Gujarat Main

સવારે સ્કૂલ ગયેલી રાજકોટની બાળકીનું કાતિલ ઠંડીમાં લોહી જામી જતા મોત થયું

સુરત: આખાય દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. ગુજરાતના પણ 14થી વધુ શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે. ઉત્તર ગુજરાતમાં તો ભુક્કા કાઢી નાંખતી ઠંડી પડી રહી છે ત્યારે કડકડાતી ઠંડીમાં વહેલી સવારે સ્કૂલ ગયેલી રાજકોટની એક 17 વર્ષીય વિદ્યાર્થીનીનું લોહી જામી જવાના લીધે મોત થયું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના મોત બાદ રાજ્યનું શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે. ગાત્રો થિજાવી નાંખતી ઠંડીમાં બાળકોને વહેલી સવારે સ્કૂલમાં બોલાવવાના સંચાલકોના આગ્રહ સામે રોષ ફાટી નીકળ્યો છે. આ સાથે જ બાળકોને સ્કૂલ દ્વારા નક્કી કરાયેલા જ સ્વેટર પહેરવા દબાણ કરવાના સ્કૂલોની જીદ સામે પણ વાલીઓ ગુસ્સે ભરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગરનું ગઈ તા. 17 જાન્યુઆરીના રોજ મોત થયું છે. રિયા સાગર નિયત ક્રમ અનુસાર 17મીની સવારે સ્કૂલ-વેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કર્યા બાદ રિયા અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પોતાના ક્લાસમાં ગઈ હતી. ક્લાસરૂમમાં પહોંચતા વેંત જ રિયાને ધ્રુજારી ઉપડી હતી અને તે બેભાન થઈ ક્લાસરૂમમાં જ ઢળી પડી હતી. સ્કૂલ સંચાલકોએ 108ને બોલાવી તાત્કાલિક રિયાને હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. સવારે ભણવા માટે સ્કૂલ ગયેલી દીકરીનો મૃતદેહ ઘરે આવતા માતા-પિતાને ઘેરો આઘાત લાગ્યો હતો.

આ પરિવાર મૂળ યુગાન્ડાનો વતની છે. મૃતક રિયા પરિવારમં બે બહેનમાં મોટી હતી. પિતા સોની છે. સોની પરિવાર 10 વર્ષથી યુગાન્ડાના કંપાલામાં રહેતો હતો. કોરોનામાં કેસો વધી જતા તેઓ રાજકોટ શિફ્ટ થયા હતા. રિયાની માતા જાનકીબેને કહ્યું હતું કે, રિયાને નખમાં પણ રોગ નહોતો. ઠંડીના લીધે લોહી જામી જવાના લીધે તેનું મોત થયું છે. સ્કૂલવાળા તેમના જ સ્વેટર પહેરવા મજબૂર કરે છે. અન્ય જાડા સ્વેટર કે જેકેટ પહેરી જાય તો દંડે છે. સ્કૂલનો ટાઈમ પણ બદલતા નથી. મેં તો મારી દીકરી ગુમાવી હવે સ્કૂલવાળા જડ નિયમો બદલે તો સારું.

ડીઈઓએ શાળાનો સમય બદલવા આદેશ છોડ્યા
ઠંડીના લીધે વિદ્યાર્થીનીનું મોત થતાં રાજકોટનું શિક્ષણ અધિકારી સફાળા જાગ્યા છે. તાત્કાલિક તેઓએ રાજકોટ જિલ્લાની તમામ શાળાનો સમય સવારે 8 વાગ્યાનો કરવા આદેશો છોડ્યા છે. નિયમનો ભંગ કરનાર સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Most Popular

To Top