તાઓ પર પડી રહ્યા છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ઘટના કાપોદ્રા ચાર રસ્તા પાસેની છે. આજે સવારે અચાનક 9 ફૂટ ઊંડો ભુવો પડતા વાહનચાલકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તાત્કાલિક મહાનગર પાલિકાના તંત્રને જાણ કરતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. ભુવાની ઊંડાઈ 8-9 ફૂટ જેટલી છે. અગાઉ આ જ જગ્યા પર ભુવો પડ્યો હતો. આ જ જગ્યા પર ફરીથી ભુવો પડતા તંત્રની બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા માત્ર બેરીકેડિંગ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં વાહનો આ રસ્તા પરથી પસાર થતા હોય છે. કાપોદ્રા ચાર રસ્તા એટલે વરાછાનો મુખ્ય રોડ ગણાય છે. તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતાં ભુવા પડી રહ્યા છે. ટ્રાફિક જામની સ્થિતિનું વારંવાર નિર્માણ થતું હોવા છતાં નક્કર કામગીરી ન થતી હોવાનું સામે આવી રહ્યું છે. આવા જ દિવસો જોવા વિકાસનો પાયો નાંખ્યો હોય એમ કહી શકાય છે.

Most Popular

To Top